સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા એક વર્ષમાં 58.44 લાખ ગ્રાહકોએ 26,342 કરોડની વીજળીનો વપરાશ કરતા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી. (PGVCL)ના બીલ કલેક્શનમાં એક વર્ષમાં 223.33 ટકાનો વધારો થયો છે. આ સાથે જ નવા નાણાકીય વર્ષમાં વીજ કંપનીની બીલની આવકમાં 2,680 કરોડનો વધારો થયો હોવાનું સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું. વીજ બિલ થકી થનારી આવક વધવા પાછળના કારણોમાં રહેણાંક મકાનો, ઇન્ડસ્ટ્રીઝમાં વિજ ઉપકરણોમાં વધારો થતાં વિજ લોડ વધારવામાં આવ્યો. આ સાથે જ લાઈનમાં ઊભા રહી વીજ બિલ ભરવાને બદલે મોટાભાગના ગ્રાહકો ઓનલાઇન પેમેન્ટ કરતા ડિજિટલાઇઝેશનનો ઉપયોગ વધ્યો છે. જેથી વીજ બિલનું પેમેન્ટ વધ્યું છે અને તેને લીધે જ વીજ બિલ થકી PGVCLને થતી આવકમાં વધારો થયો હોવાનું સામે આવ્યું છે.
PGVCLના સૂત્રોના જણાવ્યાં પ્રમાણે, વર્ષ 2022-23માં સૌરાષ્ટ્ર-કચ્છના 12 સર્કલમાં 58.44 લાખ ગ્રાહકો નોંધાયા હતા. જેમાં રહેણાંક, ઔધોગિક, કોમર્શિયલ અને ખેતીવાડી સહિતનાં ગ્રાહકોએ વર્ષ 2022-23માં 23,662.27 કરોડનું બીલ વિજ કંપનીમાં ભરપાઈ કર્યું હતું. જ્યારે વર્ષ 2023-24માં માર્ચનું નાણાકીય વર્ષ પૂર્ણ થતાં 26,342 કરોડનું વીજ બિલ ભરવામાં આવ્યુ છે. એટલે કે, 1 વર્ષમા વીજ બિલમાં 2,680 કરોડનો વધારો થયો છે. સૌરાષ્ટ્ર-કચ્છના 12 સર્કલમાં સૌથી વધુ વિજ વપરાશ સિરામિક નગરી ગણાતા મોરબીમાં થઈ રહ્યો છે.
PGVCLને મોરબીમાં વીજ બિલ થકી થતી આવકમાં છેલ્લા 1 વર્ષમાં 971.79 કરોડનો વધારો થયો છે. જ્યારે અન્ય સર્કલમાં વીજ બિલ થકી આવક પર નજર કરીએ તો રાજકોટ ગ્રામ્યમાં 452.83 કરોડ, સુરેન્દ્રનગરમાં 244.86 કરોડ, રાજકોટ શહેરમાં 237.44 કરોડ, જામનગરમાં 169.29 કરોડ, અમરેલીમાં 135.93 કરોડ, અંજારમાં 114.9 કરોડ, જૂનાગઢમાં 109.54 કરોડ, બોટાદમાં 82.78 કરોડ, પોરબંદરમાં 51.05 કરોડ, ભુજમાં 46.91 કરોડનો વીજ બિલમાં વધારો થયાનું જાણવા મળ્યું છે.