વડોદરાના આજવા રોડ પર બાઇક ચાલક યુવકનું કમકમાટીભર્યુ મોત થયું છે. અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ છે. કપુરાઇ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસનું કહેવું છે કે, અકસ્માત સમયે થાર અને પોલીસની ગાડી બંને વાહન સામસામે જતા હતા. કોની અડફેટે યુવકનું મોત થયું છે? તેની તપાસ ચાલી રહી છે. FSLના રિપોર્ટ બાદ તેનો ખુલાસો થઇ શકે છે. જોકે, પરિવારજનોનું કહેવું છે કે, પોલીસની ગાડીની અડફેટે યુવકનું મોત થયું છે.
વડોદરાના આજવા રોડ પર આવેલા ધ પેલેસમાં રહેતા ડાયાભાઇ વાલજીભાઇ પરમાર (ઉ.65)એ કપુરાઇ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, શુક્રવારે બપોરે 12 વાગ્યે મારો નાનો દીકરો નિલેશ પરમાર મારા મિત્ર હિતેશ માછીના નવા મકાનના વાસ્તુ પૂજનમાં ગયો હતો. ત્યારબાદ બપોરે 1.10 વાગ્યે મારા મિત્ર રાકેશકુમાર ચૌધરી (જાટ)નો મારા મોબાઈલમાં કોલ આવ્યો હતો અને મને ફોનમાં કહ્યું હતું કે, તમારો છોકરા નિલેશને આજવા રોડ પર નાયરા પેટ્રોલપંપની સામે રોડ પર અકસ્માત થયો છે અને 108 એબ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં લઈ ગયા છે.
મારા દીકરાના અકસ્માતના સમાચાર મળતા જ હું અને મારો મોટો દીકરો અજય તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. જોકે, ડોક્ટરે તપાસ્યા બાદ મારા દિકરા નિલેષને મૃત જાહેર કર્યો હતો. આજવા રોડ નાયરા પેટ્રોલપંપ સામે રોડ પર જતા એક બોલેરો ગાડી (GJ-06-GA-3019)ની સાથે અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે. મારો દીકરો ઇલેક્ટ્રિશિયનનું કામ કરતો હતો. તેના લગ્ન થઇ ગયા છે અને તેને 3 વર્ષનું એક બાળક છે.
મૃતકના મિત્ર હરીશભાઇ માછીએ જણાવ્યું હતું કે, મારા મિત્ર નિલેશ પરમારનું અકસ્માતમાં મોત થયું છે. તે સવારથી જ અમારી સાથે વાસ્તુપૂજનના પ્રોગ્રામમાં અમારી સાથે જ હતો પરંતુ, થોડી વાર માટે તે ઘરે ગયો હતો. તેને પાછા આવવામાં મોડું થયું હતું. જેથી, મેં તેને ફોન કર્યો હતો. જોકે, ફોન કોઇ બીજી વ્યક્તિએ ઉઠાવ્યો હતો અને આ ભાઇને એક્સિડન્ટ થયો છે અને 108 એમ્બ્યુલન્સમાં લઇ ગયા છે. જેથી હું ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો. ત્યાં બાઇક એક તરફ પડી હતી અને તેને વધારે ઇજાઓ થઇ હોવાથી તેને હોસ્પિટલમાં લઇ ગયા હતા.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આસપાસના લોકોને આ અંગે પૂછતા તેઓએ મને કહ્યું હતું કે, પોલીસની ગાડીએ ટક્કર મારી હતી. પોલીસની ગાડીનું ટાયર ફાટી ગયું હતું અને મારા મિત્રની બાઇકને અડફેટે લીધી હતી. જેમાં મારા મિત્ર નિલેશે જીવ ગુમાવ્યો છે. માણસાઇની દ્રષ્ટીએ પોલીસની ગાડીના ચાલકે અકસ્માત થયા પછી ત્યાં ઉભુ રહેવું જોઇતુ હતું પરંતુ, તેઓ ઉભા રહ્યા નહોતા.
કપુરાઇ પોલીસ સ્ટેશનના પીઆઇ કુલદિપસિંહ જાધવે જણાવ્યું હતું કે, અકસ્માતની ઘટનામાં અમે તપાસ શરૂ કરી છે. પોલીસની વાન અને એક થાર ગાડી સામસામે જઇ રહી છે. આ સમયે યુવકની બાઇકને અકસ્માત નડ્યો છે. FSLની તપાસ ચાલી રહી છે. ત્યારબાદ ખબર પડશે કે, પોલીસ વાન કે થાર કોની અડફેટે યુવકનું મોત થયું છે.