સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જતી હોવાનું સામે આવી રહ્યું છે. છેલ્લા થોડા દિવસોથી એક પછી એક હત્યાના બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે ગત 4 એપ્રિલની મધરાતે એક રિક્ષાચાલકની જાહેર રોડ પર હત્યા કરવામાં આવી હતી. માથાના ભાગે હુમલો કરીને રિક્ષાચાલક યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસના ઉચ્ચઅધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અહીં ઉલ્લેખનીય છે કે, છેલ્લા ચાર દિવસમાં સુરતમાં આ ચોથું મર્ડર થયું છે. રોજબરોજ વધતા હત્યાના બનાવોને પગલે લોકોમાં પણ સુરક્ષાને લઈ ડરનો માહોલ છવાયો છે.
સુરતમાં મહિધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં લગભગ રાત્રિના 2:30 કલાકે સુમુલ ડેરી રોડ પર રેલવે પાર્સલ આફિસ પાસે શેરુ યાદવ નામના રિક્ષાચાલક યુવકના માથાના ભાગે ફટકા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ ઘટના અંગેની જાણ થતાં મહિધરપુરા પોલીસ સહિત ઉચ્ચ પોલીસઅધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયાં હતા. પ્રથમ મૃતદેહને કબજે લઈ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટે અર્થે ખસેડવામાં આવ્યો છે. હાલ યુવકની હત્યા કોણે? ક્યા કારણોસર કરવામાં આવી છે, તેની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં છેલ્લા બે મહિનાથી પોલીસ કમિશનરનું પદ ખાલી છે. ત્યારે છેલ્લા ચાર દિવસમાં પાંચ જેટલા મર્ડરની ઘટનાઓ સામે આવી છે. વરાછા, લિંબાયત, ખટોદરા, મહીધરપુરા અને સરથાણામાં મર્ડરની ઘટનાઓ સામે આવી છે. વધતા ક્રાઈમના પગલે શહેર પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊઠી રહ્યાં છે.