સમાજમાં ખોટા ખર્ચાઓ દ્વારા થતાં લગ્ન પર બ્રેક વાગે અને કુરિવાજોને ડામવા માટે અનેક સમાજ આગળ આવી પહેલ કરી રહ્યા છે. ત્યારે ખેડા જિલ્લામાં દીપક સર્વ જન સેવા ટ્રસ્ટ, સમસ્ત ક્ષત્રિય સમાજ નાનાવગા એકતા સમિતિ દ્વારા અનોખા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે. જેમાં 55 દીકરીઓના ફક્ત રૂપિયા એક જ રુપિયામાં જ સમૂહલગ્ન યોજાયા છે. મહત્વનું છે કે, આ એક રૂપિયાની કિંમત સામે દરેક દીકરીઓને અનેક ચીજવસ્તુઓની ભેટ પણ અપાઈ છે.
દીપક સર્વ જન સેવા ટ્રસ્ટ સમસ્ત ક્ષત્રિય સમાજ નાનાવગા એકતા સમિતિ દ્વારા બે તબક્કામાં અનોખા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજ રોજ નડિયાદ તાલુકાના નાનાવગા ગામે દરબારપુરા વિસ્તારમાં સમૂહ લગ્નોત્સવ યોજાયા હતા. આ સમૂહલગ્નમાં 55 દીકરીઓના ફક્ત એક રૂપિયામાં જ લગ્ન કરી આપવા આવ્યા છે. આ એક રૂપિયાની કિંમત સામે દરેક દીકરીઓને અનેક ચીજવસ્તુઓની રિટર્ન ભેટ અપાઈ છે. તેવું આયોજન આ સમિતિ દ્વારા કરાયું છે.
ક્ષત્રિય સમાજમાં ખોટા કુરિવાજો નાબૂદ કરવા, લગ્ન પ્રસંગમાં ખોટા ખર્ચાઓ બચાવવાં માટે ચૂસ્ત નિયમોની સતત મહેનતથી દીપક સર્વ જન ટ્રસ્ટ નાનાવગા ગામમાં પ્રમુખ રણજીતસિંહ સોઢા દ્વારા આ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. દીકરીઓને લગ્ન પ્રસંગમાં રસોડા સેટથી લઈને જીવન જરૂરી વસ્તુઓ પણ આયોજક તરફથી આપવામાં આવી હોવાનું પ્રમુખે જણાવ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, આજે 15 એપ્રિલના રોજ 55 દીકરીઓના અને આગામી 10 મેના રોજ પણ આ રીતે એમ બે તબક્કામાં સમૂહ લગ્નોત્સવ યોજાવાના છે. આ પ્રસંગે સમાજના દીપકભાઈ સોઢા, ભુરાભાઈ ભોજાણી, ભરતસિંહ સોલંકી, વિનોદભાઈ રાઠોડ, પુસપેન્દ્રસિંહ ચૌહાણ, સહદેવભાઇ ચૌહાણ, કમળાબેન રણજિતભાઇ સોઢા સહિત સમાજના આગેવાનો અને બહોળી સંખ્યામાં સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.
3 દરવાજા/તિજોરી, સેટી પલંગ 4/6, ગાદલું, ઓશીકું નંગ 2, રજાઈ નંગ 1, ખુરશી 2 નંગ, સ્ટીલનું બેડું, સ્ટીલની પલાવી, સ્ટીલની થાળી, સ્ટીલની ડોલ, સ્ટીલનો જગ, સ્ટીલનો લોટો, સ્ટીલનુ છોબડું, સ્ટીલની ગરણી, સ્ટીલનો ડબ્બો, સ્ટીલની થાળ, સ્ટીલની વાડકી, આદણી વેલણ, ચા મોરસના ડબ્બા, સ્ટીલની છીણી, વોટર જગ, કઢાઈ, સહિત કુલ 51 આઈટોમોનો સમાવેશ થાય છે. જે જીવનજરૂરીયત ચીજવસ્તુઓના ઉપયોગમાં આવશે.