દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનું માર્કેટ કેપ 20 લાખ કરોડ રૂપિયાને પાર થઈ ગયું છે. માઇલસ્ટોન હાંસલ કરનારી આ ભારતની પ્રથમ કંપની છે. આજે કંપનીના શેરે રૂ. 2,958ની ઓલટાઇમ હાઇ સપાટી બનાવી છે, જેના કારણે કંપનીના માર્કેટ કેપમાં વધારો થયો છે.
છેલ્લાં બે સપ્તાહમાં RILની માર્કેટ વેલ્યુમાં રૂ. 1 લાખ કરોડનો વધારો થયો છે. 29 જાન્યુઆરીએ કંપનીનું માર્કેટ કેપ રૂ. 19 લાખ કરોડના આંકડા પર પહોંચી ગયું હતું. અગાઉ કંપનીએ સપ્ટેમ્બર 2021માં રૂ. 15 લાખ કરોડના સ્તરને પાર કર્યું હતું. 2019માં માર્કેટ કેપ રૂ. 10 લાખ કરોડને પાર કરી ગયું હતું.
રિલાયન્સ દેશની સૌથી મોટી કંપની છે
માર્કેટ કેપિટલાઇઝેશનની દૃષ્ટિએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મોટી કંપની છે. મુંબઈ સ્થિત રિલાયન્સ ગ્રુપ તેલથી લઈને ટેલિકોમ અને રિટેલ સુધીનાં ક્ષેત્રોમાં કામ કરે છે. આ પછી ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (TCS) આવે છે. TCSનું માર્કેટ કેપ રૂ. 15.07 લાખ કરોડ છે.
મુકેશ અંબાણી દેશની સૌથી ધનિક વ્યક્તિ છે
ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર લિસ્ટ અનુસાર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ભારતના સૌથી અમીર વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ 9.38 લાખ કરોડ રૂપિયા છે. જ્યારે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી 6.64 લાખ કરોડની નેટવર્થ સાથે બીજા ક્રમે છે.