સુરતના સરથાણા વિસ્તારમાં થોડા દિવસ પહેલા રમકડાના વેપારીને માર મારી 20 હજારની લૂંટ ચલાવી બાઇક પર ટ્રિપલ સવારીમાં લૂંટારા ભાગી ગયા હતા. જ્યારે ત્રણેય લૂંટારૂ જતા જતા રસ્તામાં 500ની બે નોટ ફેંકી ગયા હતા. પોલીસે સગીર સહિત 3ને દબોચી લીધા હતા.
સરથાણા પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે સરથાણા, શ્યામધામ ચોક ખાતે પરમેશ્વર સોસાયટીમાં રહેતા નિલેશ તુલસીભાઇ કથીરીયા (ઉ.વ. 27, મૂળ નોંધણવદર ગામ, પાલિતાણા, ભાવનગર) ઓનલાઇન રમકડાનું વેચાણ કરે છે. ગત 31 જુલાઈના રોજ નિલેશ ઘરેથી સરથાણા કેનાલ રોડ, નારાયણનગર ગોડાઉન ખાતે જવા પગપાળા નીકળ્યો હતો.
પોલીસે વધુમાં જણાવ્યા અનુસાર મળસ્કે સવા ચાર વાગ્યે બાપા સીતારામ ચોક, સિલ્વર બિઝનેસ હબ પાસે બાઈક પર ટ્રિપલ સવારી યુવકોએ નિલેશને “ઊભો રે ઊભો રે” કહી પકડવાની કોશિશ કરી હતી. નિલેશ ભાગીને સિલ્વર બિઝનેસ હબના વોચમેન પાસે પહોંચી ગયો હતો. બાઈક પર બેસેલા બે યુવકોએ તેના તરફ ધસી આવી મોબાઈલની માગ કરી હતી.
નિલેશના ખિસ્સા ચેક કરી ઢીકાપાટુનો માર મારી રોકડા રૂપિયા 20 હજાર લૂંટી બાઈક પર બેસી યોગીચોક તરફ ભાગી છૂટ્યા હતા. ત્યારબાદ રસ્તામાં 500ના દરની બે નોટ ફેંકી જતા નિલેશે તે નોટ લઈ લીધી હતી. નિલેશ કથીરિયાની ફરિયાદના આધારે સરથાણા પોલીસે 3 સામે લૂંટનો ગુનો નોંધ્યો હતો. આ કેસમાં સરથાણા પોલીસે નિકુંજ શંભુભાઈ ગોળકિયા (ઉં.વ. 27, તિરુપતિ સોસાયટી, યોગીચોક, સરથાણા- મૂળ સિહોર, ભાવનગર) અને સગીરને પકડી પાડ્યો હતો. જ્યારે ત્રીજા આરોપી રવિ રવજી ગોહિલ (ઉં.વ. 22, રહે. જનતા સોસાયટી પાસે, લંબે હનુમાન રોડ, કાપોદ્રા- મૂળ દામનગર, અમરેલી)ને કાપોદ્રા રચના સર્કલ
પાસેથી એસઓજીએ પકડી પાડ્યો હતો. એસઓજીએ આ ત્રણેય આરોપીની વધુ તપાસ માટે ધરપકડ કરી છે.