આફ્રિકામાં ચાલી રહેલ SA20 લીગમાં કેપટાઉન અને પ્રિટોરિયાની ટીમો વચ્ચે ધમાકેદાર T20 મેચ જોવા મળી હતી. જેમાં બંને ટીમના બેટ્સમેનોએ ધુંઆધાર ફટકાબાજી કરી હતી. કેપટાઉનની ટીમે પ્રિટોરિયાને ચોક્કસથી મેચમાં હરવ્યું હતું, છતાં પ્રિટોરિયાનના એક બેટ્સમેનની લડાયક સદી અને દમદાર બેટિંગે બધાના દિલ જીતી લીધા હતા.
દક્ષિણ આફ્રિકામાં T20 ક્રિકેટનો રોમાંચ ચરમસીમા પર છે. SA20 લીગ તેના અંતિમ તબક્કામાં પહોંચી રહી છે અને લીગ મેચોમાં આક્રમક બેટિંગનું પ્રદર્શન થઈ રહ્યું છે. આમાં પણ MI કેપટાઉન અને પ્રિટોરિયા કેપિટલ્સ વચ્ચેની મેચે દરેકના હૃદયના ધબકારા વધારી દીધા હતા. એક એવી મેચ જેમાં 450થી વધુ રન થયા હતા અને માત્ર 48 બોલમાં સદી ફટકારનાર બેટ્સમેનની ટીમ હારી ગઈ હતી.
આફ્રિકામાં T20 મેચમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ
લીગની 26મી મેચ સેન્ચુરિયનમાં ગુરુવારે 1 જાન્યુઆરીએ રમાઈ હતી, જેમાં કેપટાઉન અને પ્રિટોરિયાની ટીમો સામ-સામે હતી. જો કોઈ T20 ક્રિકેટનો ફેન છે તો આ મેચ તેના માટે લોટરીથી ઓછી નહોતી. આ એક એવી મેચ હતી જેમાં બંને ટીમોએ ખૂબ જ ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા અને બેટ્સમેનોએ મોજ કરાવી દીધી હતી. આ મેચમાં બંને તરફથી કુલ 32 સિક્સર ફટકારવામાં આવી હતી, જેમાંથી 20 કેપટાઉનના બેટ્સમેનોએ ફટકારી હતી.
કેપટાઉનની ટીમે 248 રન બનાવ્યા
કેપટાઉને આ મેચમાં પ્રથમ બેટિંગ કરી અને મેચની શરૂઆતથી જ બાઉન્ડ્રી ફટકારવાનું શરૂ કર્યું હતું. ઓપનર રેયાન રિક્લેટને માત્ર 45 બોલમાં 90 રન બનાવ્યા હતા. જેમાં તેણે 10 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. તેના સિવાય ડેવાલ્ડ બ્રેવિસે 32 બોલમાં 6 સિક્સ અને 3 ફોરની મદદથી 66 રન બનાવ્યા હતા. આ સિવાય કેપટાઉનના કેપ્ટન કિરોન પોલાર્ડે માત્ર 7 બોલમાં 27 રન બનાવ્યા અને ટીમે 4 વિકેટ ગુમાવીને 248 રનનો વિશાળ સ્કોર બનાવ્યો.
પ્રિટોરિયાની ટીમે 42 રન પર 6 વિકેટ ગુમાવી
એવું લાગતું હતું કે કેપટાઉન આ મેચ આસાનીથી જીતી લેશે, કારણકે આટલા મોટા સ્કોરનો પીછો કરતા પ્રિટોરિયાની ટીમ 6 ઓવરમાં માત્ર 42 રનના સ્કોર પર 6 વિકેટ ગુમાવી ચૂકી હતી. જોકે ત્યારબાદ જે થયું તે કોઈએ વિચાર્યું પણ ના હોય. ક્રિઝ પર હાજર કાયલ વેરેનાએ એકલા હાથે કેપટાઉનના બોલરોની એવી ધુલાઈ કરી કે બધા જોતાં જ રહી ગયા.
કાયલ વેરેનાએ 48 બોલમાં સદી ફટકારી
કાયલ વેરેનાએ માત્ર 48 બોલમાં પોતાની સદી પૂરી કરી અને 10માં નંબરના બેટ્સમેન આદિલ રાશિદ સાથે 85 રનની ભાગીદારી કરી. જો કે આ પછી પણ ટીમ માત્ર 214 રન જ બનાવી શકી અને પ્રિટોરિયાની ટીમ 34 રનથી હારી ગઈ. વેરેના માત્ર 52 બોલમાં 116 રન બનાવીને અણનમ પરત ફર્યો. વેરેનાએ તેની ઈનિંગમાં 9 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા.