ગોધરા શહેરના રુદ્ર હોસ્પિટલ લાલબાગ બસ સ્ટેશન રોડ પાસે એક સાઢુભાઈએ પોતાના સાઢુભાઈ પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જેમા પોતાના ઘરસંસારમાં કેમ દખલ કરો છો તેમ કહીને ચપ્પુ વડે સાઢુભાઈ પર હુમલો કર્યો હતો. જેમાં પગના થાપા અને બરડાના ભાગે ઘા વાગ્યા હતા ત્યારે આ સમગ્ર મામલે ગોધરા એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, ગોધરા શહેરના મજાવર રોડ ભિલોડિયા પ્લોટ ઈસ્માઈલ મસ્જિદ પાસે રહેતા જુનેદ અલ્તાફ મામજીએ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત 25/05/24ના રોજ પોતાની સાળી સાયમાની દવા લેવા મેડિકલ સ્ટોર ગોધરાની રુદ્ર હોસ્પિટલ ખાતે પોતાના ઘરેથી તેના મિત્ર સાથે બાઈક ઉપર બેસી આવી હતી. ત્યારે ચર્ચથી આગળ જતા બસ સ્ટેશન રોડ પાસે પસાર થતા તેમનો સાઢુ ઈબ્રાહીમ હનીફ ઉંમરજી રહે. ભિલોડા પ્લોટ આદમ કોલોની ગોધરાનો તેની ગાડી લઈ તેની પાછળ આવ્યો હતો. બાઈકને ઓવરટેક કરી બીભત્સ અપશબ્દો બોલવા લાગ્યો હતો અને કહેતો હતો કે, લુખ્ખા આ એરીયો બીજો છે અહીંયા બોલ શું છે ? તેમ કહી મા બેન સમા અપશબ્દો બોલી અને ગાલ પર જોરથી તમાચો માર્યો હતો.

બાદમાં બર્ગમેનની ડેકીમાંથી ચાકુ લઈ આવી ગળા ઉપર મારવા જતા ફરિયાદીએ જમણો હાથ આડો ધરતા જમણા હાથે કાંડા નજીક ચપ્પાનો ઘા વાગ્યો હતો અને ચામડી કપાઈ જતા લોહી નીકળ્યું હતું. તેમજ આરોપીએ તેના હાથમાં રહેલા ચપ્પાનો બીજો ઘા પગના થાપા પર મારી દીધેલો તેમજ ત્રીજો ઘા ડાબા પગના ઝાંઘના પાછળના ભાગે માર્યો હતો. તેમજ તરત જ બરડાના પાછળના ભાગે પીઠ પર ચપ્પાના બે ઘા માર્યા હતા. જતા જતા કહેતો ગયો હતો કે, તારા જેટલા હિમાયતી હોય તે બધાને બોલાવી લે તારા જાનની મારા હાથથી આજે કોઈ સલામતી નથી. દુનિયાની કોઈ તાકાત તને બચાવી નહીં શકે, તારા કટકે કટકા કરી નાખીશ. તેમ જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી.
આ ઈબ્રાહીમ હનીફ ઉંમરજી ફરિયાદનો સાઢુ થાય છે. જેને એકાદ અઠવાડિયા પહેલા તેને ફોન કરીને કહેલું કે, તું અને તારી મા મારા ઘર સંસારમાં દખલ અંદાજી કરવાનું બંધ કરો. જે બાદ બંનેએ એકબીજાને અપશબ્દો બોલેલા જેનો ખાર રાખી ગઈકાલે બપોરના આશરે બારેક વાગ્યે આ ઈબ્રાહીમ હનીફ ઉંમરજીએ ફરિયાદીને જાનથી મારી નાખવાના ઈરાદે ચપ્પુના ઘા માર્યા હતા. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.