આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય અને સમગ્ર આદિવાસી વિસ્તારમાં લોકપ્રિય ચૈતરભાઈ વસાવા સામે એક ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં જંગલ વિભાગના કર્મચારીઓ દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એ એક ષડ્યંત્રનો ભાગ છે. ભ્રષ્ટ લોકોએ ઉપજાવેલું આ ષડયંત્ર છે, ફોરેસ્ટ કર્મચારી અને ખેડૂતો વચ્ચે રાજીખુશીથી સમાધાન થઈ ગયા બાદ ચૈતરભાઈને ફસાવવામાં આવી રહ્યા છે
ભાજપ આદિવાસી સમાજ વિરુદ્ધની માનસિકતા ધરાવે છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપ આદિવાસી સમાજ વિરુદ્ધની માનસિકતા ધરાવે છે. ભાજપ ક્યારેય પણ આદિવાસી સમાજની યોજનાઓ લાગુ થવા દેતો નથી. ભાજપે આદિવાસી સમાજને વનવાસી કહીને તેમનું અપમાન કર્યું છે. તેઓ એવું નથી ઇચ્છતા કે કોઈપણ આદિવાસી નેતા આગળ વધે અને આદિવાસી સમાજના વિકાસ માટેની કોઈપણ યોજનાઓ આદિવાસી લોકો સુધી પહોંચે, માટે ચૈતરભાઈને રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે. ભાજપ ક્યારેય પણ આદિવાસી સમાજના દીકરાને આગળ આવવા દેતો નથી. આમ આદમી પાર્ટીએ ચૈતરભાઈ વસાવાને એક લીડર તરીકે પ્રસ્થાપિત કરીને આગળ કર્યા અને આજે ચૈતરભાઈ આદિવાસી સમાજના એક આઇકોન બની ગયા છે.
ભાજપે તેમને ખોટા ષડયંત્રમાં ફસાવ્યા
ઈસુદાને વધુમાં જણાવ્યું હતું કે આદિવાસી સમાજ માટે જે નાણાં ફાળવવામાં આવે છે એને ભાજપ પોતાના તાયફાઓમાં ખર્ચ કરી દે છે અને જ્યારે આદિવાસી સમાજ માટે ચૈતરભાઈ વસાવાએ અવાજ ઉઠાવ્યો ત્યારે ભાજપે તેમને ખોટા ષડયંત્રમાં ફસાવ્યા. આજે ડેડિયાપાડા સહિત અનેક વિસ્તારોમાં સ્વયંભૂ બંધ પાળવામાં આવી રહ્યો છે. જંગલ વિભાગે જેમને જમીન માલિકીની સનદ ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ અંતર્ગત આપી છે એવા ખેડૂતોની જમીનમાં ઊભા કપાસના પાકને જંગલ વિભાગના કર્મચારીઓએ કાપી નાખ્યો. ત્યાર બાદ વિસ્તારના લોકપ્રતિનિધિ તરીકે આ બાબતની રજૂઆત ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પાસે આવી.
અસરગ્રસ્ત ખેડૂતોને આરોપી તરીકે દર્શાવ્યા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચૈતરભાઈએ અસરગ્રસ્ત ખેડૂતો અને જંગલ વિભાગના કર્મચારીઓને સાથે બેસાડી સમાધાનનો રસ્તો શોધવાનો પ્રયત્ન કર્યો. સમાધાનરૂપે રાજીખુશીથી નક્કી થયું કે જંગલ વિભાગના કમર્ચારીઓએ સરતચૂક કે અન્ય જે કોઈ કારણથી ખેડૂતોને નુકસાન કર્યું છે એ ભરપાઈ કરી આપે અને સામે ખેડૂતો તેમની પર કોઈ કાનૂની પગલાં નહીં ભરે. જંગલ વિભાગના કમર્ચારીઓએ નુકસાનીની સહમતીથી નક્કી થયેલી રકમ ચૂકવી આપી અને મામલો ત્યાં જ પૂરો થયો એમ માનવામાં આવ્યું. પાછળથી જંગલ વિભાગના કર્મચારીઓએ કોઈના દબાણથી કે કાવતરાના ભાગરૂપે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી. જે રકમ સહમતીથી નુકસાની ભરપાઈ તરીકે ચૂકવાઈ હતી એને બળજબરીથી લેવાયેલી ‘ખંડણી’ તરીકે ફરિયાદમાં દર્શાવવામાં આવી. આ ફરિયાદમાં પોલીસે ચૈતરભાઈ વસાવા, તેમનાં પત્ની અને અસરગ્રસ્ત ખેડૂતોને આરોપી તરીકે દર્શાવ્યાં છે.
ગોળીબારી કર્યો એ તદ્દન પાયાવિહોણી વાત છે
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ચૈતરભાઈ પર એવો પણ આરોપ લગાવવામાં આવે છે કે તેમણે ગોળીબાર કર્યો હતો, આ તદ્દન પાયાવિહોણી વાત છે. જો ગોળીબારી થયો હોય તો કારતૂસ ક્યાં છે, રિવોલ્વર ક્યાં છે? બીજીબાજુ, જ્યારે ખંડણીની વાત કરી રહ્યા છે ત્યારે આપણી પાસે સબૂત છે કે જે પણ પૈસાની લેતીદેતી થઈ છે એના ફોટા પાડવામાં આવ્યા છે? શું કોઈ ખંડણી લેનારી વ્યક્તિ પૈસાની લેતીદેતીના ફોટા પાડી શકે? આ ફક્ત ચૈતરભાઈને ફસાવવા અને તેઓ ચૂંટણીમાં કોઈ ભાગ ન ભજવી શકે એ માટે ખોટા કેસ કરવામાં આવ્યો છે.
ભ્રષ્ટ લોકોએ ઉપજાવેલું આ ષડયંત્ર
તેમણે છેલ્લે જણાવ્યું હતું કે આ આખી ઘટના ચૈતરભાઈ જે રીતે લોકપ્રતિનિધિ તરીકે સક્રિય છે, નર્મદા પૂરની માનવસર્જિત આફત વખતે તેમણે જે રીતે લોકોના પડખે ઊભા રહી સેવાઓ આપી અને નાનામાં નાના લોકોના પ્રશ્નો જે રીતે ઉઠાવે છે, એની ઈર્ષાથી ઊભી થઈ હોય એવું દેખાય છે અથવા ધારાસભ્ય તરીકે ચૈતરભાઈની સક્રિયતાથી સ્થાનિક વહીવટી તંત્રના ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ પર જે અંકુશ આવ્યો છે, નાના-મોટા રાજકીય આગેવાનોની કારકિર્દી જોખમાઈ છે, તેવા ભ્રષ્ટ લોકોએ ઉપજાવેલું આ ષડયંત્ર દેખાય છે.
ગાંધી ચીંધ્યા માર્ગે ગુજરાત વ્યાપી આંદોલન શરૂ કરવું પડશે
ઈસુદાને અંતમાં જણાવ્યું હતું કે જે રીતે આયોજનબદ્ધ આખો મામલો ઉપજાવવામાં આવ્યો છે એ આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની પૂર્વ પટ્ટીના આદિવાસી સમાજમાં મહત્ત્વનો મુદ્દો બનશે. આ માત્ર ચૈતરભાઈ વસાવાને નથી ફસાવાઈ રહ્યા, ગુજરાતના વંચિત આદિવાસી સમાજને ખોટી રીતે ચીતરવામાં આવી રહ્યો છે, બદનામ અને હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યો છે અને એના સ્વાભાવિક રાજકીય પ્રત્યાઘાતો પડશે. અમારી સરકાર સમક્ષ માગણી છે કે આ બાબતે તાત્કાલિક દરમિયાનગીરી કરવામાં આવે અન્યથા આમ આદમી પાર્ટીએ આ મુદ્દાને લઈને ગાંધી ચીધ્યા માર્ગે ગુજરાત વ્યાપી આંદોલન શરૂ કરવું પડશે.