વિશ્વના સૌથી અમીર 1% લોકોની સંપત્તિમાં લગભગ 42 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. ઓક્સફેમે તાજેતરના અહેવાલમાં આ માહિતી આપી છે. આ રકમ વિશ્વની અડધી વસ્તીની કુલ સંપત્તિ કરતાં 36 ગણી વધારે છે.
રિપોર્ટ અનુસાર આટલી કમાણી કરવા છતાં આ અમીરોએ તેમની કુલ સંપત્તિનો માત્ર અડધો ટકા જ ટેક્સ ચૂકવ્યો છે, જે અત્યાર સુધીનો સૌથી ઓછો છે. જ્યારે છેલ્લા ચાર દાયકામાં આ અમીરોની સંપત્તિમાં દર વર્ષે સરેરાશ 7.1%નો વધારો થયો છે.

વિશ્વના સૌથી અમીર લોકો G20 દેશોમાં રહે છે. આ વર્ષે નવેમ્બરમાં બ્રાઝિલમાં G20નું આયોજન થવા જઈ રહ્યું છે જ્યાં આ અમીર લોકો પર વધુ ટેક્સ લગાવવા પર ચર્ચા થઈ શકે છે.
રિપોર્ટ અનુસાર, તાજેતરના દાયકાઓમાં અમીર લોકોની સંપત્તિમાં ખૂબ જ ઝડપથી વધારો થયો છે, પરંતુ તેમના પર લાદવામાં આવેલા ટેક્સમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેના કારણે અમીર અને ગરીબ વચ્ચેનું અંતર ઘણું વધી ગયું છે. મોટાભાગના લોકો ખૂબ જ ઓછા પૈસા પર જીવે છે.
બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં આ અઠવાડિયે G20 નાણા પ્રધાનોની બેઠક યોજાવાની છે. આ દરમિયાન આ નેતાઓ અમીર લોકો પર ટેક્સ વધારવા પર ચર્ચા કરશે. આ સાથે તેઓ તેમની ટેક્સ બચતની પદ્ધતિઓ પર કેવી રીતે અંકુશ લગાવવો તેની પણ ચર્ચા કરશે.
રિપોર્ટ અનુસાર, G20 પ્રમુખ બ્રાઝિલ આ દેશો સાથે મળીને અમીર લોકો પર વધુ ટેક્સ લગાવવા માગે છે. તે આ મુદ્દે અન્ય દેશોનો સહયોગ ઈચ્છે છે. ફ્રાન્સ, સ્પેન, દક્ષિણ આફ્રિકા, કોલંબિયા અને આફ્રિકન યુનિયન આના પક્ષમાં છે, પરંતુ અમેરિકા તેની વિરુદ્ધ છે.
રિપોર્ટ અનુસાર, ટોચના 1% અમીરોની સરેરાશ સંપત્તિ છેલ્લા 10 વર્ષમાં 3 કરોડ 35 લાખ રૂપિયા વધી છે, જ્યારે અગાઉના દાયકામાં તે માત્ર 28 હજાર રૂપિયા હતી. તે જ સમયે, આ દાયકામાં વસ્તીના તળિયે 50% લોકોની સરેરાશ સંપત્તિમાં દરરોજ માત્ર 9 સેન્ટનો વધારો થયો છે. ભારતીય રૂપિયામાં આ 50 પૈસાથી ઓછો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આટલી બધી સંપત્તિ એકઠી કરવા છતાં આ અમીરોની ટેક્સ જવાબદારી ઘટી છે જેના કારણે સમગ્ર વિશ્વમાં અસમાનતા વધી રહી છે. ઓક્સફેમનું કહેવું છે કે G20 સરકારો માટે આ એક મોટી કસોટી છે. Oxfam ઈચ્છે છે કે અમીર લોકોની કુલ સંપત્તિ પર દર વર્ષે ઓછામાં ઓછો 8% ટેક્સ લાદવામાં આવે.
ઓક્સફેમના મેક્સ લોસનનું કહેવું છે કે અમીર લોકો પર વધુ ટેક્સ લાદવાની માગ ઝડપથી વધી રહી છે. પરંતુ સવાલ એ છે કે શું સરકારો આવું કરવાની હિંમત બતાવશે? લોસને કહ્યું, અસમાનતા તેની ચરમસીમાએ પહોંચી ગઈ છે અને સરકારો તેમના નાગરિકોને તેની અસરોથી બચાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે.