શુક્રવારે રમાયેલી T-20 વર્લ્ડ કપની મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને નવ વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની આ સતત ત્રીજી જીત છે અને આ સાથે તેના છ પોઈન્ટ થઈ ગયા છે. તે સેમિફાઈનલ માટે ક્વોલિફાય થવાની પ્રબળ દાવેદાર બની ગઈ છે. ઓસ્ટ્રેલિયાની છેલ્લી મેચ ભારત સામે છે. આ સાથે જ પાકિસ્તાન આ હાર સાથે ટુર્નામેન્ટમાંથી લગભગ બહાર થઈ ગયું છે.
પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ 19.5 ઓવરમાં 82 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાએ 1 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો. કેપ્ટન એલિસા હીલી 37 રન બનાવીને રિટાયર્ડ હર્ટ થઈ ગઈ. જ્યારે એલિસા પેરી 22 રન બનાવીને અણનમ રહી હતી.
પાકિસ્તાનના માત્ર ચાર બેટર્સ જ બે અંક સુધી પહોંચી શક્યા. પાકિસ્તાનની પ્રથમ વિકેટ 3.4 ઓવરમાં પડી હતી. ઓપનર મુનીબા અલી 13ના સ્કોર પર પેવેલિયન પરત ફરી હતી. જે બાદ સાદબ સમાસ પણ 18 રન બનાવી આઉટ થઈ હતી. પાકિસ્તાની ટીમ 6 ઓવરમાં એક પણ બાઉન્ડરી ફટકારી શકી નહોતી. પાકિસ્તાનની અડધી ટીમ 39 રન પર પેવેલિયન પરત ફરી હતી. માત્ર સિદ્રા અમીન (12 રન), નિદા દાર (10) અને ઇરમ જાવેદ (12) જ ડબલ ડિજિટ સ્કોર સુધી પહોંચી શકી.
એશ્લે ગાર્ડનરે 4 ઓવરમાં 19 રન આપીને 4 વિકેટ લીધી હતી જ્યારે એનાબેલ સધરલેન્ડ અને જ્યોર્જિયા વેરહેમે બે-બે વિકેટ લીધી હતી.
પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સના પિતાના અવસાનના કારણે પાકિસ્તાન પરત ફરી પાકિસ્તાનની નિયમિત કેપ્ટન ફાતિમા સનાને તેના પિતાના અવસાનના કારણે કરાચી પરત ફરવું પડ્યું હતું, જ્યારે ડાયના બેગ પ્રથમ મેચમાં થયેલી ઈજાને કારણે બહાર છે.
ગ્રૂપ-Aમાંથી ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલમાં પહોંચશે તે લગભગ નિશ્ચિત છે. બીજી ટીમ માટે ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે મુકાબલો છે. ટીમ ઈન્ડિયાના 3 મેચમાં 4 પોઈન્ટ છે અને તેનો નેટ રન +0.576 છે. ભારતની આગામી મેચ ઓસ્ટ્રેલિયા સામે છે. જો ભારત આ મેચ હારી જશે તો તેના માટે સેમિફાઈનલમાં પહોંચવું મુશ્કેલ થઈ જશે.
ન્યૂઝીલેન્ડની બે મેચ છે. તેણે પાકિસ્તાન અને શ્રીલંકા સામે રમવાનું છે. જો ન્યૂઝીલેન્ડ બંને મેચ જીતી જશે તો સેમિફાઈનલમાં પહોંચવું આસાન થઈ જશે.
આ ગ્રૂપમાં પાકિસ્તાનની આશા ખતમ થઈ ગઈ છે. ટીમના 3 મેચમાંથી 1 જીત સાથે 2 પોઈન્ટ છે. પાકિસ્તાનની ન્યૂઝીલેન્ડ સામે મેચ છે. જો તે જીતે તો પ્રાર્થના કરવી પડશે કે આગામી મેચ ન્યૂઝીલેન્ડ હારે અને ભારત પણ ઓસ્ટ્રેલિયા સામે જીતે. બીજી સેમીફાઈનલ ટીમ રન રેટના આધારે નક્કી થશે. અત્યારે પાકિસ્તાનનો રન રેટ ભારત અને ન્યૂઝીલેન્ડ કરતા પણ ખરાબ છે.
જ્યારે ગ્રૂપ-Bમાં વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકાએ રમાયેલી 3 મેચમાંથી 2-2 જીત મેળવી છે અને ટોપ-2માં છે. ઇંગ્લેન્ડની ટીમે અત્યાર સુધી રમાયેલી બંને મેચ જીતી છે, પરંતુ નેટ રન રેટના કારણે તે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. સેમિફાઈનલમાં પહોંચવા માટે ત્રણેય ટીમ વચ્ચે રેસ ચાલી રહી છે.