જમ્મુ-કાશ્મીરમાં રહેવાનું બહારના લોકોનું સપનું પૂરું થશે. રાજ્ય બહારના લોકોને પ્રથમ વાર મકાન ફાળવાશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ના લોકોને 336 ફ્લેટની ફાળવણી કરવાની અરજીઓ સ્વીકારવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ મહિનના અંત સુધીમાં પહેલા તબક્કામાં 96 ફ્લેટની ફાળવણી કરાશે. દરેક ફ્લેટ 290 ચોરસફૂટના છે અને દર મહિના રૂ. 2200 ભાડું નક્કી કરાયું છે. શરૂઆતનાં 3 વર્ષ માટે ફાળવણી કરાશે, ત્યાર પછી સમય વધી શકે છે.
2020માં સરકારે 1 લાખ એફોર્ડેબલ મકાન બનાવવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતને પગલે 10 હજાર આવાસ બહારના લોકોને ફાળવવા માટે બનાવાશે. હાલમાં જમ્મુના પાંચ, જમ્મુના ચાર, સાંબાનો એક અને કાશ્મીરના ત્રણ, ગંદેરબલના બે અને બાંદીપોરાના એક સ્થળે એફોર્ડેબલ આવાસોનું નિર્માણ કરાશે. નોંધનીય છે કે, કલમ 370 હટાવ્યા પછી કેન્દ્રે રાજ્યમાં ઘણાં નિયમો બદલ્યા છે.
બહારના લોકોમાં આ લોકોનો સમાવેશ થશે
શ્રમિકો, શહેરી ગરીબો (ફેરિયા, રિક્ષાચાલક અને અન્ય કામદારો), મંડી અને દુકાનોમાં કામ કરનારા શ્રમિક, શૈક્ષણિક અને સ્વાસ્થ્ય સેવાઓમાં કામ કરનારા, લાંબા ગાળા માટે આવનારા પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને એ વર્ગમાં આવનારા અન્ય લોકો.