ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 22મો દિવસ છે. આ દરમિયાન શુક્રવારે સતત ત્રીજા દિવસે, ઇઝરાયલી આર્મી (IDF) ટેન્ક સાથે ગાઝાપટ્ટીમાં પ્રવેશી અને હમાસનાં સ્થાનોને નિશાન બનાવ્યાં.

ટાઈમ્સ ઓફ ઇઝરાયલ અનુસાર, પેલેસ્ટિનિયનોએ દાવો કર્યો છે કે આ દરમિયાન ઇઝરાયલના સૈનિકોએ હમાસના આતંકવાદીઓનું એન્કાઉન્ટર પણ કર્યું હતું. હમાસે એમ પણ કહ્યું હતું કે ઇઝરાયલી સૈનિકોએ ગાઝાના બીત હનુન અને બુરીજ વિસ્તારો પર હુમલો કર્યો હતો.




IDFએ કહ્યું હતું કે તેઓ ગાઝામાં જમીની હુમલાઓ વધારી રહ્યા છે. હવાઈહુમલા દરમિયાન પણ હમાસનાં અંડરગ્રાઉન્ડ ઠેકાણાંને ખાસ નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. હુમલાને કારણે ગાઝા વિસ્તારમાં સંદેશવ્યવહાર ખોરવાઈ ગયો છે અને ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે.

યુએનમાં યુદ્ધવિરામ માટે ઠરાવ પસાર
ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 22મો દિવસ છે. શનિવારે મોડીરાતે 2 વાગ્યે (ભારતીય સમય મુજબ) સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બ્લીમાં ઇઝરાયલ-હમાસ યુદ્ધને રોકવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવના પક્ષમાં 120 વોટ પડ્યા, જ્યારે 14 દેશે વિરોધમાં મતદાન કર્યું. ભારત સહિત 45 દેશે મતદાન કર્યું નથી.



ઇઝરાયલે આ ઠરાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. ન્યૂયોર્કમાં આયોજિત યુએનની બેઠકમાં ઇઝરાયલના રાજદૂત ગિલાદ એર્ડાને કહ્યું હતું કે અમે હમાસને આવા અત્યાચારો કરવાની મંજૂરી આપીને બેસીશું નહીં. ઇઝરાયલને પોતાની રક્ષા કરવાનો અધિકાર છે અને આ અધિકારનો અહેસાસ એ સુનિશ્ચિત કરવાનો છે કે આ પ્રકારના અત્યાચાર ફરી ક્યારેય થાય નહીં અને એવું ત્યારે જ થશે જ્યારે હમાસનો સંપૂર્ણ રીતે ખાત્મો થઈ જાય.

ઇઝરાયલે કહ્યું- અલ-શિફા હોસ્પિટલ હેઠળ હમાસનો મુખ્ય આધાર
આ દરમિયાન સૈન્યને ટાંકીને ઇઝરાયલ મીડિયા સીએએનએ કહ્યું હતું કે હમાસની કેદમાં 200થી વધુ બંધકો છે, જેમાંથી 30 બાળક છે. 20 લોકોની ઉંમર 60 વર્ષથી વધુની છે. બંધક બનેલાં બાળકોનાં પરિવારજનોનું કહેવું છે કે સરકારે અમને બે વખત છોડી દીધા. પહેલીવાર જ્યારે 7 ઓક્ટોબરે હુમલો થયો હતો અને હવે બીજી વખત. અત્યારસુધી અમારાં બાળકો હમાસની કેદમાં છે.

અલ-જઝીરા અનુસાર, 12 વર્ષનો કિશોર હમાસની કેદમાં છે. તેની માતાએ કહ્યું- મારા પરિવારના ઘણા સભ્યો માર્યા ગયા. હમાસના આતંકવાદીઓ મારા પુત્રને લઈ ગયા. કેદીઓના કેટલાક વીડિયો વાઇરલ થયા હતા. તેમની વચ્ચે મારો પુત્ર જોવા મળ્યો હતો. તે જીવિત છે એ જોઈને આનંદ થયો.

અહીં ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) કહે છે કે હમાસનું મુખ્ય ઓપરેશન બેઝ ગાઝાની સૌથી મોટી અલ-શિફા હોસ્પિટલની નીચે છે. IDFએ આ સંબંધિત સેટેલાઇટ ઇમેજ જાહેર કરી છે.

IDF પ્રવક્તાએ કહ્યું- અમારી પાસે પુરાવા છે કે હોસ્પિટલમાં સેંકડો આતંકવાદીઓ છુપાયેલા છે. આતંકવાદીઓ આ પાયા સુધી પહોંચવા માટે ટનલનો ઉપયોગ કરે છે.

કતારની મધ્યસ્થી હેઠળ ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામની વાટાઘાટો
અલ-જઝીરા અનુસાર, કતારની મધ્યસ્થી હેઠળ ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ અને કેદીઓની અદલાબદલી કરાર પર વાટાઘાટો ચાલી રહી છે. આ પહેલાં ઈરાનના વિદેશમંત્રી હુસૈન અમીર-અબ્દુલ્લાહિયાને 26 ઓક્ટોબરે ન્યૂયોર્કમાં યુએન જનરલ એસેમ્બ્લીમાં કહ્યું હતું – હમાસ બંધકોને મુક્ત કરવા માટે તૈયાર છે, પરંતુ ત્યારે સમગ્ર વિશ્વએ ઇઝરાયલની જેલમાં બંધ 6 હજાર પેલેસ્ટિનિયનોને છોડાવવાનું સમર્થન કરવું જોઈએ.

તેમણે કહ્યું- હમાસે અમને કહ્યું છે કે તે બંધક બનાવવામાં આવેલા નાગરિકોને છોડવા માટે તૈયાર છે. કતાર અને તુર્કીની સાથે ઈરાન આ માનવતાવાદી કાર્યમાં પોતાની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.
પત્રકાર શિરીન અબુ અકલેહનું સ્મારક ઇઝરાયલી સૈન્યના હુમલામાં નાશ પામ્યું
પેલેસ્ટાઈનના કબજા હેઠળના પશ્ચિમ કાંઠે ઇઝરાયલી સેનાએ દરોડા પાડ્યા હતા.. આ સમય દરમિયાન પત્રકાર શિરીન અબુ અકલેહ સ્મારક તોડી નાખવામાં આવ્યું હતું. આ સ્મારક જેનિન શરણાર્થી શિબિર પાસે હતું. શિરીનનું ગયા વર્ષે એટલે કે 11 મે 2022ના રોજ ઇઝરાયલના હુમલા દરમિયાન મોત થયું હતું. આ ફાયરિંગ દરમિયાન શિરીનને ગોળી વાગી હતી. ઇઝરાયલી સેના પર હત્યાનો આરોપ હતો.

એ જ સમયે બે દિવસ પહેલાં ગાઝા પર ઇઝરાયલના બોમ્બધડાકામાં અલ-જઝીરાના એક પત્રકારે પોતાનો પરિવાર ગુમાવ્યો હતો. અરબી ભાષાના બ્યૂરો ચીફ વેએલ અલ-દહદુ મધ્ય ગાઝામાં નુસરત શરણાર્થી શિબિરમાં રહેતો હતો. આ હુમલામાં તેમનાં પત્ની, પુત્ર, પુત્રી અને એક નાનો પૌત્ર માર્યા ગયાં હતાં.
ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં લગભગ 30 પત્રકારે જીવ ગુમાવ્યો છે. 22 ઓક્ટોબરે ગાઝા શહેરમાં ઇઝરાયલના હવાઈહુમલામાં રોશદી સાંઈરાજ નામના પત્રકારનું મોત થયું હતું. થોડા દિવસો પહેલાં ન્યૂઝ એજન્સી ‘રોઇટર્સ’ના એક વીડિયો-જર્નલિસ્ટનું અવસાન થયું હતું.
- ટાઈમ્સ ઓફ ઇઝરાયલ અનુસાર, ઇઝરાયલ ડિફેન્સ ફોર્સનું કહેવું છે કે લેબેનોને ઇઝરાયલ તરફ અનેક રોકેટ છોડ્યા છે.
- યુદ્ધમાં અત્યારસુધીમાં યુએનના 57 જવાનનાં મોત થયાં છે.
- હમાસે દાવો કર્યો છે કે ઇઝરાયલના હુમલામાં 50 બંધકનાં મોત થયાં છે.
યુએનએ કહ્યું- ગાઝાને દબાવવામાં આવી રહ્યું છે
યુએનનું કહેવું છે કે ગાઝાને જોઈએ એટલી મદદ આપવામાં આવી રહી નથી. ગાઝાને દબાવવામાં આવી રહ્યું છે. અત્યારસુધીમાં માત્ર 84 ટ્રક રાહત સામગ્રી લઈને આવી છે. ત્યાં રહેતા 23 લાખ લોકો માટે આ બહુ ઓછી છે.
અહીં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ કહ્યું- ગાઝાની હોસ્પિટલોમાં ઈંધણની અછત છે. અહીં 12 મોટી હોસ્પિટલોને દરરોજ 94 હજાર લિટર ઇંધણની જરૂર પડે છે. ઈંધણના અભાવે લોકોની સારવાર કરવી મુશ્કેલ બની રહી છે. અહીં હજારો દર્દીઓ ડાયાલિસિસ કરાવી રહ્યા છે અને 130 બાળકો પ્રીમેચ્યોર બેબી છે. તેમને તાત્કાલિક સારવારની જરૂર છે.
ઇઝરાયલના હુમલામાં હમાસના 5 કમાન્ડર માર્યા ગયા
ઇઝરાયલી સેનાએ 26 ઓક્ટોબરે કહ્યું હતું કે તેણે હમાસના પાંચ વરિષ્ઠ કમાન્ડરોને મારી નાખ્યા છે, જેમાં હમાસ ઇન્ટેલિજન્સના ડેપ્યુટી હેડ શાદી બરુદનો સમાવેશ થાય છે. તેણે ઇઝરાયલ પર હુમલો કરનાર હમાસની રાજકીય પાંખના નેતા યાહ્યા સિનવાર સાથે નજીકથી કામ કર્યું.
ઇજિપ્તના તાબા શહેરમાં મિસાઇલ પડી, 6 ઘાયલ
ઇજિપ્તના અલ કૈરો ન્યૂઝ અનુસાર, ઇજિપ્તની સરહદ નજીક ઇજિપ્તની રેડ સી રિસોર્ટ શહેર તાબામાં એક તબીબી સુવિધા નજીક એક મિસાઇલ પડી, જેમાં છ લોકો ઘાયલ થયા. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે મિસાઈલ યુદ્ધ સંબંધિત હતી કે પછી એ કોઈ ખોટા પરીક્ષણને કારણે થઈ હતી.
અમેરિકાએ ગુરુવારે સિરિયામાં ઈરાનના રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ બેઝ પર હવાઈહુમલો કર્યો. અમેરિકાએ તેને ઈરાક અને સિરિયામાં તેમના દળો પર થયેલા હુમલાનો બદલો ગણાવ્યો હતો. અમેરિકન અધિકારીઓએ કહ્યું હતું કે આ હુમલાનો આદેશ રાષ્ટ્રપતિ બાઇડન દ્વારા આપવામાં આવ્યો હતો, જેથી અમેરિકા સંદેશ આપી શકે કે તે તેની સેના પરના હુમલાને સહન કરશે નહીં.
ઇઝરાયલ યુદ્ધમાં સ્પોન્જ બોમ્બનો ઉપયોગ કરી રહ્યું છે
ઇઝરાયલ યુદ્ધમાં સ્પોન્જ બોમ્બનો ઉપયોગ કરી રહ્યું છે. હકીકતમાં હમાસ ટનલથી હુમલો કરી રહ્યું છે. ઇઝરાયલી સેનાને અહીં પ્રવેશ નથી. આવી સ્થિતિમાં ઈઝરાયલ આ હુમલાઓથી બચવા માટે સ્પોન્જ બોમ્બ બનાવી રહ્યું છે. વિસ્ફોટ થયા પછી ફીણથી બનેલો આ બોમ્બ મોટા વિસ્તારમાં ફેલાય છે.
ધ ટેલિગ્રાફના એક અહેવાલ મુજબ ઇઝરાયલ કેમિકલ ગ્રેનેડનું પણ પરીક્ષણ કરી રહ્યું છે. આમાં કોઈ વિસ્ફોટક નથી, પરંતુ એનો ઉપયોગ ટનલના પ્રવેશદ્વાર અથવા કોઈપણ પ્રકારના ગેપને બંધ કરવા માટે થાય છે.
હમાસ પાસે 5 લાખ લિટર ઇંધણ છે
ઇઝરાયલની સેનાએ દાવો કર્યો છે કે હમાસ પાસે 5 લાખ લિટર ઈંધણ છે. IDFએ કહ્યું- હમાસે તેને ગાઝામાં જ છુપાવી દીધું છે. હમાસ-ISIS નાગરિકો પાસેથી આ ઈંધણની ચોરી કરે છે અને તેને પોતાની ટનલ, રોકેટ લોન્ચર અને નેતાઓ સુધી પહોંચાડે છે. સેનાએ કહ્યું- ગાઝાના લોકોએ ઈંધણની અછતની ફરિયાદ ઇઝરાયલને નહીં, પરંતુ હમાસને કરવી જોઈએ. તેમની પાસેથી જ બળતણ માગવું જોઈએ. ખરેખર યુદ્ધની વચ્ચે, ગાઝામાંથી ઈંધણ સમાપ્ત થવાના સતત અહેવાલો છે.
WHO અનુસાર, ગાઝાની 6 હોસ્પિટલને ઈંધણના અભાવે બંધ કરવી પડી હતી. એમાંથી એક હજાર લોકો ડાયાલિસિસ પર છે, જ્યારે 130 પ્રીમેચ્યોર બાળકો છે. જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો આઈસીયુમાં અન્ય હોસ્પિટલોમાં દર્દીઓને જીવ ગુમાવવો પડી શકે છે.