અમદાવાદમાં એક દીકરીએ સાસરિયાના લાખો રૂપિયાના દહેજની લાલચે આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે અને સમગ્ર મામલે હવે પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણા અને દહેજ અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
શહેરના વટવા ગામમાં રહેતા શંકરભાઈ વેગડાએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં જમાઇ સતિષ વાઘેલા, સાસરિયામાં રેખા વાઘેલા, નટવર ચૌહાણ અને કાંતા ચૌહાણ વિરૂદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા અને દહેજની ફરિયાદ કરી છે. શંકરભાઈની દીકરી ગાયત્રીએ એક વર્ષ પહેલાં મજૂરગામમાં રહેતા સતિષ વાઘેલા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.
ગાયત્રીની વર્ષ 2022માં સગાઇ થઇ હતી અને થોડા સમય પછી લગ્ન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ શંકરભાઇની આર્થિક પરિસ્થિતિ સારીના હોવાથી સમયસર ગાયત્રીના લગ્ન કરી શક્યા નહી. બાદમાં ગાયત્રી અને સતિષે ફેબ્રુઆરી 2023માં કોર્ટ મેરેજ કરી લીધા હતા. કોર્ટ મેરેજ કરી લીધા બાદ ગાયત્રીએ તેના ઘરમાં જાણ કરી નહીં, પરંતુ જ્યારે જાણ થઇ ત્યારે તે સાસરીમાં રહેવા માટે જતી રહી હતી. સાતેક મહિના પહેલાં ગાયત્રી સાસરીમાં રહેવા માટે ગઇ હતી. કોર્ટ મેરેજના મુદ્દે શંકરભાઇની ગાયત્રીના સાસરીપક્ષના લોકો સાથે બોલાચાલી પણ થઇ હતી.
27 મે 2024ના રોજ ગાયત્રી અને સતિષના સમાજના રીતરીવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્ન થયા ત્યારે સતિષના પરિવારે ગાયત્રીના પરિવારના કોઇપણ સભ્યને આંમત્રણ આપ્યુ હતું નહી. જ્યારથી ગાયત્રી તેની સાસરીમાં ગઇ છે ત્યારથી તે પિયરમાં આવી ન હતી અને શંકરભાઇ સહિતનો પરિવાર તેના ઘરે ગયો હતો નહી. ગાયત્રી જ્યારે સાસરીમાં ગઇ તેના બે મહિના સુધી સાસરીયાઓ તેને સારી રીતે રાખતા હતાં. પરંતુ બાદમાં તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
ગાયત્રી જ્યારે પણ તેના પિતા શંકરભાઇને ફોન કરે ત્યારે તે રડતી હતી અને કહેતી હતી કે તેના મામા સસરા તેમના ઘરનો વહીવટ કરે છે. સતિષ અને સાસુ પણ તે કહે તે પ્રમાણે કરે છે. જ્યારે તેઓ અવારનવાર દહેજની માંગણી કરીને મેણાંટોણાં મારીને શારિરીક તેમજ માનસિક ત્રાસ આપે છે. સતિષ તેમજ સાસુ, મામા સસરા અને મામી સાસુ બધા ભેગા મળીને ગાયત્રીને ઠપકો આપતા હતા કે, તારા બાપાએ લગ્નમાં કોઇ ખર્ચો કર્યો નથી, તારા બાપના ઘરેથી રૂપીયા 10 લાખ મંગાવી લે તેમ કહીને હેરાન પરેશાન કરતા હતાં.
16 સપ્ટેમ્બરના રોજ શંકરભાઇ ઘરે હતા ત્યારે તેમના મોબાઇલ પર અશોકભાઇનો ફોન આવ્યો હતો અને કહેવા લાગ્યા હતાકે તમારી દીકરીએ ગળે ફાંસો ખાઇ લીધો છે. દીકરીના સમાચારા મળતાની સાથે જ શંકરભાઇ એલ.જી હોસ્પિટલ પહોચી ગયા હતા. જ્યાં ગાયત્રીની લાશ જોતાની સાથે જ પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. ગાયત્રીના ગળામાં નીશાન હતા. જ્યારે તેના સાસરીનો એકપણ સભ્ય હાજર હતો નહી. ગાયત્રીએ સાસરીયાના ત્રાસથી ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હોવાનું આસપાસના લોકો દ્વારા જાણવા મળ્યું હતું. ગાયત્રીની લાશને પોસ્ટમોર્ટમ માટે વી.એસ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જ્યાં સતિષ સહિતના સાસરીયા આવી પહોચ્યાં હતાં. ગાયત્રીના અંતિમસંસ્કાર થઇ ગયા બાદ શંકરભાઇએ ગઇકાલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. કાગડાપીઠ પોલીસે આ મામલે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો તેમજ દહેજનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.