રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એકતરફ લોકોને પાણી બચાવવા માટેની સૂચનાઓ આપવામાં આવી રહી છે અને પાણી બચાવો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જોકે આ અભિયાન માત્ર કાગળ પર હોય તેવી રીતે સમયાંતરે મનપાની બેદરકારીથી પાણીનો વેડફાટ થતો હોવાનું સામે આવતું હોય છે. ત્યારે આજે આવી જ વધુ એક ઘટના સામે આવી હતી. જેમાં અમીન માર્ગ પર પાણીની લાઈન તૂટી જતા ભર ઉનાળે ચોમાસાનાં દૃશ્યો જોવા મળ્યા હતા. અને હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. જોકે બાદમાં સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવતા વોટર વર્ક્સ વિભાગની ટીમો દોડી આવી હતી અને પાણીની સપ્લાય બંધ કરી સમારકામ કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર આજે સવારે રાજકોટનાં પોશ વિસ્તાર ગણાતા કાલાવડ રોડ નજીક અમીન માર્ગ પર કોઈ કારણોસર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું હતું. અચાનક પાણીની લાઈન તૂટી જતા રસ્તાઓ પર પાણીની નદીઓ વહેવા લાગી હતી અને ભર ઉનાળામાં ચોમાસા જેવા દૃશ્યો જોવા મળ્યા હતા. તેમજ રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે અંદાજે એકાદ કલાક પાણી વેડફાયા બાદ આ અંગેની જાણ થતાં મનપાની ટીમો દોડી આવી હતી અને પાણીની સપ્લાય બંધ કરી તાત્કાલિક પાઇપલાઇનના રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સમગ્ર મામલે કોંગ્રેસના સૌરાષ્ટ્ર ઝોનનાં પ્રવક્તા રોહિત રાજપૂતે મનપા તંત્ર ઉપર ગંભીર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો અને જણાવ્યું હતું કે, હાલ ઉનાળામાં લોકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી. આ કારણે અનેક લોકો વેચાતું પાણી લેવા માટે મજબૂર છે. ત્યારે મહાનગરપાલિકા તંત્રની બેદરકારીથી ભર ઉનાળે અમીન માર્ગ પર પાણીની નદીઓ વહેતા લાખો લિટર પાણીનો વેડફાટ થયો છે. આ માટે જે કોઈ જવાબદારો હોય તેની સામે મનપા દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી કોંગ્રેસની માંગ છે. તેમજ ભવિષ્યમાં આવી ઘટના બનતી અટકાવી શકાય તે માટે ચોક્કસ પગલાં લેવાની અપીલ પણ તેમણે કરી હતી.