રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તારીખ 15મી ઓક્ટોબર 2023થી તારીખ 16 ડિસેમ્બર 2023 દરમિયાન સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તેમજ લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં ઝુંબેશના રૂપમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણેય ઝોનમાં જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ 45 નાગરિકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવેલ છે અને 6.8 કીલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે.
23.85 ટન કચરાનો નિકાલ કરાયો
“સ્વચ્છતા એ જ સેવા” અભિયાનના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનના 109 ન્યુસન્સ પોઈન્ટ ખાતે સઘન સફાઈ કામગીરી કરી 23.85 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. ન્યુસન્સ પોઈન્ટ સહીત શહેરના તમામ મુખ્ય માર્ગો પર સઘન સફાઈ કામગીરી કરવામાં આવે છે અને દરેક મુખ્ય માર્ગ પર નિમણુક કરેલા પ્રભારી ઓફિસર દ્વારા સફાઈ કામગીરીનું સુપરવીઝન કરવામાં આવે છે.
શહેરના એન્ટ્રી/એક્ઝીટ પોઈન્ટ પાસેથી કચરાનો નિકાલ
“સ્વચ્છતા એ જ સેવા” અભિયાનના ભાગરૂપે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના એન્ટ્રી/એક્ઝીટ પોઈન્ટ ખાતેથી 2.5 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. શહેરના પશ્ચિમ ઝોન વિસ્તારના એન્ટ્રી/એક્ઝીટ પોઈન્ટ જેવા કે, કાંગશિયાળીથી ગોંડલ ચોકડી અને ગોંડલ ચોકડીથી પુનીતનગર સુધીના પોઈન્ટ ખાતેથી કુલ 2 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે.િ તેમજ પૂર્વ ઝોન વિસ્તારના એન્ટ્રી/એક્ઝીટ પોઈન્ટ જેવા કે, ભાવનગર રોડ અને કુવાડવા રોડ સુધીના પોઈન્ટ ખાતેથી કુલ 1.5 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે.
જાહેરમાં ગંદકી કરવા બદલ એક પાનની દુકાન સીલ
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની પાછળ આવેલી જય ગાત્રાળ પાન શોપ દ્વારા જાહેરમાં ગંદકી દેખાતી હોવાથી અને આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેર કચરો કરવામાં આવતો હોવાથી નોટીસ આપી, વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ શોપના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવારનવાર સુચના આપવામાં આવેલી હોય તેમ છતાં જાહેર સ્વચ્છતા ન જાળવતા ગઇકાલે સ્થળ તપાસ કરતાં શોપની આસપાસ ગંદકી-કચરો જોવા મળ્યો હતો. જેથી જય ગાત્રાળ પાન શોપના સંચાલકોને નોટીસ આપીને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલી છે. ઉલ્લેખનીય છે કે જાહેરમાં ગંદકી કરવા સબબ અત્યાર સુધીમાં 7 શોપ/હોટલ સીલ કરવામાં આવી છે.