ખેડૂત 6 એકર જમીનમાં કેળાની ખેતી કરે છે. તેમના ખેતરના કેળાની ગુણવત્તા એટલી સારી છે કે, વેપારીઓ સીધા ખેતરમાં આવીને તેમની પાસેથી કેળાની ખરીદી કરે છે. તે વૈજ્ઞાનિક પદ્ધતિથી કેળાની ખેતી કરે છે. તેમજ પાકને ટપક સિંચાઈ દ્વારા પિયત આપવામાં આવે છે.
ખેડૂતો મોટાભાગે ડાંગર, ઘઉં, કઠોળ કે તેલીબિયાં જેવા પાકની ખેતી કરતા હોય છે. પરંતુ હવે ખેડૂતો પરંપરાગત ખેતીના બદલે આધુનિક પદ્ધતિથી બાગાયતી પાકોની ખેતી પણ કરી રહ્યા છે. તેમાં પણ ફળ પાકોની ખેતી દ્વારા ઘણા ખેડૂતોની આવકમાં (Farmers Income) વધારો થયો છે. આજે આપણે એવા ખેડૂતો વિશે જાણીશું જેમણે કેળાની ખેતી (Banana Farming) કરી તેનું નસીબ બદલ્યું છે. તે કેળાની ખેતી કરી દર વર્ષે લાખો રૂપિયાની કમાણી કરે છે.
કેળાની ખેતીથી 90 લાખ રૂપિયાની કમાણી
કેળામાંથી લાખો રૂપિયાની કમાણી કરનારા આ ખેડૂતનું નામ પ્રતાપ લેંડવે છે. તે મહારાષ્ટ્રના સાંગોલાનો રહેવાસી છે. સંગોલા ગામ દાડમની ખેતી માટે પ્રખ્યાત છે. અહીંના દાડમને GI ટેગ આપવામાં આવ્યો છે. તેમ છતા પ્રતાપ લેંડવે દાડમને બદલે કેળાની ખેતી કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, તેણે માત્ર 9 મહિનામાં કેળાની ખેતીથી 90 લાખ રૂપિયાની કમાણી કરી છે.
વેપારીઓને 35 રૂપિયા પ્રતિ કિલોના ભાવે કેળા વેચ્યા
ખેડૂતના કહેવા અનુસાર, પહેલા તેઓ દાડમની ખેતી કરતા હતા, પરંતુ ખર્ચ કરતાં નફો ઓછો થતો હતો. તેથી તેના ખેડૂતો મિત્રોની સલાહ પર કેળાની ખેતી શરૂ કરી હતી. સાંગોલા તાલુકાના હલદહીવાડીમાં તેનું ખેતર આવેલું છે. અહીં તે કેળાની ખેતી કરે છે. તેમનું કહેવું છે કે, જમ્મુ-કાશ્મીરના વેપારીઓને 35 રૂપિયા પ્રતિ કિલોના ભાવે કેળા વેચ્યા છે. તેનાથી તેમને 6 એકરમાંથી 90 લાખ રૂપિયાની આવક થઈ હતી.
એક એકરમાં 50 ટન કેળાનું ઉત્પાદન
પ્રતાપ લેંડવે 6 એકર જમીનમાં કેળાની ખેતી કરે છે. તેમના ખેતરમાંથી કેળાની ગુણવત્તા એટલી સારી છે કે, વેપારીઓ સીધા ખેતરમાં આવીને તેમની પાસેથી કેળાની ખરીદી કરે છે. પ્રતાપ લેંડવે કહે છે કે, તેઓ વૈજ્ઞાનિક પદ્ધતિથી કેળાની ખેતી કરે છે. તેમજ પાકને ટપક સિંચાઈ દ્વારા પિયત આપવામાં આવે છે.
તેમના મતે કેળાના એક લૂમનું વજન 55 થી 60 કિલોની વચ્ચે હોય છે. આ જ કારણ છે કે પ્રતાપને 1 એકરમાં 50 ટન કેળાનું ઉત્પાદન મળ્યું હતું. આ રીતે તેણે 9 મહિનામાં 14 લાખ રૂપિયા પ્રતિ એકરના દરે કેળા વેચીને 90 લાખ રૂપિયાની કમાણી કરી છે.