સાબરકાંઠા જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં આઠમાંથી બે તાલુકામાં વરસાદ નોધાયો હતો. તો એક કલાકમાં સવા ઇંચ વરસાદને લઈને રોડ પર પાણી પાણી થઇ ગયું હતું. તો અસહ્ય ગરમી વચ્ચે વરસાદને લઈને ઠંડક પ્રસરી હતી.
ચોમાસું પૂર્ણ થવા આવ્યું છે ત્યારે અંતિમ દિવસોમાં અસહ્ય ગરમી પડી રહી છે ત્યારે વરસાદી વાદળોથી આકાશ ઘેરાય છે અને ગાજવીજ સાથે કેટલીક જગ્યાએ વરસે છે. સાબરકાંઠા જીલ્લાના પોશીનામાં મંગળવારે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે એક કલાક ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને લઈને રોડ પર પાણી-પાણી થઇ ગયું હતું. જોકે અસહ્ય ગરમી વચ્ચે ધોધમાર વરસાદને લઈને ઠંડક પ્રસરી હતી. તો વિજયનગર તાલુકામાંમાં દિવસ દરમિયાન વરસાદી ઝાપટા પડ્યા હતા.
ચોમાસાની સીઝનનો સાબરકાંઠામાં સરેરાશ વરસાદ 99 ટકા થયો છે તો આઠમાંથી ચાર તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ નોધાયો છે. ચાર તાલુકામાં 80 ટકાથી વધુ વરસાદ નોધાયો છે છતાં જીલ્લાના જળાશયો ખાલીખમ છે તો સૌથી મોટું જળાશય હાથમતી જે ખેડૂતોને સિંચાઈ ઉપરાંત પીવાનું પાણી પૂરું પાડે છે તે જળાશય માત્ર 48 ટકા ભરાયું છે. હરણાવ જળાશય 94 ટકા અને ગુહાઈ જળાશય 54 ટકા ભરાયું છે.
વરસાદની ટકાવારી સામે સર્વત્ર વરસાદના અભાવે જળાશયોમાં પાણીની આવક ઓછી રહી છે. જેથી જળાશયો ખાલીખમ રહ્યા છે. સાબરકાંઠા જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં પોશીનામાં 31 મીમી અને વિજયનગરમાં 07 મીમી વરસાદ નોધાયો છે.
સાબરકાંઠા જીલ્લાના ગુહાઈ જળાશયમાં 82 કયુસેક, હરણાવ જળાશયમાં 50 કયુસેક પાણીની આવક સામે જવાનપુરા બેરેજમાં 180 કયુસેક આવક અને 180 કયુસેક પાણીની જાવક ચાલી રહી છે. ગોરઠીયા બેરેજમાં 600 કયુસેક આવક અને 400 કયુસેક પાણીની જાવક ચાલી રહી છે. તો ખેડવા જળાશયમાં 60 કયુસેક પાણીની આવક અને 60 કયુસેક પાણીની જાવક થઇ રહી છે.