હાલ સોશિયલ મીડિયાના જમાનામાં ઓનલાઈન મિત્રો બનાવવાનું અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીને ભારે પડી ગયું હતું. સરખેજના ફતેવાડી વિસ્તારમાં ઘરમાં એકલી રહેતી યુવતી ગંભીર બીમારીથી પીડાતી હતી. સોશિયલ મીડિયા મારફત એક યુવતીનો સંપર્ક થયો હતો અને તેની મિત્ર બની હતી. બંનેની મિત્રતા આગળ વધી હતી, તેમાં એકલી રહેતી યુવતીને યુવતીએ પોતાની જાળમાં ફસાવી અને તું એકલી રહે છે તો હું તને દરેક રીતે મદદ કરીશ તેમ કહી અને તેના ઘરે રહેવા આવી હતી. આ યુવતી પોતે ઓનલાઈન દેહવ્યાપાર અને ડ્રગ્સનો ધંધો કરતી હતી. યુવતીના ઘરનો ઉપયોગ કરી રોજ અલગ અલગ ગ્રાહકોને યુવતીના ઘરમાં બોલાવી અને પોતે શારીરિક સંબંધ બાંધતી હતી, ડ્રગ્સ પણ ત્યાં જ વેચતી હતી.
ખોટી પોલીસની ઓળખ આપી ધમકી આપી
આ અંગે યુવતીને જાણ થતાં તેણે આવું કરવાની ના પાડી અને ઘરમાંથી જતાં રહેવા કહ્યું તો તેણે બે મિત્રોને બોલાવી અને ખોટી પોલીસની ઓળખ આપી ધમકી આપી હતી. આ બાબતે યુવતીએ તેની સાથે બોલાચાલી કરતા તેને ડ્રગ્સ આપવાની કોશિશ કરી હતી. જોકે, તેણે ઝપાઝપી કરી અને તાત્કાલિક પોતાના પિતાને જાણ કરી હતી. યુવતીના પિતાએ મહિલા હેલ્પલાઈનની મદદ લેતા પોલીસ અને મહિલા હેલ્પલાઈનની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. જોકે, યુવતીની હાલત ગંભીર હોવાથી તેને તાત્કાલિક 108 મારફતે સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. સાથે રહેનારી યુવતી અને યુવકો ત્યાંથી ફરાર થઈ ગયાં હતાં.
20 વર્ષીય શિક્ષિત યુવતી ઘરમાં રહેતી હતી
મળતી માહિતી મુજબ શહેરના સરખેજ ફતેવાડી વિસ્તારમાં એક 20 વર્ષીય શિક્ષિત યુવતી ઘરમાં રહેતી હતી. તેની માતાના અવસાન બાદ પિતા ભાવનગર ખાતે રહેતા હતા અને યુવતી અહીંયાં એકલી રહેતી હતી. યુવતીને ગંભીર બીમારી હતી. જેથી તેના ઘરમાં નોકરો તેની સેવા કરતા હતા. સોશિયલ મીડિયા મારફતે યુવતી એક 22થી 25 વર્ષની ઉંમરની યુવતીના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે વાતચીત થતી હતી. તે દરમિયાન યુવતીએ જણાવ્યું હતું કે. પોતાને આવી ગંભીર બીમારી છે અને પોતે એકલી રહે છે જેથી તે યુવતીએ ઘરમાં રહી હોસ્પિટલ, દવા વગેરે રીતે પોતાને મદદ કરશે અને સાથે રહેશે તેમ કહ્યું હતું. યુવતી તેના ઘરે રહેવા આવી ગઈ હતી. એક મહિના સુધી તો બધું બરાબર ચાલ્યું હતું, પરંતુ ત્યારબાદ ધીમે ધીમે યુવકો તેના ઘરે આવવા લાગ્યા હતા. એક-બે વખત યુવકો આવતા એવું લાગ્યું કે, તેના મિત્રો હશે પરંતુ અલગ અલગ યુવકો આવતા હતા.
યુવકો આવતાં અને એક-એક કલાક સુધી બેડરૂમમાં રહેતા
રોજ અલગ અલગ યુવકો આવતા અને એક-એક કલાક સુધી બેડરૂમમાં જ જતા રહેતા હતા. જેથી આ બાબતે યુવતીએ તેને પૂછ્યું હતું, જેથી તેને જણાવ્યું હતું કે, હું ઓનલાઈન દેહવ્યાપાર કરું છું. ઓનલાઈન લોકોને સંપર્ક કરી દેહવ્યાપાર કરું છું. હું ડ્રગ્સ પણ વેચું છું. આથી યુવતીએ આવું કરવાની ના પાડી હતી. પોતાના ઘરમાં રહી આવા ધંધા ન કરવા જણાવતા તે યુવતીએ પોતાના બે મિત્રોને પોલીસ તરીકે બોલાવ્યા હતા. ખોટી પોલીસની ઓળખ આપી અને રેડ છે કહી તેને ધમકાવી પણ હતી. જોકે, આ અંગે યુવતી સરખેજ પોલીસ સ્ટેશનમાં જઈ અને આવી કોઈ જગ્યાએ રેડ કરી છે કે કેમ તે અંગે તપાસ કરી તો તે ખોટા પોલીસ હોવાનું જાણવા મળ્યું હતું.
યુવતીની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલ ખસેડાઇ
યુવતી પોતાના ઘરે હતી. તે દરમિયાનમાં ફરીથી યુવતી અને બે મિત્રો આવ્યા હતા અને આ યુવકોએ પોતાની સાથે ડ્રગ્સ લઈને આવ્યા હતા. જે ડ્રગ્સ યુવતીના ઘરમાં મૂકવાની કોશિશ કરી હતી. જેથી યુવતીએ તેમની સાથે ઝઘડો કરી અને ઝપાઝપી કરી હતી. આ અંગે બોલાચાલી થતા યુવતીએ પોતાના ભાવનગર ખાતે રહેતા પિતાને જાણ કરી હતી. દીકરી પોતે તકલીફમાં હોવાથી તરત જ તેઓએ મહિલા હેલ્પલાઈનની ટીમને જાણ કરી હતી અને તેઓએ પોલીસને પણ જાણ કરી દીધી હતી. જેથી પોલીસ અને મહિલા હેલ્પલાઈનની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે યુવતી અને બંને યુવકો ત્યાંથી ફરાર થઈ ગયાં હતાં. જ્યારે યુવતી પોતે ગંભીર હાલતમાં રોડ ઉપર પડી હતી. તેમની હાલત ખૂબ જ ખરાબ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે 108માં સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.