આ વર્ષે જુલાઈમાં પેરિસમાં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સમાં સાત ભારતીય ખેલાડીઓએ તેમના રેન્કિંગના આધારે બેડમિન્ટનની 5 ઇવેન્ટ માટે ક્વોલિફાય કર્યું છે.
બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ, ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન એચએસ પ્રણય અને લક્ષ્ય સેને સિંગલ્સ ઇવેન્ટ માટે પોતપોતાની જગ્યાઓ નિશ્ચિત કરી છે. જ્યારે મેન્સ ડબલ્સમાં સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી અને મહિલા ડબલ્સમાં તનિષા ક્રાસ્ટો અને અશ્વિની પોનપ્પાની ભારતીય જોડી ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરવામાં સફળ રહી છે.
ઓલિમ્પિકમાં ટોચના 16 બેડમિન્ટન ખેલાડીઓ ભાગ લે છે. તેમજ એક ઇવેન્ટમાં એક દેશના માત્ર બે જ ખેલાડીઓ ભાગ લઈ શકશે. જુલાઈમાં યોજાનારી પેરિસ ઓલિમ્પિક માટે 30 એપ્રિલ સુધી રેન્કિંગ નક્કી કરવામાં આવ્યું હતું. તેના આધારે ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરવામાં સફળ રહ્યા છે.
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન અને ઓલિમ્પિક સિલ્વર અને બ્રોન્ઝ મેડલ વિજેતા પીવી સિંધુ 30 એપ્રિલના રોજ જાહેર કરવામાં આવેલી રેન્કિંગમાં 14માં સ્થાને હતી. જોકે ચીનના ચાર ખેલાડીઓ તેના કરતા ઉપર હતા અને એક દેશના માત્ર બે ખેલાડી ઓલિમ્પિકમાં ભાગ લઈ શકે છે, આવી સ્થિતિમાં સિંધુનું રેન્કિંગ 12મું થઈ ગયું છે. જ્યારે મેન્સ સિંગલ્સમાં પ્રણય 9મા અને લક્ષ્ય 13મા ક્રમે છે.
જ્યારે સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ડબલ્સ જોડી ત્રીજા ક્રમે રહી હતી. જ્યારે ચાલુ મહિલા ડબલ્સ રેન્કિંગમાં તનિષા અને અશ્વિની પોનપ્પા 21મા ક્રમે છે. પરંતુ ચીનની 4 જોડી, જાપાનની 5 અને કોરિયાની 3 જોડી ટોપ-16માં સામેલ હતી. કારણ કે એક દેશની બે ટીમ અથવા ખેલાડીઓ એક ઇવેન્ટમાં ભાગ લઈ શકે છે. આવી સ્થિતિમાં તનિષા અને અશ્વિનીની જોડી 13 પર પહોંચી ગઈ છે.