દક્ષિણ ગુજરાત સિવાયના રાજ્યભરના તમામ જિલ્લાઓમાંથી ચોમાસાએ વિદાય લીધી છે પરંતુ, હવામાન વિભાગે આજે આગાહી કરી છે કે, બપોર સુધીમાં સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદી ઝાપટા વર્ષે શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચોમાસાએ ગત 5 ઓક્ટોબરના રોજ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાંથી વિદાય લઈ લીધી છે ત્યારે જો વરસાદ વરસે તો તે વરસાદ હશે પરંતુ, તેનાથી ખેતી કે પાક ઉપર કોઈ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી નથી. એક તરફ ગુજરાતવાસીઓ દિવસ દરમિયાન ગરમીથી ત્રસ્ત થઈ રહ્યા છે ત્યારે બીજી તરફ હવામાન વિભાગે હળવા વરસાદી જ આપવાની આગાહી કરી છે.
છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાત રાજ્યભરમાં મોટાભાગના જિલ્લાઓનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં એકાદ ડિગ્રી સેલ્સિયસ ઓછું નોંધાયું હતું. આ ઉપરાંત આજે પણ મહત્તમ તાપમાન સામાન્ય રહેવાની શક્યતાઓ છે ત્યાં બીજી તરફ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેને કારણે મહત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, દીવ, જુનાગઢ, રાજકોટ, બોટાદ અને પોરબંદરમાં બપોર સુધીમાં હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે. જો આમ બન્યું તો આજે નવરાત્રીના પાંચમા નોરતે ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે છે કારણ કે, હળવે વરસાદને કારણે પણ ગરબાના મેદાનમાં કાદવ- કિચડ થઈ શકે છે.