હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે વરસાદની આગાહી આપવામાં આવી છે. જેમાં આવતીકાલથી (21 ઓગસ્ટ) રાજ્યના દક્ષિણ ભાગમાં ભારે વરસાદની શક્યતાઓ છે. હાલમાં મેઘરાજાએ ગુજરાતમાં વિરમ લીધો છે. કારણ કે, પવનોની દિશા બદલાઈ છે, જેને કારણે તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. આ ઉપરાંત આવનારા સપ્તાહથી ગુજરાતમાં ફરી એક વખત ચોમાસુ જામશે, તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તેમાં પણ આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતના દક્ષીણ ભાગ સિવાય સમગ્ર રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત્ છે. ત્યારબાદ છઠ્ઠા દિવસથી એટલે કે, 25 અને 26 ઓગસ્ટથી રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગ દ્વારા આવતીકાલને 21 ઓગસ્ટના રોજ ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલા જિલ્લાઓ જેવા કે, નવસારી, વલસાડ, દમણ અને દાદરાને નગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ સાથે જ યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. તદુપરાંત હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા મુજબ, આગામી સાત દિવસ બાદ રાજ્યના ઉત્તર અને મધ્ય ભાગમાં પણ સારા વરસાદની સંભાવના છે. ઓગસ્ટ મહિનાના અંતમાં ગુજરાતમાં મેઘરાજા ફરી એક વખત વરસી શકે છે. હાલમાં ગુજરાત રાજ્ય ઉપર આવતા પવનોની દિશા બદલાઈ હોવાને કારણે તાપમાન વધુ અનુભવાય રહ્યું છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે. પરંતુ જો પવનની દિશા ફરી એક વખત ચોમાસાની ઋતુમાં હોય તેવી થાય તો વાતાવરણમાં તાપમાનનું પ્રમાણ ઓછું થશે.
હાલમાં ગુજરાત રાજ્ય ઉપર આવતા પવનોની દિશા ઉત્તર પશ્ચિમ તરફથી છે, પરંતુ જો પવનની દિશા બદલાઈને દક્ષિણ પશ્ચિમની થાય તો અરબ સાગર તરફના ભેજ ગુજરાત ઉપર ખેંચાઈ આવશે, જેને કારણે વરસાદ વરસી શકે છે. પણતુ હાલમાં તો આગામી સાત દિવસ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહિવતે પ્રમાણમાં છે. આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં અને ત્યારબાદ 25 અને 26 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાતના બે જિલ્લાઓ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.
અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો સતત ત્રણ દિવસથી અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાઈ રહ્યું છે. ત્યારે આજે પણ અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. આ સાથે જ છુટાછવાય વાદળો પણ અમદાવાદના આકાશમાં દેખાઈ શકે છે, જેને કારણે બફારાનો અનુભવ રહેશે.