ગણપતિ સ્થાપનાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દુધાળા દેવ ગણપતિના આગમનને લઈને શહેરભરમાં જબરજસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. 19 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી પહેલા ગણેશ મંડપમાં શ્રીજીનું આગમન શરૂ થઈ ગયું છે. મોડી રાત સુધી ઢોલ-નગારા અને ડીજેના તાલે ગણેશ ભક્તો પોતાના પ્રિય દેવને લઈને આવી રહ્યા છે. નાના-મોટા સૌ કોઈ ભક્તિના રંગમાં રંગાતા દેખાયા છે.
ઢોલ-નગારા સાથે શ્રીજીનું આગમન
ગુજરાતમાં સૌથી વધુ શ્રીજીની મૂર્તિઓની સ્થાપના સુરત શહેરમાં થાય છે. ગણેશ ભક્તો દ્વારા દબદબા ભેર આગમન કરાવવામાં આવી રહ્યું છે. મોડી રાતે હજારોની સંખ્યામાં સુરતીઓ રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે. અલગ-અલગ મંડળો દ્વારા બાપાના સ્વાગત માટે જબરજસ્ત લાઇટિંગની વ્યવસ્થા પણ કરી છે. આકર્ષક રોશની વચ્ચે શ્રીજીની પ્રતિમાઓને લાવવામાં આવી રહી છે.
અલગ-અલગ વેશભૂષાએ આકર્ષણ ઊભું કર્યું
બાપાના વિસર્જન વખતે જેવો માહોલ હોય છે, તેના કરતાં ચારગણો ઉત્સાહનો માહોલ શ્રીજીના આગમન પર જોવા મળી રહ્યો છે. રસ્તા ઉપર અદ્ભુત નજારાઓ જોવા મળી રહ્યા છે. અલગ-અલગ વેશભૂષામાં આવતા કલાકારો પણ જોવા મળી રહ્યા છે, જેના કારણે મોટું આકર્ષણ ઊભું થઈ રહ્યું છે.