શીતલ દેવી કમ્પાઉન્ડ તીરંદાજીમાં એશિયન પેરા ગેમ્સ ચેમ્પિયન છે. તેમણે અનેક મેડલ અને રેકોર્ડ બનાવ્યા છે. આ ખેલાડી હાથ વગર પોતાના પ્રદર્શનથી સૌ કોઈને ચોંકાવી દે છે. તો જાણો કોણ છે પેરાલિમ્પિક ખેલાડી શીતલ દેવી.
તકદીર તો એની પણ હોય છે, જેના હાથ નથી હોતા. આ પંક્તિ આ ખેલાડી પર ખુબ સાચી નિવડી છે. શીતલ દેવી હાથ વગર પણ તીરંદાજમાં ભારતને અનેક મેડલ જીતાડી ચૂકી છે.
ગોલ્ડન ગર્લ શીતલ દેવી જમ્મુ -કાશ્મીરના કિશ્તવાડની રહેવાસી છે. 17 વર્ષની શીતલે ચીનમાં રમાયેલી એશિયન પેરા રમતમાં 2 ગોલ્ડ મેડલ સહિત 3 મેડલ જીતી ઈતિહાસ રચી દીધો હતો.શીતલ ફોકોમેલિયા નામની બીમારીથી પીડિત છે. આ રોગમાં અંગોનો સંપૂર્ણ વિકાસ થતો નથી.
તેણે 2021થી તીરંદાજી શરૂ કરી. શીતલ બંને હાથ વગર દાંત અને પગ વડે તીરંદાજીની પ્રેક્ટિસ કરતી હતી. આવું કરનાર તે પ્રથમ ભારતીય ખેલાડી બની હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધામાં ભાગ લેનારી તે પ્રથમ તીરંદાજ પણ છે.
પેરા તીરંદાજ શીતલ દેવીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. શીતલ દેશની પહેલી એવી મહિલા તીરંદાજ છે જેને હાથ નથી. શીતલનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો. શીતલના પિતા ખેડૂત છે અને માતા ગ્રુહિણી છે. શીતલને જન્મથી જ બંન્ને હાત નથી, જેના કારણે તેનું જીવન ખુબ જ સંઘર્ષભર્યું રહ્યું છે.
તમને જણાવી દઈએ કે, પેરિસ ઓલિમ્પિક 2024 બાદ હવે 28 ઓગસ્ટથી પેરિસ પેરાલિમ્પિક્સ 2024 શરુ થશે. જે 8 સપ્ટેમ્બર સુધી ચાલશે. જેમાં ભારતના 84 પેરા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.