ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારત A ટીમની જાહેરાત કરી છે. આ ટીમ ઓસ્ટ્રેલિયા A સામે 2 ફર્સ્ટ ક્લાસ મેચ અને સિનિયર ભારતીય ટીમ સામે 3 ઈન્ટ્રા-સ્કવોડ મેચ રમશે. ઈશાન કિશન આ ટીમમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે.
આ વર્ષના અંતમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમાવાની છે. આ શ્રેણી પહેલા ભારતીય A ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ પ્રવાસ માટે ભારત A ટીમની જાહેરાત કરી છે. 27 વર્ષના યુવા ખેલાડીને આ ટીમની કમાન સોંપવામાં આવી છે. આ સાથે જ ઈશાન કિશન પણ પરત ફર્યો છે.
આ પ્રવાસમાં ભારત A ટીમે ઓસ્ટ્રેલિયા A સામે 2 ફર્સ્ટ ક્લાસ મેચ રમવાની છે. આ પછી આ ટીમ 1 ઈન્ટ્રા-સ્કવોડ મેચમાં પણ ટીમ ઈન્ડિયાનો સામનો કરશે. ઓસ્ટ્રેલિયા A વિરૂદ્ધ આ સિરીઝની પ્રથમ મેચ 31 ઓક્ટોબરથી મેકેમાં રમાશે. જ્યારે બીજી મેચ મેલબોર્નમાં 7 નવેમ્બરથી રમાશે.
BCCIએ મોટો નિર્ણય લેતા ઋતુરાજ ગાયકવાડને ઈન્ડિયા A ટીમનો કેપ્ટન બનાવ્યો છે. આ પહેલા ઋતુરાજ ગાયકવાડને ઈરાની કપ માટે રેસ્ટ ઓફ ઈન્ડિયા ટીમના કેપ્ટન તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો. ઋતુરાજનું તાજેતરનું પ્રદર્શન પણ ઘણું શાનદાર રહ્યું છે. તેણે રણજી ટ્રોફીમાં મુંબઈ સામે કેપ્ટન ઈનિંગ પણ રમી હતી. આ મેચમાં તેણે માત્ર 87 બોલમાં સદી ફટકારી હતી.
ઈશાન કિશનને તેની સારી રમતનું ઈનામ પણ મળ્યું છે. તાજેતરમાં, તેણે એક પછી એક ઘણી શાનદાર ઈનિંગ્સ રમી છે, જેના કારણે તે ઈન્ડિયા A ટીમમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યો છે.
ઈશાન કિશનને છેલ્લે 2023-24ના દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ તે પ્રવાસની વચ્ચે ભારત પરત ફર્યો હતો. આ પછી BCCIએ પણ તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દીધો હતો. આવી સ્થિતિમાં ભારત Aમાં આવવું તેના માટે સારા સમાચાર છે. હવે તેની નજર સિનિયર ટીમમાં જગ્યા બનાવવા પર છે.
ભારત A ટીમ : ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), અભિમન્યુ ઈશ્વરન (વાઈસ-કેપ્ટન), સાઈ સુદર્શન, નીતીશ કુમાર રેડ્ડી, દેવદત્ત પડિકલ, રિકી ભુઈ, બાબા ઈન્દ્રજીત, ઈશાન કિશન (વિકેટકીપર), અભિષેક પોરેલ (વિકેટકીપર), મુકેશ કુમાર, ખલીલ અહેમદ, યશ દિનલાલ, નવદીપ સૈની, માનવ સુથાર, તનુષ કોટિયન.