News Updates
JUNAGADH

ખેડૂતોએ કહ્યું- ‘ચાર કલાકમાં બધુ પતી ગયું’:જૂનાગઢ, નવસારી, બોટાદ સહિતના જિલ્લાઓમાં માવઠાએ કેરીની મજા બગાડી

Spread the love

હવામાન વિભાગની આગાહીને પગલે સોમવારે બપોરથી મોડી રાત સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. જેમાં ખેડૂતોને પાકમાં ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જેમાં ખાસ કરીને કેરીના પાકનો સોથ વળી ગયો છે. જૂનાગઢ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ અને બોટાદ સહિતના જિલ્લાઓમાં કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે આ વખતે આમેય ઉત્પાદન ઓછુ હતું અને ઉપરથી ગઇકાલે ભારે પવન સાથે વરસાદ આવતાં હવે પાછળ કંઇ બચ્યું જ નથી.

જૂનાગઢ જિલ્લામાં વિસાવદર, વંથલી સહિતના અનેક ગ્રામ્ય પંથકમાં ગત મોડી રાત્રે આવેલા ભારે પવન સાથેના વરસાદથી પારાવાર નુકસાની થઇ છે. જેમાં ખાસ કરીને કેરીના વેપારીઓ અને ઈજારેદારોને લાખોનું નુકસાન થયું છે. એક તરફ કેરીનો પાક મોડો આવ્યો છે અને બગીચાઓમાં કેરી ઓછી આવી છે. તેમાં પણ ગઈકાલે ભારે પવન ફૂકાતા મોટા ભાગની કેરીઓ ખરી પડતા ખેડૂતો અને જ્યારેદારોને નુકસાની થઇ છે. જેને લઈ આંબાના બગીચા ધારકો અને કેરીના વેપારીઓને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે અચાનક આવેલી કુદરતી આફતને લઈ સહાયની માંગ કરી રહ્યા છે.

જૂનાગઢના ખેડૂત નાગજીભાઈ ધોરાજીયાએ જણાવ્યું હતું કે, ગતરાત્રિના ત્રણથી ચાર કલાક ભારે પવન ફૂંકાયો હતો. જેના કારણે કેરી સંપૂર્ણપણે ખરી ગઈ છે. તેમજ કેળા-પપૈયાના બગીચાઓમાં પણ ભારે નુકસાન થયું છે. ખેતરમાં વાવેલા ફૂલ અને અન્ય પાકોમાં પણ ભારે નુકસાન થયું છે. ઘણા ખેતરોમાં વાવેલી લીંબુડીઓના ઝાડમાંથી લીંબુ પણ સંપૂર્ણ થઈ ગયા છે. ભારે પવનના કારણે બાગાયત ખેતીના બગીચાઓમાં 90 થી 95 ટકા જેટલું ભારે નુકસાન થયું છે.

ખેડૂત નાગજીભાઈ ધોરાજીયાએ વધુ જણાવ્યું કે, વાવાઝોડાના કારણે સરકાર ખેડૂતો માટે 60 થી 70% સબસીડી જાહેર કરે તેવી વિનંતી છે. અચાનક આવી પરિસ્થિતિ ઉદ્ભવતા ખેડૂતો સંપૂર્ણપણે પાયમાલ થાય છે અને વાવેતર પણ દર વર્ષે ઘટતું જાય છે કારણ કે દર વખતે આવતી કુદરતી આફતના કારણે ખેડૂતને પારાવાર નુકસાન થઈ રહ્યું છે.

ઈજારેદારો અલ્ફેઝ નારેજાએ જણાવ્યું હતું કે, અમે કેરીના ઇજારા રાખી કેરીનો વેપાર કરીએ છીએ. દર વર્ષ કરતાં આ વર્ષે માત્ર 40% જેટલો જ કેરીનો પાક બગીચાઓમાં હતો. પહેલેથી જ બગીચાઓમાં કેરી ઓછી હતી. ત્યારે ગઈકાલે રાત્રે જે ભારે પવન અને વાવાઝોડું આવ્યું તેમાં બગીચાઓમાં કેરી સંપૂર્ણપણે ખરી ગઈ છે. જેના કારણે અમારે ખૂબ મોટું નુકસાન થયું છે. આ વર્ષે જે ઈજારેદારોએ બગીચા રાખ્યા છે તેમાં ખૂબ મોટું નુકસાન થયું છે, ત્યારે અચાનક આવેલી આ પરિસ્થિતિમાં સરકાર સહાય કરે તેવી માંગ છે.

આ તરફ નવસારી જિલ્લામાં કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. સામાન્ય રીતે એપ્રિલ માસના બીજા તબક્કામાં કેરી માર્કેટમાં ઠલવવાની શરૂઆત થઈ જાય છે, પરંતુ વાતાવરણમાં આવેલા બદલાવને કારણે આ વર્ષે માત્ર 30 થી 50% કેરીનું ઉત્પાદન જોવા મળી રહ્યું છે, તેવામાં ગઈકાલે નવસારી જિલ્લાના વાંસદામાં વરસેલા માવઠાને કારણે કેરીના પાકનો સોથ વળી ગયો છે.

નવસારીના પિનાકીન પટેલ નામના ખેડૂત જણાવે છે કે, આ વર્ષે શરૂઆતની તબક્કામાં વાતાવરણમાં બદલાવ આવવાને કારણસર જે કેરીનો પાક મબલખ આવવો જોઈતો હતો તેને જોતા કેરી ને માટે ગયા વર્ષ કરતાં ચાલુ વર્ષ શરૂઆતથી એકદમ નબળું છે. વાતાવરણમાં જે પલટા આવ્યા કે શરૂઆતના ટાઈમમાં ઠંડી ઓછી પડી એટલે કે અંકુરણ થવું જોઈએ તે થયું નહીં. વાતાવરણમાં ફેરફાર આવ્યા અને એ કારણસર માટે ગયા વર્ષ કરતાં ચાલુ વર્ષ શરૂઆતથી એકદમ નબળું છે. જો વરસાદ થાય છે એના કારણે ખેડૂતોને મોટું નુકસાન થવાનું છે.

નવસારી કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર વાય.એન ટંડેલે જણાવ્યું હતું કે, ખાસ કરીને આંબામાં જોઈએ તો ફેબ્રુઆરી માસમાં જે મોર આવ્યો છે, ત્યાર પછી એકદમ જ તાપમાનમાં વધારો થયો જેને કારણે મોરમાં જે કેરી બેસવી જોઈતી હતી એ બેઠી નથી. જેને કારણે આવતા વર્ષનો કેરીનો પાક પણ મોડું પડવાની શક્યતા છે . બીજું કે તાપમાનમાં જે વધારો છે તેને કારણે ફળના જે કદ છે એમાં પણ એ ફળ પણ નાના રહેવાના છે અને એવું પણ કદાચ ભવિષ્યમાં આપણે જોઈશું પણ તાપમાનમાં વધારો થયો છે એ કરી પડવાની શક્યતા છે, પણ જે કેરી રહેશે ઝાડ ઉપર રહેશે અને થોડું માવઠાને કારણે એને પાણી મળશે તો એના કદમાં પણ થોડો સુધારો થઈ શકે એમ છે પણ ફૂગજન્ય રોગ થવાની શક્યતા પણ વધુ છે.

વલસાડ જિલ્લામાં કરા અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડવાની આંબાવાડીઓમાં કેરીના તૈયાર પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં સૌથી લધુ નુકસાન પહોંચ્યું છે. જેને લઇને વલસાડ ડિઝાસ્ટર મામલતદારે તમામ વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. સર્વે પૂર્ણ થયા બાદ વિસ્તારમાં થયેલી નુકસાનીનું તારણ કાઢવામાં આવશે તેમ ડિઝાસ્ટર મામલતદારે જણાવ્યું છે.

કમોસમી વરસાદના કારણે બોટાદ જિલ્લામાં પણ કેરીના પાકને ભારે નુકસાન થયું છે. આંબા પર આવેલો કેરીના ફળ મોટા પ્રમાણમાં ખરી પડ્યા છે. જેના કારણે ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેડૂતો સરકાર પાસે રાહતની માંગ કરી રહ્યા છે. દિલીપભાઇ નામના ખેડૂતે જણાવ્યું હતું કે, બોટાદ જિલ્લામાં મારે કેરીનો મોટો બગીચો છે, જેમાં આંધીના કારણે કંઇ બચ્યું નથી. સરકાર સર્વે કરીને ખેડૂતોને યોગ્ય વળતર આપે એવી અમારી માંગ છે.


Spread the love

Related posts

ગીર સોમનાથમાં આઈકોનિક પ્લેસ સોમનાથ મંદિર ખાતે ઉત્સાહપૂર્વક થઈ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

Team News Updates

‘મારી માટી મારો દેશ’:જામજોધપુરના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરાઈ

Team News Updates

બાટવાના પાજોદ ગામ પાસે બેફામ કારે બાઇક સવાર 3 યુવકોને ફંગોળ્યા, ત્રણેય મિત્રના મોત

Team News Updates