ખંભાળિયા-દ્વારકા રેલમાર્ગ પર આવેલા ભાતેલ ગામના રેલવેટ્રેક પર ગઈકાલે એક મુસાફર ટ્રેનની અડફેટે 13 જેટલા ગૌવંશ અને એક કૂતરાનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યાનું સામે આવ્યું છે. એમનાં કપાયેલાં અંગે ટ્રેક પર જોવા મળ્યાં હતાં. જ્યારે દ્વારકાની કનૈયાધામ ગૌશાળામાં 15 ગૌવંશનાં ભૂખમરાથી મોત થયાં છે અને 9 ગંભીર હાલતમાં છે. એકસાથે 28 ગૈવંશનાં મોતથી જીવદયાપ્રેમીઓમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે.
આ કરુણ બનાવવાની જાણવા મળતી વિગત મુજબ, ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામના પાદરમાંથી પસાર થતા રેલવેટ્રેક પર ગત વહેલી સવારના સમયે અજાણતા ચડી આવેલા કેટલાક ગૌવંશ તેમજ કૂતરાને ત્યાંથી પસાર થતી ઓખા-રાજકોટ લોકલ પેસેન્જર ટ્રેને ઠોકરે લીધાં હતાં. આ અંગેની વધુ વિગત મુજબ ભાતેલ ગામની બાજુમાં કોઈ શખસો વાહન મારફત ગૌવંશ તેમજ કૂતરાને ઉતારી ગયા હતા. જે પશુઓ આ રસ્તાથી અજાણ હોઈ રેલવેટ્રેક પર ચડી ગયાં હતાં, જેને ટ્રેને અડફેટે લેતાં ગાય-બળદ જેવા 13 ગૌવંશ અને એક કૂતરાનું કપાઈ જવાથી દર્દનાક મૃત્યુ નીપજ્યું હતું.
નાની વાછરડી સહિતનાં આ અબોલ પશુઓનાં કપાઈ જવાથી મૃત્યુ થયાંના બનાવે કરુણ દૃશ્યો સર્જાવી દીધાં હતાં. ટ્રેકની બંને બાજુ પશુઓનાં કપાઈ ગયેલાં અંગો જોવા મળ્યાં હતાં. આ અંગેની જાણ સેવાભાવી કાર્યકરોને કરવામાં આવતાં તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્ત એવા બે ગૌવંશને પશુ હોસ્પિટલે પહોંચાડી સારવાર માટેની વ્યવસ્થા કરાવી હતી.
જ્યારે બીજી બાજુ ગઈકાલે દ્વારકાના ચરકલા રોડ પર આવેલી કનૈયાધામ ગૌશાળામાં સંચાલકોની બેદરકારીને લીધે ગૌવંશનાં મૃત્યુ થયાંની જાણ ગૌસેવકોને થઈ હતી, જેથી સુરભિ માધવ ગૌશાળાના પ્રમુખ હાર્દિક વાયડા ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચીને જીવન-મરણ વચ્ચે અટવાયેલા 13 ગૌવંશની તાત્કાલિક સારવાર કરી બચાવ કામગીરી કરી હતી. આ દરમિયાન 11 જેટલા ગૌવંશો મૃત હાલતમાં જોવા મળ્યા હતા. સારવાર દરમિયાન વધુ 4 ગૌવંશનાં મોત થતાં મૃતાંક 15 પર પહોંચ્યો હતો. હાલમાં સારવાર લઈ રહેલા 9 ગૌવંશ પૈકી મોટા ભાગના ક્રિટિકલ સ્થિતિમાં છે. સરકાર માન્ય કનૈયા ગૌશાળામાં ગાયો વરસાદી કાદવમાં ફસાયેલી તો અન્ય ગાયો ભૂખે મરી ગઈ, ત્યાં સુધી ટ્રસ્ટીઓએ દયા ના દાખવી, જેથી 13 ગાયનાં મોત થયાં હતાં. દ્વારકાના ગૌશાળા સંચાલકો આ મામલે રોષ ઠાલવી ટ્રસ્ટીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માગ કરી રહ્યા છે.
આ બનાવના પગલે આજે સુરભિ માધવ ગૌશાળાના પ્રમુખ હાર્દિક વાયડા તથા અન્ય ગૌસેવકો સાથે મળીને કનૈયાધામ ગૌશાળાના સંચાલકો વિરુદ્ધ એનિમલ ક્રુઅલ્ટી એક્ટની જોગવાઈ મુજબનો ગુનો નોંધી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા દ્વારકા PIને ફરિયાદ દાખલ કરી છે. તમામ મૃતક ગૌવંશનું ખંભાળિયા તથા જામનગરની FSL ટીમ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, જે અંગેનો રિપોર્ટ ટૂંક સમયમાં આવશે.
ફરિયાદમાં જણાવ્યાનુસાર, કનૈયાધામ ગૌશાળાના સંચાલકો સાથે ટેલિફોનિક વાત કરી આ અંગે માહિતી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમના તરફથી ઉડાઉ તથા બેદરકારીભર્યા જવાબ આપવામાં આવ્યા હતા. સંચાલકોના બેદરકારીભર્યા વલણને કારણે હાલ નિર્દોષ અને અબોલ પશુને જાનહાનિ થઈ છે, સાથે જ 15 જેટલા ગૌવંશ ભૂખમરાને કારણે મૃત્યુ પામ્યા છે એવું ફરિયાદમાં જણાવ્યું છે.