ઈન્ડિયન ઓઇલ આઉટલેટમાંથી ‘ઈથેનોલ 100’ના લોન્ચિંગ સમયે હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે, OMCએ છેલ્લા ત્રણ ક્વાર્ટરમાં મજબૂત પ્રદર્શન કર્યું છે. છેલ્લા 3 ક્વાર્ટરમાં દેશની ત્રણ સરકારી ઓઈલ કંપનીએ 69,000 કરોડ રૂપિયાનો નફો કર્યો છે.
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ શુક્રવારે ફરી એકવાર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ ઘટાડો કરવા અંગેનો નિર્ણય સરકારી ઓઈલ કંપનીઓ બજારની સ્થિતિ અને નફાકારકતાને જોઈને લેશે. OMC દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો કર્યા બાદ મંત્રીનું આ નિવેદન આવ્યું છે.
પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ 15 માર્ચથી લાગુ થઈ ગયા છે. હરદીપ સિંહ પુરીએ ઓઈલ કંપનીઓના નિર્ણયને ખૂબ જ હિંમતભર્યો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવ અસ્થિર છે. મે 2022 બાદ ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. મે 2022માં સરકારે ગ્રાહકોને રાહત આપવા માટે એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો.
ઈન્ડિયન ઓઇલ આઉટલેટમાંથી ‘ઈથેનોલ 100’ના લોન્ચિંગ સમયે હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે, OMCએ છેલ્લા ત્રણ ક્વાર્ટરમાં મજબૂત પ્રદર્શન કર્યું છે અને અમે ચોથા ક્વાર્ટરમાં વધુ સારા નાણાકીય પરિણામો માટે આશાવાદી છીએ. છેલ્લા ત્રણ ક્વાર્ટરમાં દેશની ત્રણ સરકારી ઓઈલ કંપનીઓએ 69,000 કરોડ રૂપિયાનો નફો કર્યો છે.
એવું માનવામાં આવે છે કે સમગ્ર નાણાકીય વર્ષમાં કંપનીઓનો કુલ નફો 85,000 થી 90,000 કરોડ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. જોકે, ચોથા ક્વાર્ટરમાં કંપનીઓનો નફો 15,000 થી 20,000 કરોડ થઈ શકે છે, જે ત્રણ ક્વાર્ટરમાં થયેલા નફા કરતાં ઓછો હશે.
ભાવ ઘટાડા બાદ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 94.72 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 87.62 રૂપિયા પ્રતિ લીટર થયા છે. બીજી તરફ રાજસ્થાન સરકારે પણ પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં ઘટાડો કર્યો છે. જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 5 રૂપિયાનો ઘટાડો થયો છે. નિષ્ણાતોનું માનીએ તો ઓઈલ કંપનીઓ આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ ઘટાડો કરી શકે છે.