News Updates
RAJKOT

મેકરફેસ્ટમાં સૌરાષ્ટ્ર યુનિ.ના 3 પ્રોજેક્ટ:ફિઝિક્સ ભવનનાં 3 સંશોધકે ઓછા પાણીથી ખેતીનું ફર્ટિલાઇઝર, ઔદ્યોગીકરણથી દૂષિત પાણીને શુદ્ધ કરતું કાપડ બનાવ્યું

Spread the love

વડોદરામાં તા.3 અને 4 ફેબ્રુઆરીના મેકરફેસ્ટ યોજાઈ રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફિઝિક્સ ભવનના ત્રણ સંશોધકોએ સમાજ ઉપયોગી પ્રોજેક્ટ તૈયાર કર્યા છે. જેમાં ઓછા પાણીથી ખેતી શક્ય બનાવતું ફર્ટિલાઇઝર તેમજ ઔદ્યોગીકરણને કારણે દૂષિત પાણીને શુદ્ધ કરતા કાપડનું નિર્માણ કર્યું છે.

મોટી જન્મેદની સમક્ષ પ્રસ્તુત કરવાની અદભુત તક
મેકરફેસ્ટ વડોદરાએ મેકરફેર કેલિફોર્નિયાનું ભારતીય વર્ઝન છે. 2019થી દર વર્ષે M.S. યુનિવર્સિટી ટેકનોલોજી, વડોદરા ખાતે મેકરફેસ્ટનું આયોજન કરવામાં આવે છે. આ મેકરફેસ્ટ દેશભરમાંથી અલગ-અલગ ક્ષેત્રોના કલાકારો, એજ્યુકેટર્સ, ઇજનેરો, સંશોધકો, પર્યાવરણવિદો, ફૂડ સંશોધકો, ઉદ્યોગ સાહસિકો આવે છે તથા પોતાના સંશોધનો, પ્રોડક્ટ્સ કે કલાઓ રજૂ કરે છે. મેકરફેસ્ટમાં યુવાનોથી માંડીને અનુભવી લોકો સુધી તમામ વય જૂથના મેકર્સ તેમજ દર્શકો બહોળી સંખ્યામાં ભાગ લે છે. આ મેકરફેસ્ટ મેકર્સને તેમના ઇનોવેશન મોટી જન્મેદની સમક્ષ પ્રસ્તુત કરવાની અદભુત તક આપે છે.

ત્રણેય પ્રોજેક્ટને સિલ્વર પ્રાઇઝ મળ્યું હતું
આ મેકરફેસ્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિક શાસ્ત્ર ભવનના સંશોધકો તેમજ વિદ્યાર્થીઓ છેલ્લા 2 વર્ષથી ભાગ લે છે. તેમના સમાજ ઉપયોગી અને ઔદ્યોગિક ક્ષેત્ર ઉપયોગી એવા સંશોધનો રજૂ કરે છે. મેકરફેસ્ટ 2022 અને મેકરફેસ્ટ 2023માં ભૌતિક શાસ્ત્ર ભવનના વિદ્યાર્થીઓએ કુલ ત્રણ પ્રોજેક્ટ રજૂ કર્યા છે. ત્રણેય પ્રોજેક્ટને સિલ્વર પ્રાઇઝ મળ્યું હતું. ઘણા ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ આ સંશોધનોમાં પોતાનો રસ દાખવ્યો હતો. મેકરફેસ્ટ 2024માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિક શાસ્ત્ર ભવનની ફંક્શન ઓક્સાઈડ લેબના સંશોધકો તથા વિદ્યાર્થીઓ ત્રણ સંશોધનો રજૂ કરવા જઈ રહ્યા છે.

ઔદ્યોગિકરણને લીધે થતા પ્રદૂષિત જળને શુદ્ધ કરતું ‘ફોટો કેટાલીટીક કાપડ’
કુદકેને ભૂસકે વધતી જન સંખ્યા, ઔદ્યોગિકરણ અને શહેરીકરણના પરિણામે જલ પ્રદૂષણ એક ગંભીર સમસ્યા બની ચૂકી છે. આ પ્રદૂષિત જળનું શુદ્ધિકરણ હાલના સમયની તાતી જરૂરિયાત છે. પ્રદૂષિત જળના શુદ્ધિકરણ હેતુ આ કાપડ બનાવ્યું છે. જે ફોટોકેટાલીટીક ક્ષમતા ધરાવે છે. આ કાપડ કાર્બન ક્વોન્ટમ ડોટનો ઉપયોગ કરીને ડીપ કોટિંગ પ્રક્રિયાથી બનાવાયું છે. આ કાપડને ડાઈથી પ્રદૂષિત પાણીમાં નાખી સૂર્યપ્રકાશની હાજરીમાં મુકતાની સાથે અમુક મિનિટોમાં જ પાણીમાંથી ડાઈ દૂર થઈ જાય છે અને પાણી શુદ્ધ થઈ જાય છે. આ કાપડની ખાસિયત એ છે કે એ ખુબ જ ઓછા સમયમાં દુષિત પાણીમાંથી ડાઈ જેવા નુકસાનકારક દ્રવ્યોને દૂર કરી શકે છે તથા એક જ કાપડ ઘણી વાર ઉપયોગમાં આવી શકે છે. ફોટોકેટાલિટીક કાપડ એ દુષિત પાણીના શુદ્ધિકરણ માટેનું એક મહત્વપૂર્ણ સંશોધન છે. જે ભૌતિકશાસ્ત્ર ભવનના વિદ્યાર્થીઓ ક્રિના રામાણી, દેવાંશી પરીખ અને વૃષ્ટિ ડોબરીયા મેકરફેસ્ટ 2024માં રજૂ કરશે.

ગૌ માતાના છાણમાંથી નિર્મિત નેનો સેલ્યુલોઝ બેઝ ફર્ટિલાઇઝર હાઈડ્રોજેલથી ઓછાં પાણીમાં ખેતી થશે
હાઈડ્રોજેલના કૃષિ ક્ષેત્રે મુખ્ય 2 ઉપયોગો છે. એક આ હાઈડ્રોજેલ બહોળા પ્રમાણમાં પાણી શોષી પાણીનો સંગ્રહ કરી શકે છે. જેથી શુષ્ક પ્રદેશોમાં ઓછા પાણીમાં ખેતી કરવા માટે ઉપયોગી થશે. બીજું કે આ હાઈડ્રોજેલમાં નેનો સેલ્યુલોઝ પણ ઉમેરવામાં આવ્યું છે. આ નેનો સેલ્યુલોઝ ગાયના છાણમાંથી બનાવેલું છે. ગાયના છાણમાંથી નેનોસેલ્યુલોઝ મેળવવાની પ્રક્રિયા ફંક્શનલ ઓક્સાઇડ લેબના સંશોધકો દ્વારા વિકસાવવામાં આવી છે. કૃષિ ક્ષેત્રે આડેધડ ઉપયોગમાં લેવાતા કેમિકલ યુક્ત ફર્ટીલાઇઝર્સ ખુબ નુકસાનકારક છે. ત્યારે ગાયના છાણમાંથી મેળવેલ આ નેનોસેલ્યુલોઝ ફર્ટીલાઇઝર તદ્દન કુદરતી છે. માટે કોઈ આડઅસરનો ભય નથી. આ નેનોસેલ્યુલોઝ ફર્ટીલાઇઝરને હાઈડ્રોજેલમાં ઉમેરીને બનાવેલી આ પ્રોડક્ટ દ્વારા ઓછા પાણીનો ઉપયોગ કરીને, કોઈ નુકસાનકારક કેમિકલ વગર પાકને જરૂરી પોષકતત્વો પુરા પડશે. તથા કૃષિ ક્ષેત્રે ઉપયોગી નીવડશે. આ પ્રોજેક્ટ ભૌતિકશાસ્ત્ર ભવનના વિદ્યાર્થીઓ ઉર્વશી જાંબુકીયા, હિરલ કામદાર, તિલક પંડ્યા અને દિશા મકવાણાની ટીમ રજૂ કરશે.

ઔદ્યોગિક તેલ-પાણીના અલગીકરણ માટે ઓલીઓફોબિક સપાટીનું નિર્માણ
ત્રીજો પ્રોજેક્ટ ઔદ્યોગિક તેલ-પાણીના અલગીકરણ માટે છે. જે અંતર્ગત ઓલીઓફોબિક સપાટી તૈયાર કરાયેલ છે. ઔદ્યોગિક ક્ષેત્રે તેલ-પાણીનું અલગીકરણ એક જટિલ સમસ્યા છે. આ દિશામાં ભૌતિકશાસ્ત્ર ભવનની ફંક્શનલ ઓક્સાઈડ લેબના સંશોધકો ઘણા સમયથી કામ કરી રહ્યા છે. આ ઓલીઓફોબિક સપાટી નેનો પાર્ટિકલ્સ અને ઓર્ગેનિક પોલિમર્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. જે પાણીને શોષી લેશે પણ તેલને નહિ શોષે માટે તેનો ઉપયોગ તૈલીય પદાર્થો અને પાણીના અલગીકરણ માટે કરી શકાશે. ઉપરાંત આ તૈલીય પદાર્શોનો પુનઃ ઉપયોગ શક્ય બનાવશે. આ પ્રોજેક્ટ ભૌતિકશાસ્ત્ર ભવનના વિદ્યાર્થીઓ નીતુ ચંદ્રવાડીયા, નમ્યા જોટાણીયા અને પલક દવેની ટીમ રજૂ કરશે.

અધ્યાપકો તથા વિદ્યાર્થીઓએ શુભેચ્છાઓ પાઠવી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિક શાસ્ત્ર ભવનના સંશોધકો અધ્યક્ષ ડૉ.નિકેશ શાહ, અધ્યાપક ડો.ડેવીટ ધ્રુવ અને અધ્યાપક ડો.પિયુષ સોલંકીના માર્ગદર્શન હેઠળ સમાજ ઉપયોગી અને ઇનોવેટિવ આ 3 પ્રોજેક્ટ તા.03-04 ફેબ્રુઆરી 2024 દરમિયાન વડોદરા ખાતે મેકરફેસ્ટ 2024માં રજૂ કરશે. ભૌતિકશાસ્ત્ર ભવનના સંશોધકોને યુનિવર્સિટીના કુલપતિ ડૉ.નીલાંબરી દવે, કુલસચિવ ડો.રમેશ પરમાર અને ફિઝિક્સ ભવનના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓએ શુભેચ્છાઓ પાઠવી છે.


Spread the love

Related posts

PADADHARIમાં મામલતદાર કચેરી ખાતે આધાર કેન્દ્ર શરૂ,ભાજપ અગ્રણી રોહિત ચાવડાની રજુઆતને સફળતા

Team News Updates

20 કિલો ગાંજા સાથે રંગેહાથ ઝડપાયા:સુરતથી બે યુવાનો રાજકોટની શબાનાને ડિલિવરી કરવા આવ્યા’તા,કોઠારીયા ચોકડી પાસેથી રૂ.2.17 લાખના મુદામાલ સાથે ઝડપાયો

Team News Updates

નવજાતનો મૃતદેહ કોણ દાટી ગયું?:રાજકોટના મહિકા ગામ પાસે 12 કલાક પહેલાં દાટેલો બાળકોનો શબ બહાર દેખાયો, કૂતરું જમીન ખોદતું હોવાનું રહિશોએ જોયું

Team News Updates