News Updates
GUJARATRAJKOT

RAJKOT: મહિલાઓએ રસ્તા વચ્ચે માટલા ફોડ્યા, પાણી બાબતે રણચંડી બનેલી મહિલાઓએ વિરોધ પ્રદર્શિત કર્યો

Spread the love

“પાણી નહીં તો મત નહીં”:રાજકોટમાં પાણીની સમસ્યાની અનેકવાર રજૂઆત છતાં ઉકેલ ન આવતા મહિલાઓ રણચંડી બની, કાલાવડ રોડ પર માટલા ફોડ્યાં

RAJKOT શહેરમાં ઉનાળાના પ્રારંભે પાણીની પારાયણ સર્જાઈ છે અને ત્રણેક વર્ષ પહેલાં RAJKOTમાં ભળેલા છેવાડાના વિસ્તારમાં લોકોને પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે આજે શહેરના MOTA MAVA ખાતે પાણી પ્રશ્ને મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો હતો અને રણચંડી બનેલી મહિલાઓ દ્વારા કાલાવડ રોડ પર માટલા ફોડી ચક્કાજામ સર્જવામાં આવ્યો હતો. તેમજ ‘પાણી નહીં તો મત નહીં’નાં નારા લગાવવામાં આવ્યા હતા.

સ્થાનિક મહિલા ચેતનાબેન પટેલે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં અનેક સોસાયટીઓ આવેલી છે. ગત ચૂંટણી સમયે પાણીની લાઇન આપવામાં આવી હતી. જોકે હજુ સુધી પાણી શરૂ કરવામાં આવ્યું નથી. જેને લઈને લોકોને ભારે મુશ્કેલી સહન કરવી પડી રહી છે. હવા, પાણી અને ખોરાક આ ત્રણ મુખ્ય વસ્તુઓ પૈકી પાણી ન મળે તો કરવું શું? આ અંગે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો ન હોવાથી આજે ઉગ્ર વિરોધ કરવાની ફરજ પડી છે. જો અમારી સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી ચૂંટણીમાં મતદાન કરવામાં આવશે નહીં.

લીંબાસિયા નયનાબેન નામના મહિલાએ જણાવ્યું હતું કે, મોટામૌવા વિસ્તારમાં 25 કરતાં વધુ સોસાયટીમાં કુલ 25 હજાર કરતા વધુ લોકો વસવાટ કરે છે. આ વિસ્તારમાં અનેક હાઇરાઇઝ બિલ્ડીંગો હોવા છતાં અહીં પાણી અને રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી. આ માટે વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ લાવવામાં આવતો નથી. જેને લઈને અહીં રહેતા હજારો લોકોને પ્રતિદિન પાણી વેચાતું લેવાની ફરજ પડી રહી છે અને ગરીબ પરિવારોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડી રહી છે, ત્યારે આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આ વિસ્તારના લોકો મતદાનનો બહિષ્કાર કરશે તે નિશ્ચિત છે.

ઉલ્લેખનીય છે કે, પાણી પ્રશ્ને રોષે ભરાયેલી મહિલાઓ દ્વારા કાલાવડ રોડ ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસની વાન તેમજ સિટી અને એસટી બસોને પણ જવા દેવામાં આવી નહોતી. મહિલાઓ દ્વારા રસ્તા પર માટલાઓ ફોડીને દેખાવો કરવામાં આવ્યા હતા. મહિલાઓ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનને પગલે અંદાજે અડધો કલાકથી એકાદ કિલોમીટરનો ટ્રાફિકજામ સર્જાયો હતો. આ અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને અંદાજે એકાદ કલાક ટ્રાફિક જામ રહ્યા બાદ પોલીસની સમજાવટથી ટ્રાફિક પૂર્વવત થયો હતો, ત્યારે આ વિસ્તારની પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.


Spread the love

Related posts

કેળાની ખેતી કરી ખેડૂત બન્યો અમીર, જાણો કેવી રીતે થયો એક વર્ષમાં 81 લાખ રૂપિયાનો નફો

Team News Updates

ભક્તો શિવભક્તીમાં તરબોળ:ડીસાના આસેડા ગામે નીલકંઠ મહાદેવના મંદિરે લોકગાયક વિજય સુવાળા અને દેવપગલીએ ધૂમ માચવી, ભક્તોએ કલાકારો પર ચલણી નોટો વરસાવી

Team News Updates

ગુજરાતમાં Cyclone Biparjoy ની અસર, કચ્છ, મહિસાગર,અરવલ્લી અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી

Team News Updates