વિદ્યુત સહાયકની ભરતીને લઇ છેલ્લા 5 દિવસથી 300 યુવાનો આંદોલનનો માર્ગ અપનાવી PGVCL કચેરી બહાર ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ દિવસ-રાત એક જગ્યાએ બેસી કોઈને કોઈ રીતે સંઘર્ષનો સામનો કરી દિવસો પસાર કરી ન્યાયની વાટે બેઠા છે. આજે NSUIની સાથે-સાથે કોંગ્રેસના નેતાઓ પણ આ વિદ્યાર્થીઓની વ્હારે આવી ધરણામાં જોડાયા હતા અને આજે પાંચમા દિવસે ભગવાન રામના ફોટા દર્શાવી વિરોધ નોંધાવ્યો હતો અને ન્યાયની માગ ભગવાન શ્રી રામ પાસે કરી હતી.
ઉર્જામંત્રી અને મુખ્યમંત્રી હાય-હાયના નારા લાગ્યા
રાજકોટના નાના મવા રોડ પર આવેલ PGVCLની કચેરી ખાતે આજે સતત પાંચમા દિવસે 300 જેટલા વિદ્યાર્થીઓ ધરણા યોજી ન્યાયની માગ કરી રહ્યા છે. આજે પાંચમા દિવસે NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી અને યુથ કોંગ્રેસના પ્રદેશ અગ્રણી રાજદીપસિંહ જાડેજાએ હાથમાં ભગવાન શ્રીરામના ફોટાવાળું પોસ્ટર દર્શાવી વિરોધ નોંધાવ્યો હતો અને વિદ્યાર્થીઓને ન્યાય મળે એવી માગ કરી હતી. આજે ધરણા દરમિયાન વિદ્યાર્થીઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો, જેમાં ઉર્જામંત્રી હાય હાય, મુખ્યમંત્રી હાય હાયના નારા લગાવ્યા હતા. સતત પાંચ દિવસથી વિદ્યાર્થીઓ GSO-4 મુજબ ભરતી કરવા સૂત્રોચ્ચાર કરી ન્યાયની માગ કરી રહ્યા છે.
સરકાર વિદ્યાર્થીઓની મદદે આવે અને ન્યાય આપે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મહેશ રાજપૂતે જણાવ્યું હતું કે, પાંચ દિવસથી રાજકોટ PGVCL કચેરી ખાતે 300 વિદ્યાર્થીઓ ન્યાયની માંગ માટે ધરણા કરી રહ્યા છે. ગુજરાતની ભાજપ સરકાર સંવેદનશીલ સરકાર હોવાના દાવા કરી રહી છે પરંતુ, આ સરકારમાં કોઈ સંવેદના જ નથી. જો સંવેદના હોત તો આ વિદ્યાર્થીઓને ન્યાય જરૂર મળ્યો હોત અથવા તેમની રજૂઆત સાંભળી હોત. આ વાસ્તવિકતા છે ગુજરાતના યુવાનોની છે કે, પોતાના ન્યાય માટે ધરણાઓ કરવા પડી રહ્યા છે અને આમ છતાં તેમની વાત સાંભળવામાં આવતી નથી. હું સરકારને વિનંતી કરું છું કે, તેઓ તાત્કાલિક અસરથી આ વિદ્યાર્થીઓની વ્હારે આવી તેમને ન્યાય આપે અને ભરતી કરી રોજગારી પુરી પાડે.
અમે ડરવાના નથી, અમે લડીશું ન્યાય લઈને રહીશું
આ તરફ સતત પાંચ દિવસથી ધરણા પર બેસેલા અમરેલીના વતની હાર્દિક સોલંકીએ જણાવ્યું હતું કે, અમે લોકોએ 01/01/2023ના રોજ પરીક્ષા આપી હતી. આટલા સારા માર્ક્સ આવવા છતાં નોકરી ન મળતાં અમારી સાથે અન્યાય થયો હોય એવું અમને લાગી રહ્યું છે. PGVCLના અધિકારીઓ RTIની માહિતીને ખોટી તો ઠેરવી રહ્યા છે પણ અમારા ધ્યાનમાં એ પણ આવ્યું છે કે, PGVCL પોતે પોતાના જ ઘણા ડિવિઝનમાં GSO-4 મુજબ ભરતી કરી રહી છે પરંતુ, અમારી સાથે અન્યાય શા માટે કરવામાં આવે છે? એ અમને સમજાતું નથી. આજ દિવસ સુધી અમારી ખબર-અંતર પૂછવા પણ કોઈ આવ્યું નથી. તબિયત પણ લથડી રહી છે પરંતુ, અમે ડરવાના નથી, અમે લડીશું ન્યાય લઇને રહીશું અને હવે ઉગ્ર આંદોલન કરવું પડે તો પણ અમારી તૈયારી છે.
યુવાનોની ભરતી કરવામાં આવે
PGVCL કચેરી બહાર ધરણા કરી રહેલા યુવાનોની વેદના સમજી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈને પત્ર લખી વિદ્યાર્થીઓને ન્યાય આપવા રજૂઆત કરી છે. તેમને પત્રમાં લખ્યું છે કે, છેલ્લા પાંચ દિવસથી રાજકોટ PGVCL કચેરી ખાતે 400 કરતાં વધારે ઉમેદવારો ધરણા પર બેઠા છે, જે યુવાનોની તાત્કાલિક ભરતી કરવામાં આવે એવી અમારી માંગ છે. મેરીટ લિસ્ટનો સમયગાળો પણ 14 દિવસમાં પૂર્ણ થઇ રહ્યો છે માટે યુવાનોની ભરતી કરવામાં આવે અથવા તો સમયગાળો વધારવામાં આવે તેવી અમારી માંગ અને રજૂઆત છે.