મેગાસ્ટાર અમિતાભ બચ્ચને ‘કૌન બનેગા કરોડપતિ 16’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. હાલમાં જ બિગ બીએ પોતાના બ્લોગ પર શોના સેટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે.
તસવીરોમાં બિગ બી સેટ પર હાજર દર્શકોને હાથ જોડી અભિવાદન કરતા જોવા મળે છે. પહેલા દિવસે શૂટિંગનો અનુભવ શેર કરતાં પોતાના બ્લોગમાં લખ્યું કે, ‘KBCની 16મી સીઝનનો પહેલો દિવસ… અને ફેરફારોની ગભરાટ, ડર અને ટેન્શન અને દર્શકોની પ્રતિક્રિયા, આ બધાએ દિલને હચમચાવી દીધું. હ્રદય ઝડપથી ધબકતું હતું.. દિવસ પૂરો થયો, ઊંઘ ગાયબ થઈ ગઈ.. ઘણો સમય થઈ ગયો.. અને હવે હું વહેલા સૂઈ જવાનું વિચારી રહ્યો છું કારણ કે સમયની લય એવું કહે છે.
સ્પર્ધકો સાથેની તેમની વાતચીતની ચર્ચા કરતા બચ્ચને આગળ લખ્યું, ‘સ્પર્ધકો ખૂબ જ સ્માર્ટ છે અને તેમની પાસે સારી જાણકારી છે અને અમારું કામ એ સુનિશ્ચિત કરવાનું છે કે તેઓની સાંજ સારી રહે.’ વરસાદને કારણે મુંબઈના ટ્રાફિકમાં કેવી રીતે અટવાઈ ગયા હતા અને મજાકમાં કહ્યું કે તેમણે ઘરે પહોંચવા માટે લગભગ તરવું પડ્યું હતું, પરંતુ આખરે જ્યારે સુરક્ષિત પહોંચી ગયા ત્યારે રાહતનો શ્વાસ લીધો હતો.’
મેગાસ્ટારે થોડા દિવસો પહેલાં એક મોક શૂટ કર્યું હતું. બે દિવસ પહેલાં (24 જુલાઈ) બિગ બીએ આ સિઝનનો પહેલો એપિસોડ શૂટ કર્યો હતો. ટીમે શોનું ફોર્મેટ જાળવી રાખ્યું છે. અભિયાન, કોન્સેપ્ટ, પ્રાઈઝ મનીમાં કોઈ ખાસ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આ સિઝનમાં અમિતાભ બચ્ચન ફિલ્મસિટીમાં જ નવા સેટ પર ‘KBC’ માટે શૂટિંગ કરી રહ્યા છે. જે સેટ પર તે છેલ્લા 6 વર્ષથી શૂટિંગ કરી રહ્યા હતા (સ્ટુડિયો નં. 7), તે આ વર્ષે બીજા પ્રોડક્શન હાઉસ દ્વારા બુક કરવામાં આવ્યો છે. આ કારણોસર, નિર્માતાઓએ નવા સેટ પર શિફ્ટ થવું પડ્યું.
પ્રારંભિક આયોજન મુજબ આ સિઝનમાં 100 એપિસોડ શૂટ કરવામાં આવશે. આ સીઝનનો પહેલો એપિસોડ 12મી ઓગસ્ટે ટેલિકાસ્ટ થશે.