સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીમાં અરિહંત હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટના એસોશિયેટ પ્રોફેસર ડૉ. કિંજલ પટેલે ખેલ મહાકુંભના ભાગરૂપે યોજાયેલી રાજ્ય કક્ષાની સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ ગોલ્ડ મેડલ જીતીને અદભૂત સફળતા હાંસલ કરી છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત આ કાર્યક્રમ ગુજરાતના હિંમતનગરમાં આવેલા સાબર સ્ટેડિયમ ખાતે યોજાયો હતો.
ડૉ. કિંજલ પટેલે 40 વર્ષથી મોટી વયની મહિલાઓના વયજૂથમાં શ્રેષ્ઠ કાર્ય દેખાવ કર્યો હતો. તેમણે સ્વિમિંગમાં તેમની અસાધારણ ક્ષમતા અને દ્રઢ સંકલ્પને દર્શાવ્યાં હતા. તેમણે 46 સેકન્ડના સમયની સાથે 50 મીટર ફ્રીસ્ટાઇલમાં ગોલ્ડ મેડલ જીતી લીધું હતું. આ ઉપરાંત તેમણે 56 સેકન્ડમાં 50 મીટર બેકસ્ટ્રોક અને 62 સેકન્ડમાં 50 મીટર બ્રેસ્ટસ્ટ્રોક પૂરું કરવા બદલ પણ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યું હતું. તેમની આ અસાધારણ જીત શૈક્ષણિક અને એથલેટિક્સ એમ બંને ક્ષેત્રોમાં તેમના સમર્પણભાવ અને શ્રેષ્ઠતા પ્રત્યેની તેમની કટિબદ્ધતાને દર્શાવે છે.
ડૉ. કિંજલ પટેલની આ સિદ્ધિ ખાસ નોંધપાત્ર એટલે પણ બની જાય છે. કારણ કે, તેમણે હાલમાં જ મે મહિનામાં યોજાયેલી સ્ટેટ ફિન સ્વિમિંગ ચેમ્પિયનશિપ જીતી લીધી હતી. જેમાં તેમણે ચાર ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા. વિવિધ ઇવેન્ટ્સમાં તેમનો સાતત્યપૂર્ણ કાર્ય દેખાવ તેમની બહુમુખી પ્રતિભા અને એક સ્વિમર તરીકેની તેમની ક્ષમતાને દર્શાવે છે. જે તેમના સમકક્ષો અને વિદ્યાર્થીઓ માટે એક સીમાચિહ્ન સ્થાપિત કરે છે.
સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીનો સમગ્ર સમુદાય ડૉ. કિંજલ પટેલને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવે છે. ખેલ મહાકુંભમાં તેમની ગોલ્ડ મેડલની હેટ-ટ્રિક તેમની આકરી મહેનત અને અડગ નિશ્ચયનો પુરાવો છે. તેમની સફળતાએ યુનિવર્સિટીને ગર્વ તો અપાવ્યું જ છે પણ તેની સાથે-સાથે તે અન્યોને સમર્પણ અને જોશની સાથે તેમના પેશનને અનુસરવા માટે પ્રેરણા પણ આપે છે.