રાજકોટના માલિયાસણમાં નેચર એજ્યુકેશન પાર્ક નિર્માણ પામવા જઈ રહ્યો છે. ત્યારે આ બાબતે જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે, માલિયાસણમાં ભાડા પટ્ટેથી જમીન ફૂલ ઝાડ વાવવા માટે સરકારને ડૉ. ચાવડાએ પરત કરતા 5 એકરમાં નેચર એજ્યુકેશન કેમ્પ નિર્માણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં અત્યારે 1200થી વધુ આંબા, ચીકુ, નાળિયેરીના ઝાડ આવેલા છે. જ્યાં રૂ. 50 લાખના ખર્ચે પીવાના પાણીની સુવિધા, શૌચાલય, બાઉન્ડ્રી વોલ અને શેડ વિકસાવવામાં આવશે. જ્યા ફોરેસ્ટ ખાતા મારફત બાળકો માટે પ્રાકૃતિક શિક્ષણ શિબિર યોજી શકાય તે પ્રકારનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જેનાથી શાળાઓના વિદ્યાર્થીઓ પ્રકૃતિને જાણી અને માણી શકશે.
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, આગામી શિયાળાની સીઝનથી એટલે કે, 6 માસ બાદ આ નેચર એજ્યુકેશન પાર્ક તૈયાર થઈ ગયો હશે. જે બાદ પ્રાકૃતિક શિક્ષણ કેમ્પ શરૂ થઈ જશે. આ રીતે માલિયાસણ નેચર એજ્યુકેશન કેમ્પ કાર્યરત કરવામાં આવશે. રાજકોટમાં અર્બન ફોરેસ્ટ તરીકે આ પાર્કને વિકસાવવામાં આવશે. જે માટેનું તમામ પ્લાનિંગ થઈ ગયું છે. ગ્રાન્ટની ફાળવણી કરી દેવામાં આવી છે. જેમાં ટેન્ડર પૂર્ણ થયા બાદ કામ પૂર્ણ થતા 6 માસ જેટલો સમય લાગશે. વિદ્યાર્થીઓ પ્રકૃતિનો આનંદ માણી શકે તે માટે આ નેચર એજ્યુકેશન કેમ્પનું નિર્માણ કરવામાં આવનાર છે.
રાજકોટ શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે પ્રકૃતિની સમજ મેળવી શકે અને તેમાંથી તે જ્ઞાન પ્રાપ્ત કરી શકે તે માટે રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા નેચર એજ્યુકેશન પાર્ક નિર્માણ કરવામાં આવશે. રાજકોટ શહેરથી 9 કિલોમીટર દૂર આવેલા માલિયાસણ ગામે નેચર એજ્યુકેશન પાર્ક શરૂ થતાં ફોરેસ્ટ વિભાગ મારફત વિદ્યાર્થીઓની ત્યાં પ્રાકૃતિક એજ્યુકેશન શિબિર થશે. જ્યાં રહેલી અલગ-અલગ પ્રકારની વનસ્પતિની બાળકોને સમજ આપવામાં આવશે. આ રીતે પ્રાકૃતિક દ્રષ્ટિએ સૌંદર્યરૂપ ગણાતો પાર્ક નિર્માણ થતા વિદ્યાર્થીઓને ફાયદો થશે.