રાહુલ ગાંધીની રિવિઝન અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. કોંગ્રેસના નેતા બિમલ શાહ, હિંમતસિંહ પટેલ, વકીલ પંકજ ચાંપાનેરી કોર્ટ રૂમમાં ઉપસ્થિત છે. કોર્ટ રૂમમાં આજે અભિષેક મનુ સિંઘવી મોડા પહોંચ્યા હતા. પૂર્ણેશ મોદીના વકીલે દલીલો કરી હતી. ત્યાર બાદ રાહુલ ગાંધીના વકીલે દલીલો કરી હતી. જોકે રાહુલ ગાંધી સામેના બદનક્ષી કેસમાં કોર્ટનો ઓર્ડર વેકેશન બાદ આવી શકે છે.
રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સિંઘવી દ્વારા જુદા-જુદા કેસોના ચુકાદાઓ ટાંકવામા આવી રહ્યા છે. વડાપ્રધાનની અટક ‘મોદી’ છે, વડાપ્રધાનનું પદ ઊંચું છે, પણ એ આ ફરિયાદ કે કેસનો કોન્સેપ્ટ નથી. નીચલી કોર્ટના ચુકાદાના મુદ્દાઓને વન બાય વન સિંઘવી પડકારી રહ્યા છે. મોદી અટકના 13 કરોડ લોકોમાંથી કોઈ હર્ટ ન થયું, ફક્ત એક હાયપર સેન્સિટિવ વ્યક્તિ જ થઈ.
રાહુલ ગાંધીના ભાષણની પૂર્ણેશ મોદીના વકીલે દલીલ કરી
પૂર્ણેશ મોદીના વકીલ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ચોકીદાર નથી; દેશના પૈસા લૂંટે છે. નીરવ મોદી અને લલિત મોદી, વિજય માલ્યા અને મેહુલ ચોકસી પણ પૈસા લઈને ભાગી ગયા છે. 30 હજાર કરોડ લોકોના લૂંટી લીધા. મોદી…મોદી..મોદી… બધા મોદી કેમ?
વકીલે દલીલ કરી હતી કે રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે હું ગાંધી છું, સાવરકર નહીં, ગાંધી માફી માગશે નહીં. હું જેલ, ડિસ્ક્વોલિફિકેશનથી ડરતો નથી. તમે જેમ ફાવે એમ બોલવાથી ડરતા ન હોવ તો પછી અહીં આવવાની જરૂર નથી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રીએ રાફેલના સોદામાંથી પૈસા ચોર્યા છે. રાહુલ પબ્લિકમાં માફી નહીં માગવાનું કહે છે અને કોર્ટમાં પ્રાર્થના કરે છે, આ વિરોધાભાસી વર્તન છે. જ્યારે તમે(રાહુલ) જાહેરમાં કહો છો કે બધા મોદી ચોર છે ત્યારે વડાપ્રધાનની અટક પણ મોદી છે. લોકોની સામે તમે વડાપ્રધાનને બદનામ કરો છો.
રાહુલે સુરતની નીચલી કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો છે
રાહુલ ગાંધીએ ‘મોદી’ અટક બદનક્ષી કેસમાં સુરતની નીચલી અદાલતના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો છે. હાઇકોર્ટનાં જજ ગીતા ગોપીએ રાહુલની રિવિઝન અરજીને ‘નોટ બિફોર મી’ કહેતાં આ કેસ હવે જજ હેમંત પ્રચ્છકની કોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યારે ગત સુનાવણીમાં રાહુલ ગાંધી તરફથી સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવી ઉપસ્થિત રહ્યા હતા. ગત સુનાવણીમાં હાઇકોર્ટે પૂર્ણેશ મોદીને એફિડેવિટ ફાઈલ કરવા કહ્યું હતું. આજે આ સોગંદનામાના આધારે વધુ દલીલો થઈ શકે છે. ત્યાર બાદ હાઇકોર્ટનો નિર્ણય આવવાની શક્યતા છે.
ગત સુનાવણીમાં 3 કલાક દલીલો ચાલી
અભિષેક મનુ સિંઘવીએ નીચલી કોર્ટના ચુકાદા પર સ્ટે આપવાની માગણી સાથે ધારદાર દલીલો કરતાં કહ્યું હતું કે તેમના અસીલ પરનો કેસ ક્રિમિનલ નહીં, પરંતુ સિવિલ કક્ષાનો છે, જેમાં 6 મહિનાથી વધુ સજાની કાયદામાં જોગવાઈ નથી. ફરિયાદી ઘટનાસ્થળે ઉપસ્થિત પણ નહોતા. રાહુલને 2 વર્ષની સજાથી સંસદસભ્ય પદ રદ થતાં તેમના મતવિસ્તારના પ્રશ્નો તેઓ સંસદમાં ઉપાડી શકતા નથી, જે તેમના મત વિસ્તારના લોકો સાથે પણ અન્યાય છે. આ દલીલો 3 કલાક જેટલો સમય ચાલી હતી.
ગત સુનાવણીમાં સિંઘવીએ મુદ્દાવાર રજૂઆત કરી
જસ્ટિસ હેમંત પ્રચ્છક સમક્ષ અભિષેક મનુ સિંઘવીએ વિવિધ મુદ્દાઓ કર્યા રજૂ હતા, જેમાં વ્હોટ્સએપ કટિંગના આધારે ગુનો ન બને. પેઈનડ્રાઈવ રજૂ કરાઈ હતી, એનો ફરિયાદમાં ઉલ્લેખ નથી. રેકોર્ડિંગને સમર્થન માટે 65-B સર્ટિફિકેટ પણ નથી. CD રજૂ કરાઈ એની પણ રોચક કહાની છે, 2019થી 2021 સુધી સીડીનો કોઈ ઉલ્લેખ નહોતો, 2021માં અચાનક સીડી રજૂ કરાઈ. યાજી નામની વ્યક્તિ, જેમણે પોતાને પૂર્ણેશ મોદીની નજીકના અને ભાજપના કાર્યકર્તા ગણાવ્યા હતા. યાજીનું નામ ફરિયાદમાં પણ નથી અને 2 વર્ષ પછી પ્રકટ થયા. ફરિયાદ બાદ કોઈ પુરાવા અંગે કોઈ જ તપાસ ન થઈ.
અન્ય MP, MLA કેસોની પણ ઉલ્લેખ કરાયો
નવજોત સિંહ સિદ્ધુના કેસનું ઉદાહરણ પણ અહીં ટાંકવામાં આવ્યું હતું. 302ના નવજોત સિદ્ધુના કેસમાં તેમની સજાને પણ માફ કરવામાં આવી હોવાની રાહુલ ગાંધીના વકીલની રજૂઆત હતી. નિવેદન એ સોસાયટી એટ લાર્જ નથી. 399 હેઠળના ઘણા કેસોમાં સજા પર સ્ટે આપ્યા છે, અન્ય MP, MLA કેસોના ડિસ્કવોલિફિકેશન વિશે સિંઘવીએ દલીલ કરી હતી. લક્ષદ્વીપના સાંસદ નાઝિર મોહમ્મદના કેસનું પણ ઉદાહરણ આપવામાં આવ્યું હતું.
રાહુલ ગાંધીના મતવિસ્તાર સાથે અન્યાય
332 એવા ગંભીર કેસ છે, જેમાં જનતાના આ સેવક પર થયેલા છે, જેમાં સ્ટે આપવામાં આવ્યો છે. 23 માર્ચ 2023ના રોજ સજા સંભાળવવામાં આવી અને 24 માર્ચે સાંસદપદ રદ કરી દેવામાં આવ્યું હતું. આ કેસ કોઈ ગંભીર કેસ નથી. અન્ય કેસોમાં સજા આપ્યા બાદ પણ ડિસ્ક્વોલિફાઈ નથી થતું. રાહુલ ગાંધી ડિસ્ક્વોલિફાઈ થતાં તેમના મતવિસ્તારના પ્રશ્નો તેઓ સાંસદમાં ઉપાડી શકતા એ તેમના મતવિસ્તાર સાથે અન્યાય છે.
1-2 વર્ષની સજા ન હોઈ શકે- બચાવ પક્ષની દલીલ
સિંઘવીએ દલીલ કરી હતી કે આવા કેસોમાં કન્વિક્શન પર 3થી 6 મહિનાની સજા હોઈ શકે, પરંતુ 1-2 વર્ષની સજા ન હોઇ શકે. પ્રથમવારના ગુનામાં 2 વર્ષની સજા ન હોઈ શકે. સજા પર સ્ટે ન મળે તો અરજદારની રાજકીય કારકિર્દી ખતમ થઈ શકે છે.
કરિયરનાં 8 વર્ષ બગડી શકે એમ છે- સિંઘવી
સિંઘવીએ દલીલ કરી હતી કે મારો કેસ નૈતિક ક્ષતિ કે ગંભીર શ્રેણીમાં આવે એવું કોઈ સૂચવી શકે નહીં. વાસ્તવમાં મારો કેસ જામીનપાત્ર છે અને એ મોટા ભાગે સમાજ વિરુદ્ધ નથી. ટ્રાયલ કોર્ટ દ્વારા નિર્ભર તમામ કેસો સમાજ સામેના ગુના છે છતાં અદાલતોએ ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 389 હેઠળ સત્તાનો ઉપયોગ કર્યો છે. ભારતીય દંડસહિતાની કલમ 499 મુજબ કોઈ વ્યક્તિ પર વ્યક્તિ ફરિયાદ ન કરી શકે. જેને દુઃખ લાગ્યું હોય, જેની લાગણી દુભાઈ હોય તે જ ફરિયાદ કરી શકે. મને રાહત ન આપવામાં આવે તો કરિયરનાં 8 વર્ષ બગડી શકે તેમ છે. પ્રથમવારના કથિત આરોપી સામે કોર્ટે સખત વ્યવહાર કરીને વધુમાં વધુ સજા આપી છે.
નીરવ, લલિત સહિત મોદીની વાત કરી
અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે નીરવ મોદી, લલિત મોદી કે વિજય માલ્યા એ કોઈ મોઢ વણિક જ્ઞાતિમાંથી આવતા નથી? તો ફરિયાદીની લાગણી કેવી રીતે દુભાઈ? મોદી સરનેમ અનેક જ્ઞાતિઓમાં આવે છે. મોદી સરનેમ અનેક જાતિ અને કોમ્યુનિટીમાં આવે છે. ફરિયાદીએ કેવી રીતે નક્કી કર્યું કે રાહુલ ગાંધીએ તેમના વિશે જ વાત કરી. અભિષેક મનુ સિંઘવીએ સુરત મેજિસ્ટ્રેટ સમક્ષ પૂર્ણેશ મોદીએ આપેલા નિવેદન વાંચી સવાલ ઉઠાવ્યા હતા. મોદી સરનેમ અનેક કોમ્યુનિટીમાં આવે, ફરિયાદીએ કેવી રીતે નક્કી કર્યું કે રાહુલ ગાંધીએ તેમના વિશે જ વાત કરી છે.
વ્હોટ્સએપ સમન્સ સામે સવાલ ઉઠાવ્યો
રાહુલ ગાંધીના વકીલ સિંઘવીએ રાહુલ ગાંધીને પ્રથમવાર મોકલાયેલા સમન્સને લઈ ઉઠાવ્યા સવાલ હતો. માત્ર વ્હોટ્સએપ ક્લિપના આધારે તમે સમન્સ કેવી રીતે પાઠવી શકો? વ્હોટ્સએપમાં તો હજારો પ્રકારના મેસેજો આવતા હોય છે. મેજિસ્ટ્રેટ સમક્ષ કોઈ ન્યૂઝપેપર કે પેનડ્રાઈવ પણ રજૂ નહોતી કરાઈ છતાં પણ સમન્સ મોકલાયું. રાહુલ ગાંધીની સજા પર સ્ટે આપવાની માગ સાથે શરૂ થયેલી સુનાવણીના 2 કલાકથી વધુ સમય ચાલી છે.
કોલારમાં રાહુલ ગાંધીનું વિવાદાસ્પદ નિવેદન
કર્ણાટકના કોલાર ખાતે લોકસભાના ચૂંટણીપ્રચાર દરમિયાન કોંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ચોર’નું ઉપનામ આપવામાં આવ્યું હતું, જેમાં તેમણે એવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે ‘બધા ચોરોનાં ઉપનામ ‘મોદી’ કેમ હોય છે ?’ આ વિવાદાસ્પદ ટિપ્પણી બાદ સુરત કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી. એની સામે ગુજરાત હાઇકોર્ટમાં રાહુલ ગાંધી તરફથી સ્ટે માગતી રિવિઝન અરજીની સુનાવણી આજે જસ્ટિસ હેમંત પ્રચ્છકની કોર્ટમાં થશે, જેમાં સિનિયર કાઉન્સિલ તરીકે સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ અભિષેક મનુ સિંઘવી રાહુલ ગાંધીનો પક્ષ રજૂ કરશે. હાલ નેતા વિપક્ષ અમિત ચાવડા, કોંગ્રેસ-પ્રમુખ જગદીશ ઠાકોર હાઈકોર્ટ પહોંચ્યા હતા.
જસ્ટિસ ગીતા ગોપીએ ‘નોટ બિફોર મી’ કરતાં 29મી એપ્રિલે સુનાવણી
રાહુલ ગાંધી દ્વારા પોતાની વિરુદ્ધના 2 વર્ષની સજાના સુરત સેશન્સ કોર્ટના ચુકાદાને ગત બુધવારે ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીના વકીલ પંકજ ચાંપાનેરી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અર્જન્ટ સર્ક્યુલેશન માટે માગ કરવામાં આવી હતી, જેમાં તાત્કાલિક સુનાવણીની માગ ગ્રાહ્ય રાખવામાં આવી હતી, પરંતુ જસ્ટિસ ગીતા ગોપીએ ‘નોટ બિફોર મી’ એટલે કે પોતે આ અરજી સાંભળવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે આજે હાઇકોર્ટમાં આ અરજી પર સુનાવણી હાથ ધરાશે.
ચાંપાનેરીની દલીલ:’આ પ્રાઇવેટ ફરિયાદ છે’
ગત 26 એપ્રિલના રોજ સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીના વકીલ પંકજ ચાંપાનેરીએ જણાવ્યું હતું કે અર્જન્ટ હિયરિંગની માગ સાથે જસ્ટિસ ગીતા ગોપીની કોર્ટમાં અરજી દાખલ કરાઈ હતી. આસિસ્ટન્ટ ગવર્નમેન્ટ પ્લીડરે વિરોધ કરતાં કહ્યું હતું કે આ અરજી સર્ક્યુલેશનમાં આવી શકે છે, પણ હિયરિંગમાં ન આવી શકે. જોકે, ચાંપાનેરીએ દલીલ કરી હતી કે આ પ્રાઇવેટ ફરિયાદ છે અને રાજ્ય સાથે કોઈ લેવાદેવા નથી. એક નાની સુનાવણી પછી ગીતા ગોપીએ અરજી ન સ્વીકારતાં કહ્યું હતું કે ‘નોટ બિફોર મી’. આથી રજિસ્ટ્રારને આ કેસને ચીફ જસ્ટિસ પાસે મોકલીને કહ્યું, બીજી બેંચને એસેસમેન્ટ માટે મોકલી દો.
ફાઈલ તસવીર.
‘નોટ બિફોર મી’ આવું જજ ક્યારે કહે છે?
દેશની અદાલતોમાં રોજના હજારો કેસો પર સુનાવણી થતી હોય છે. કોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા જુદા-જુદા જજીસને કેસની સુનાવણી માટે ફાળવણી કરવામાં આવે છે, જેમાં કેટલીકવાર જજ દ્વારા કોઈ કેસની સુનાવણીમાં ‘નોટ બિફોર મી’ કહેવામાં આવે છે, એટલે કે જજ આ કેસ પર સુનાવણી કરવા માગતા નથી.
હાઇકોર્ટના એડવોકેટ સુબ્રહ્મણ્યમે શું કહ્યું?
હાઇકોર્ટના એડવોકેટ સુબ્રહ્મણ્યમ ઐયરે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, જજ આવું કરી શકે છે. એ માટે સ્પેસિફિક કારણ જાહેર કરવા તેઓ બંધાયેલા નથી, પરંતુ સામાન્ય રીતે જ્યારે જજે કેસ સાથેના વકીલ સાથે અગાઉ કામ કર્યું હોય, વકીલે જુનિયર તરીકે જજની અન્ડર અગાઉ કામ કર્યું હોય, અસીલ કે વકીલ જજના સગા હોય એવું કોઈપણ કારણ હોઈ શકે.
ફાઈલ તસવીર.
અગાઉ જજે ‘નોટ બિફોર મી’ કહ્યું હતું
અગાઉ જગન મોહન રેડ્ડી સરકારના એક કેસમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ યુ.યુ. લલિતે પણ ‘નોટ બિફોર મી’ કહ્યું હતું, કારણ કે યુ.યુ. લલિત અગાઉ જગન મોહન રેડ્ડીના વકીલ રહી ચૂક્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2014ની લોકસભા ચૂંટણીમાં વોટ આપવા જતી વખતે આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘન કેસમાં પણ હાઇકોર્ટના જજ જી.આર. ઉધવાણી દ્વારા ‘નોટ બિફોર મી’ કહેવામાં આવ્યું હતું. અગાઉ પાટીદાર નેતા હાર્દિક પટેલે રાજદ્રોહના કેસમાં ડિસ્ચાર્જ અપીલ દાખલ કરી હતી, જેમાં ગુજરાત હાઇકોર્ટ જસ્ટિસ આર.પી. ઢોલરિયાએ ‘નોટ બિફોર મી’ કહ્યું હતું.
ચુકાદા વિરુદ્ધ અપીલ કરી હતી
કોંગ્રેસનેતા રાહુલ ગાંધી પર ‘મોદી’ અટકની બદનક્ષી બદલ ભાજપનેતા પૂર્ણેશ મોદીએ સુરતની નીચલી કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી, જેની પર સુરત કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવતાં 2 વર્ષની સજા ફરમાવી હતી, જેમાં રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ થયું છે. સુરતની નીચલી કોર્ટના ચુકાદા સામે રાહુલ ગાંધીએ સેશન્સ કોર્ટ સુરતમાં નીચલી કોર્ટના ચુકાદા વિરુદ્ધ અપીલ કરી હતી, પરંતુ સેશન્સ કોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને યથાવત્ રાખ્યો હતો. કોંગ્રેસની સેન્ટ્રલ લીગલ ટીમ દ્વારા સુરત સેશન્સ કોર્ટના ચુકાદા સંદર્ભે અરજીનો મેમો તૈયાર થયો હતો. ત્યારે હાલ રિવિઝન અરજી કરી હતી
બંને પક્ષની દલીલો પૂર્ણ
સજા મોકૂફ રાખવા માટે જે અપીલ કરવામાં આવી હતી એની સુનાવણી થાય એ પહેલાં ફરિયાદી પક્ષ દ્વારા વાંધા અપીલ રજૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ બંને પક્ષો દ્વારા દલીલો કરવામાં આવી હતી. દલીલ પૂર્ણ થઈ ગયા બાદ કોર્ટ દ્વારા 20મી એપ્રિલે ચુકાદો આપવાની જાહેરાત કરવામાં આવી હતી. અને સજા ચથાવત રાખી હતી.
પૂર્ણેશ મોદીના વકીલ હર્ષિત ટોળિયા.
પૂર્ણેશ મોદીના વકીલ હર્ષિત ટોળિયાએ જણાવ્યું હતું કે ગુજરાત હાઇકોર્ટમાં રિવિઝન પિટિશનની સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કન્વિક્ટેડ એક્યુઝ તરફથી દલીલની શરૂઆત કરવામાં આવી હતી. તેમના તરફથી મુખ્ય 6 મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં સૌથી પહેલો મુદ્દો એવો હતો કે, આ રેર ઓફ ધી રેર કેસ છે. હું એમપી છું. એમપીનું ડિસ ક્વોલિફિકેશન આવી શકે છે. બીજો મુદ્દો એવો હતો કે, આ ગુનો ગંભીર પ્રકારનો નથી માટે પણ કન્વિકશન સ્ટે કરવો જોઇએ. ત્રીજો મુદ્દો એવો હતો કે, આ કામમાં ફરિયાદી પૂર્ણેશ મોદી એગ્ર્યુડ પર્શન નથી. એટલે કે, એમને ફરિયાદ દાખલ કરવાનો અધિકાર નથી અને ત્યારબાદ તેમનો એક મુદ્દો એ પ્રકારનો હતો કે, પુરાવાનો જે વિષય છે તેમાં કેસ સાબિત કરવામાં ફરિયાદી નિષ્ફળ ગયા છે. મુખ્ય આટલા મુદ્દા પર દલીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય બીજા બધા કાયદાકીય મુદ્દાઓ અને જજમેન્ટ પર આધારીત દલીલ કરી છે કે, કન્વિકશન સ્ટે મળવો જોઇએ. જોકે, ત્યારબાદ સરકારી વકીલના લોકેશ ઉપર પણ એમણે વાંધો ઉઠાવ્યો હતો. તેના જવાબમાં સરકારી વકીલ તરફથી દલીલ કરવામાં આવી હતી કે, અમને પણ કાયદાની અંદર સરકારને કેસમાં રજૂઆત કરવાનો લોકશ છે.
દિલ્હીની કોઈ લીગલ ટીમ કે નેતા આવ્યા નહીં
માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા બાદ તેમની દિલ્હીની લીગલ ટીમ કામે લાગી હતી. તેમજ કેન્દ્રીય નેતાઓથી લઈને પ્રદેશના નેતાઓ પણ હાજર રહ્યા હતા. જોકે, ચુકાદોને દિલ્હીની કોઈ લીગલ ટીમ કે પ્રદેશના કોઈ મોટા નેતા હાજર રહ્યા નહોતા.
અપીલમાં આ મુદ્દા રજૂ કરાયા હતા
- રાહુલ ગાંધીએ અપીલમાં કહ્યું હતું કે એકમાત્ર વાક્ય ‘બધા ચોરોની સરનેમ મોદી કેમ હોય છે’ એના પર સજા કરી છે. એ વધુપડતી અને આકરી છે. એટલું જ નહીં, પણ એ માટે સજા જ ખોટી કરી છે.
- મોદી નામે કોઈ સમાજ નથી અને બદનક્ષી થઈ હોય એવું નીચલી કોર્ટે ઠરાવ્યું નથી, પણ મોદી અટકધારી હોવાથી પૂર્ણેશ મોદીને ફરિયાદ કરવાનો અધિકાર છે. એવું ઠરાવેલું છે, પરંતુ તેમના જ કહેવા પ્રમાણે દેશમાં 13 કરોડ મોદી છે.
- ભાષણમાં માત્ર નરેન્દ્ર મોદી, લલિત મોદી અને નીરવ મોદીના સંદર્ભમાં જણાવ્યું હતું. અન્ય મોદીની બદનક્ષી કરવાનો ઈરાદો નહોતો.
- મોદી અટકધારીઓનું કોઈ ગ્રુપ નથી, મોદી અટક ફક્ત ઓબીસીમાં આવે છે એવું પણ નથી.
- પૂર્ણેશ મોદી એક ચોક્કસ નાના ગ્રુપના સભ્ય હોવા જોઈએ, તેઓ પોતે કહે છે કે મોદીઓ 13 કરોડ છે, ત્યારે એ નાનું અને ચોક્કસ ગ્રુપ કહેવાય નહીં અને તેથી તેવા કોઈ કહેવાતા ગ્રુપના સભ્ય તરીકે પૂર્ણેશ મોદીને ફરિયાદ કરવાનો કોઈ અધિકાર નથી.
- હવે સમજો આ ત્રણેય અરજીમાં શું માગણી હતી અને કોર્ટે શું નિર્ણય લીધો હતો…
- મુખ્ય અરજીઃ નીચલી અદાલતના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. એની સુનાવણી 3 મેના રોજ થઈ.
- પ્રથમ અરજીઃ એકમાં સજા પર સ્ટે માગવામાં આવ્યો હતો. એને સ્વીકારીને કોર્ટે રાહુલને વચગાળાના જામીન આપ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે આ અરજી પર નિર્ણય ન આવે ત્યાં સુધી આ જામીન રહેશે.
- બીજી અરજીઃ આમાં દોષિત ઠેરવવા પર સ્ટે માગવામાં આવ્યો હતો. એના પર કોર્ટે કહ્યું હતું કે બીજી બાજુ સાંભળ્યા વિના કોઈ આદેશ આપી શકાય નહીં. આ અંગે 20 એપ્રિલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
- અગાઉ સુરત કોર્ટ બહાર કોંગ્રેસના નેતાઓનો જમાવડો થયો હતો.
- રાહુલની સજા બાદ 3 ઘટનાક્રમ
- 23 માર્ચ: માનહાનિના કેસમાં દોષિત
- સુરત કોર્ટે 23મી માર્ચે રાહુલને 2 વર્ષની કેદની સજા ફટકારી હતી. જોકે 27 મિનિટ બાદ તેને જામીન મળી ગયા હતા. 2019માં તેમણે કર્ણાટકની વિધાનસભામાં મોદી સરનેમ અંગે નિવેદન આપ્યું હતું. આ પછી ગુજરાત ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
- 24 માર્ચ: સંસદસભ્યપદ રદ
- કોંગ્રેસનેતા રાહુલ ગાંધીનું સંસદસભ્યપદ 24 માર્ચે બપોરે 2.30 વાગ્યે રદ કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે 2013ના એક નિર્ણયમાં કહ્યું હતું કે જો કોઈ સાંસદ અથવા ધારાસભ્ય નીચલી કોર્ટમાં દોષી સાબિત થાય છે, તો તેને સંસદ અથવા વિધાનસભાના સભ્યપદ માટે ગેરલાયક ઠેરવવામાં આવશે.
- 27 માર્ચ: બંગલો ખાલી કરવાની નોટિસ મળી
- 27 માર્ચે લોકસભા હાઉસિંગ કમિટીએ રાહુલને બંગલો ખાલી કરવા નોટિસ મોકલી હતી. સમિતિએ તેમને 22 એપ્રિલ સુધીમાં 12 તુગલક રોડ ખાતેનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવા જણાવ્યું હતું. રાહુલે બંગલો ખાલી કર્યો હતો અને નિવાસસ્થાનમાં રહેવાનું નક્કી કર્યું. તેમનો સામાન પણ સ્થળાંતર થયો છે.
- 22 એપ્રિલે: બંગલો ખાલી કરી ચાવી આપી
- રાહુલે લોકસભા સચિવાલયને બંગલાની ચાવી અધિકારીઓને સોંપી દીધી હતી. ત્યાર બાદ માતા સોનિયા ગાંધીના બંગલામાં રહેવા ગયા હતા. બંગલો ખાલી કર્યા પછી રાહુલે કહ્યું કે મેં સાચું બોલવાની કિંમત ચૂકવી છે. હિન્દુસ્તાનના લોકોએ મને 19 વર્ષ સુધી આ ઘરમાં રહેવાની તક આપી. જોકે આ ઘરને મારી પાસેથી છીનવી લીધું. આજકાલ સાચું બોલવાની કિંમત ચૂકવવી પડે છે. હું સાચું બોલવા માટે કોઇપણ કિંમત ચૂકવવા તૈયાર છું.