જામનગરના કાલાવડ તાલુકાના આણઁદપર ગામમાં રહેતી યુવતી જામનગર શહેરમાં રહેતા તેમના માસીના ઘરે રોકાવા માટે આવ્યા બાદ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે.
આ બનાવની વિગત એવી છે કે, મૂળ કાલાવડ તાલુકાના આણંદપર ગામમાં રહેતી પૂનમબા જયેન્દ્રસિંહ જાડેજા નામની 22 વર્ષીય અપરણીત યુવતી જામનગરના મોમાઈનગર વિસ્તારમાં શેરી નંબર 4 માં રહેતા પોતાના માસી રંજનબાના ઘેર રોકાવા માટે આવી હતી. દરમિયાન તેણીએ ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર ઉપરના રૂમમાં સીલીંગ ફેનમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. આથી તેણીને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, ત્યાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા જયેન્દ્રસિંહ કેશુભા જાડેજાએ જામનગર દોડી આવી, પોલીસને જાણ કરી હતી આથી સીટી બી. ડિવિઝનના પી.એસ.આઈ. કે. એન. જાડેજાએ મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ માર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.