રાજકોટ AIIMSમાં માત્ર OPD જ નહી પરંતુ, 250 બેડની ઈન્ડોર સુવિધા સાથે ટર્શરી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. પ્રવર્તમાન સમયમાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે AIIMS ખાતે ઈજાગ્રસ્ત લોકો માટે 24 કલાક ઇમર્જન્સી વિભાગ કાર્યરત છે. અહીં ટ્રોમા ઇમર્જન્સી કેસ અને ખાસ કરીને હાડકાને લગતા કેસમાં સારવાર આપવામા આવે છે. ઓર્થોપેડિક સર્જરી વિભાગમાં દૈનિક 250 સહિત અત્યારસુધીમાં 22,000 દર્દીઓનું નિદાન થઈ ચૂક્યું છે..ફેમોરલ હેડના જાયન્ટ સેલ ટ્યુમરની સર્જરી સાથે હાડકાના કેન્સરની સારવાર તાજેતરમાં જ શરૂ કરવામાં આવી છે.
AIIMSના ડિરેક્ટર ડો. સી.ડી.એસ. કટોચે ઇન્ડોર વિભાગમાં ઓર્થોપેડિકસ, આંખ કાન નાક ગળા, ગાયનેક સહિતના વિવિધ વિભાગ કાર્યરત હોવાનું જણાવ્યું છે. જેમાં ખાસ કરીને હાડકાના વિભાગ અંગે તેઓએ જણાવ્યું છે કે, ઓર્થોપેડિક સર્જરી વિભાગ રાજકોટ ખાતે ડિસેમ્બર 2021થી કાર્યરત થયો છે. અહીં હાડકા અને સાંધા સંબંધિત તકલીફો અર્થે સેવાઓ આપવામાં આવી રહી છે. જેનો રોજના 250થી વધુ દર્દીઓ લાભ લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 22,193 જેટલા દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું છે .જયારે ઇન્ડોર વિભાગનો પ્રારંભ સાથે એઇમ્સ ખાતે સ્પોર્ટ્સ ઇન્જરી, ઓર્થોપેડિક ટ્રોમા, પેડિયાટ્રિક ઓર્થોપેડિક્સ, આર્થ્રોપ્લાસ્ટી અને ઓર્થોઓન્કોલોજીના ક્ષેત્રમાં હાલ સુવિધાઓ વિકસાવી રહ્યા હોવાનું ડિરેક્ટરે જણાવ્યું છે.
ઓર્થોપેડિક્સ વિભાગે ઓન્કોલોજી સંબંધિત સારવારની સફળ શરૂઆત સાથે વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં, અસ્થિ/સોફ્ટ ટિશ્યુ ટ્યુમરના અસંખ્ય કેસોની સારવાર અને ફોલોઅપ કરવામાં આવ્યું છે. તાજેતરમાં ફેમોરલ હેડના જાયન્ટ સેલ ટ્યુમરના એક દુર્લભ કેસમાં આઉટ ઓફ ધ બોક્સ અભિગમનો ઉપયોગ કરીને ઓપરેશન કરવામાં આવ્યું હોવાનું છે. આ સાથે દર્દીઓને અત્યાધુનિક કેન્સર કેર ઓફર કરવાની દિશામાં વધુ એક પગલું આગળ ભર્યું હોવાનું ડિરેક્ટરે ઉમેર્યું છે. અત્યાર સુધીમાં ગોઠણ અને થાપાના રિપ્લેસમેન્ટના 270 જેટલા ઓપરેશન કરવામાં આવ્યા છે .તબીબી સારવાર સાથોસાથ એઇમ્સ મેડિકલ કોલેજના અંડર ગ્રેજ્યુએટ તેમજ અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે ફેલોશીપ અર્થે ખાસ ઓર્થોપેડિક્સ શિક્ષણ પ્રોગ્રામ ચાલી રહ્યા છે. આગામી સમયમાં ઓર્થોપેડિકસ વિભાગ ક્રિટિકલ સેવાઓના વિસ્તરણ સાથે ઉત્કૃષ્ટ સારવાર પૂરી પાડવા માટે ગતિશીલ હોવાનું ડો. કટોચે જણાવ્યું છે.