એર ઈન્ડિયા એક્સપ્રેસની દિલ્હી- સુરત ફ્લાઈટને રવિવારે રાત્રે સુરત એરપોર્ટ પર લેન્ડિંગ વખતે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ દિલ્હી એરપોર્ટથી ઉપડ્યા બાદ રાત્રે સુરત એરપોર્ટ પર પહોંચી હતી. જોકે, લેન્ડિંગના બે નિષ્ફળ પ્રયાસો પછી ત્રીજા પ્રયાસે સુરત એરપોર્ટ પર ઉતરી હતી. 30 મિનિટ સુધી આ ફલાઇટ આકાશમાં ફરતી રહી હતી.
મળતી માહિતી પ્રમાણે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX2750, જે સાંજે 7.50 વાગ્યે દિલ્હી એરપોર્ટથી ઉપડી હતી. ફ્લાઇટ રાત્રે 9.20 કલાકે સુરત એર સ્પેસમાં પ્રવેશી હતી. રન-વેની વેસુ બાજુથી પ્રારંભિક લેન્ડિંગના પ્રયાસને કારણે ટચ-એન્ડ-ગોની સ્થિતિ સર્જાઈ હતી, અગમ્ય કારણોસર ટચ ડાઉન કર્યા પછી તરત જ એરક્રાફ્ટ પાઈલોટને હવામાં પાછું લઇ જવું પડ્યું હતું. ત્યારબાદ એર ટ્રાફિક કંટ્રોલ તરફથી ડુમસ 4 રન-વે બાજુથી લેન્ડિંગ કરવા માટે ક્લિયરન્સ મળ્યા બાદ એરક્રાફ્ટે બીજો પ્રયાસ કર્યો હતો.
બીજા પ્રયાસ દરમિયાન વિમાન 500 ફૂટની ઉંચાઈ પરથી જ ફરીથી ઉડાન ભરી લેવી પડી અને આમ લેન્ડીંગનો બીજો પ્રયાસ પણ નિષ્ફળ ગયો હતો. સુરતના એરસ્પેસમાં લગભગ 30 મિનિટ ચક્કર લગાવ્યા અને અનેક આંટા ફેરા કર્યા પછી, એરક્રાફ્ટ 9.52 વાગ્યે સફળતાપૂર્વક લેન્ડ થયું હતું. હાલ તો આ મામલે કોઈ કારણ સામે આવ્યું નથી. જોકે અડચણ, એપ્રોચની અસ્થિરતા, પ્રતિકૂળ પવનની સ્થિતિ અને અન્ય ઓપરેશનલ પરિબળો પરિબળોને કારણે લેન્ડીંગ અટકી શકે છે.