ભાવનગર મહાનગરપાલિકામાં અંધેરી નગરી અને ગંડુ રાજા જેવી સ્થિતિની જેમ વહીવટ ચાલી રહ્યો છે. એને બીજા કોઈએ નહીં, પણ ખુદ મેયરે જ ઉજાગર કર્યો છે. શહેરના એક રોડના ખાતમુહૂર્ત માટે ગયેલા મેયર રોડની હાલની સ્થિતિ જોઈ ચોંકી ઊઠ્યા હતા. રોડ પહેલેથી જ સારી કન્ડિશનમાં હોવા છતાં નવો રોડ બનાવવાના પ્રયાસને અટકાવી જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરાવ્યા હતા. આવો… જાણીએ આ ઘટના બાદ મેયરે મીડિયા સાથેની વાતચીતમાં સમગ્ર મામલે શું કહ્યું…?
‘રોડ સારો જ છે, શા માટે નવો બનાવવાનો છે?’
ઘટનાની વિગતે વાત કરીએ તો ત્રણ દિવસ અગાઉ ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં એક રોડના ખાતમુહૂર્ત માટે મેયર ભરત બારડને બોલાવવામાં આવ્યા હતા. મેયર જ્યારે રોડનું ખાતમુહૂર્ત કરવા પહોંચ્યા તો તેમણે જોયું તો રોડની સ્થિતિ પહેલેથી જ સારી હતી છતાં આ રોડને રૂપિયા 44 લાખના ખર્ચે નવો બનાવવાનો હતો. મેયરે અધિકારીને કહ્યું કે ‘આ રોડ તો પહેલાંથી જ સારો છે, તો શા માટે નવો બનાવવાનો છે? હું અહીં ખાતમુહૂર્ત નહીં કરું’ આમ કહીં મેયરે રોડનું ખાતમુહૂર્ત કરવાની ચોખ્ખી ના પાડી દેતાં અધિકારીઓ ક્ષોભ સ્થિતિમાં મુકાયા હતા.
કમિશનરે તાત્કાલિક પગલાં લીધા
આ બાદ મેયર ભરત બારડે આ અંગે તરત જ મહાનગરપાલિકાના કમિશનરને જાણ કરી હતી. આ અંગે કમિશનરે તાકીદ અસરથી મનપાના અધિક મદદનીશ ઇજનેર પંકજ રાજાઇને સસ્પેન્ડ કર્યા હતા. આમ, મેયરની જાગૃતિને કારણે પ્રજાના ટેક્સના ખોટી રીતે વેડફાટ થતા 44 લાખ હાલ તો બચી ગયા છે.
‘મેં જોયું તો રોડ પહેલાંથી જ સારી સ્થિતિમાં હતો
આ અંગે ભાવનગરના મેયર ભરત બારડે જણાવ્યું હતું કે ભાવનગરના વિકાસ માટે ભાવનગર શહેરી વિકાસની ગ્રાન્ટમાંથી રોડ-રસ્તા, પાણી, નળ, ગટર સહિતનાં વિકાસકાર્યો કરવા માટે શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલી શ્રદ્ધા સોસાયટી પાસે મને ખાતમુહૂર્ત કરવા બોલાવ્યો હતો, પરંતુ સ્થળ પર જઈને જે જગ્યાએ ખાતમુહૂર્ત કરવાનું હતું ત્યાં રોડ એકદમ નવો હતો. ખાતમુહૂર્ત કરવા જેવું કંઇ હતું નહીં અને રોડ બનાવવા જેવો હતો નહીં. આથી મેં સૂચન કર્યું કે અહીં રોડ બનાવાય નહીં અને આવા ખોટા ખર્ચા કરાય નહીં. આ ખર્ચો બીજે ટ્રાન્સફર કરી લો, જેથી કરીને જ્યાં જરૂરિયાત હોય ત્યાં આ ખર્ચ લેખે લાગે.
‘આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય’
આ અંગે કમિશનર એમ.વી. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે રોડ પહેલાંથી સારી સ્થિતિમાં હતો, જેને નવો બનાવવાની જરૂરિયાત ન હતી. એમ છતાં એ વોર્ડના ઇન્ચાર્જ ઈજનેર સ્થળ મુલાકાત કર્યા વગર જ 44 લાખના ખર્ચે રોડ બનાવવાનો એસ્ટિમેટ રજૂ કર્યો. એટલું જ નહીં, આ એસ્ટિમેટનું ટેન્ટર પણ સોંપાઈ ગયું હતું. ખાતમુહૂર્ત કરતી વખતે આ બાબત મારા ધ્યાનમાં આવતાં તે વોર્ડના ઇન્ચાર્જ ઈજનેરને ફરજમુક્ત કરી તેમની પર વિધવત ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી છે. કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય, આને કારણે મહાનગરપાલિકાની પ્રતિષ્ઠાને નુકસાન થાય એવું મારું માનવું છે.