News Updates
NATIONAL

CPI(M) મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન:પરિવારજનોએ પાર્થિવદેહ હોસ્પિટલને ડોનેટ કર્યો,ન્યુમોનિયાને કારણે દિલ્હી એમ્સમાં દાખલ હતા

Spread the love

કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી)ના મહાસચિવ સીતારામ યેચુરીનું 72 વર્ષની વયે નિધન થયું છે. 19 ઓગસ્ટના રોજ ન્યુમોનિયાને કારણે તેમને દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. 25 દિવસથી તેમની સારવાર ચાલી રહી હતી.

CPI(M) દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘ સીતારામ યેચુરીને શ્વાસનળીમાં ગંભીર ઈન્ફેક્શન થયું હતું. ડોક્ટરોની ટીમ તેમની સારવાર કરી રહી હતી. સારવાર દરમિયાન આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે.

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, તેમને 19 ઓગસ્ટના રોજ ભારે તાવ આવતાં એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. યેચુરીએ થોડા દિવસો પહેલા જ મોતિયાનું ઓપરેશન પણ કરાવ્યું હતું. પરિવારજનોએ યેચુરીનો પાર્થિવદેહ દિલ્હી એમ્સને ડોનેટ કર્યો છે.

સીતારામ યેચુરીના નિધન પર દુઃખ વ્યક્ત કરતા રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કર્યું કે સીતારામ યેચુરી જી મારા મિત્ર હતા. તેઓ ભારતના વિચારના રક્ષક અને આપણા દેશને સારી રીતે સમજતા હતા. અમારી વચ્ચેની લાંબી ચર્ચાઓ મને યાદ રહેશે. દુઃખની આ ઘડીમાં તેમના પરિવાર, અને મિત્રો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદનાઓ.

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ X પર પોસ્ટ કર્યું કે સીતારામ યેચુરીના નિધનથી દુઃખ થયું છે. તેઓ એક અનુભવી સંસદસભ્ય હતા અને તેમના નિધનથી રાષ્ટ્રીય રાજકારણની ખોટ પડી છે. હું તેમના પરિવાર, મિત્રો અને સહકર્મીઓ પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.

યેચુરી, જ્યારે AIIMSમાં દાખલ હતા, ત્યારે પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યને 22 ઓગસ્ટના રોજ તેમના નિધન પર શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે 6 મિનિટ 15 સેકન્ડના વીડિયો સંદેશમાં કહ્યું હતું કે, ‘એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે મારે બુદ્ધદા પ્રત્યે મારી લાગણી વ્યક્ત કરવી પડી અને એઈમ્સમાંથી જ લાલ સલામ કહેવું પડી રહ્યું છે.’

23 ઓગસ્ટના રોજ, યેચુરીએ જમ્મુ અને કાશ્મીરમાં સીપીએમ, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ વચ્ચેના ગઠબંધન અંગે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી હતી. 29 ઓગસ્ટના રોજ, તેમણે X પર અબ્દુલ ગફૂર નૂરાનીના નિધન પર શોક સંદેશ પોસ્ટ કર્યો હતો.

યેચુરી 1974માં સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI)માં જોડાયા હતા. એક વર્ષ બાદ તેઓ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી)માં જોડાયા. ઈમરજન્સી બાદ તેઓ એક વર્ષ (1977-78) દરમિયાન ત્રણ વખત JNU વિદ્યાર્થી સંઘના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તેઓ SFIના પહેલા પ્રમુખ હતા જે કેરળ કે બંગાળના ન હતા.

યેચુરી 1984માં CPI(M)ની સેન્ટ્રલ કમિટીમાં ચૂંટાયા હતા. તેમણે 1986માં SFI છોડી દીધી હતી. ત્યારબાદ તેઓ 1992માં ચૌદમી કોંગ્રેસમાં પોલિટબ્યુરોમાં ચૂંટાયા હતા. યેચુરી જુલાઈ 2005માં પશ્ચિમ બંગાળમાંથી રાજ્યસભા માટે ચૂંટાયા હતા.

તેઓ 19 એપ્રિલ 2015ના રોજ CPI(M)ના પાંચમા મહાસચિવ તરીકે ચૂંટાયા હતા. એપ્રિલ 2018 માં તેઓ ફરીથી CPI(M) ના મહાસચિવ તરીકે ચૂંટાયા. એપ્રિલ 2022માં, યેચુરીએ ત્રીજી વખત CPI(M)ના જનરલ સેક્રેટરી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.

સીતારામ યેચુરીનો જન્મ 12 ઓગસ્ટ, 1952ના રોજ ચેન્નાઈમાં થયો હતો. તેઓ હૈદરાબાદમાં ઉછર્યા અને દસમા ધોરણ સુધી ઓલ સેન્ટ્સ હાઈસ્કૂલમાં ભણ્યા હતા. તેઓ 1969ના તેલંગાણા આંદોલન દરમિયાન દિલ્હી પહોંચ્યા હતા.

યેચુરીએ દિલ્હીની પ્રેસિડેન્ટ એસ્ટેટ સ્કૂલમાં એડમિશન લીધું અને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) હાયર સેકન્ડરી પરીક્ષામાં ઓલ ઈન્ડિયા રેન્ક વન મેળવ્યો હતો. તેમણે સેન્ટ સ્ટીફન્સ કોલેજ, દિલ્હીમાંથી પ્રથમ ક્રમાંક સાથે અર્થશાસ્ત્રમાં બીએ કર્યું હતું.

ત્યારબાદ તેમણે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માંથી અર્થશાસ્ત્રમાં MA કર્યું. તેમણે પીએચડી માટે જેએનયુમાં એડમિશન લીધું હતું. જો કે, 1975માં ઈમરજન્સી દરમિયાન તેમની ધરપકડને કારણે તેઓ તેને પૂર્ણ કરી શક્યા નહીં.

યેચુરીના પત્ની સીમા ચિશ્તી પત્રકાર છે. યેચુરીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમના પત્ની તેમને આર્થિક મદદ કરે છે. તેમના પ્રથમ લગ્ન વીણા મજુમદારની પુત્રી ઈન્દ્રાણી મજમુદાર સાથે થયા હતા. આ લગ્નથી તેમને એક પુત્રી અને એક પુત્ર છે. યેચુરીના પુત્ર આશિષનું 22 એપ્રિલ, 2021ના રોજ 34 વર્ષની વયે કોરોનાને કારણે નિધન થયું હતું.


Spread the love

Related posts

મોદી સરકાર ફરી કંઈક મોટું કરવા જઈ રહી છે ઓગસ્ટમાં:કલમ 370, રામમંદિર અને હવે વકફ બોર્ડ

Team News Updates

 Banaskantha:મૃત્યુઆંક 4 પર પહોંચ્યો, કોલેરાથી  વધુ એકનું મોત પાલનપુરમાં

Team News Updates

National:અસુરક્ષિત હવે શાળામાં પણ બાળકીઓ,યૌનશોષણ થાણેમાં બે બાળકી સાથે લોકોનો ગુસ્સો ભડક્યો; બદલાપુર રેલવે સ્ટેશન ઘેર્યું

Team News Updates