ખેડા જિલ્લાના ડાકોરમાં પોલીસકર્મીની દીકરીના આપઘાત પ્રકરણમાં વિધર્મી યુવાને માનસિક ત્રાસ આપ્યા હોવાનો ખુલાસો થયા બાદ જિલ્લા પોલીસે આરોપી સામે ગાળિયો બરાબર કસ્યો છે. આરોપીની ધરપકડ કરી રીમાન્ડ મેળવ્યા છે. બીજી બાજુ આરોપીનું લેપટોપ કબ્જે કરવામાં આવ્યું છે. તો આરોપીએ પોતાનો મોબાઈલ ફોન ક્યાંક છુપાવી દીધો છે. જે પોલીસે આ ટેકનીકલ પુરાવાઓને જોડવા કામે લાગી છે. આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી છે.
પિતાએ મૃતક દીકરીનો મોબાઈલ ચેક કરતા આરોપીની કરતૂત બહાર આવી
ડાકોર ખાતે રહેતી એક યુવતીએ ગત 12મી મે ના રોજ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો. મૃતક દીકરી મોબાઈલ ફોન પિતાએ ચેક કરતા છેલ્લે એક નંબરથી સતત વાત થતી હોવાનું જાણવા મળ્યું હતું. તે રેકોર્ડિંગ પિતાના હાથમાં લાગતા અબ્દુલા મોમીન (રહે.ચાંગા)ના હતા. જે સાંભળીને પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ, જેમાં આ અબ્દુલાએ અવારનવાર પ્રેમસંબંધ બાબતે હેરાન પરેશાન કરતો હતો અને પહેલા પણ પ્રેમસંબંધ હોવાથી બાદમાં યુવતીએ તોડી નાખતા આ બાબતે રીસ રાખી આ અબ્દુલા ગાળો બોલતો હતો. આ ઉપરાંત મરણજનાર દીકરી કરગરતી રહી પણ આ વિધર્મી યુવાને હેરાન પરેશાન કરવાનું છોડ્યું નહોતુ.મૃતક યુવતીએ અબ્દુલ્લા સાથે પ્રેમ સબંધ તોડી નાખેલ હતો અને તેની સાથે કોઇપણ સબંધ રાખવા માગતી ન હોય જેની રીશ રાખી હતી તેમ મરણજનાર યુવતીના પિતાએ કહ્યું છે. આ બાબતે શુક્રવારના રોજ ડાકોર પોલીસમાં આરોપી અબ્દુલા મોમીન સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો હતો.
આરોપીના બ્લેકમેઈલીંગથી કંટાળી યુવતીએ આત્મહત્યા કરી હતી
ગુનો નોધાયા બાદ આરોપી અબ્દુલા મોમીનની ધરપકડ કરાઈ હતી અને નામદાર કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ મેળવ્યા છે. પોલીસની તપાસમાં ચોકાવનારી વિગતો સામે આવી છે. જેમાં આરોપી અબ્દુલા મોમીન અને મૃતક દીકરીની ફોઈનુ ઘર બંન્ને નજીક નજીક હતા. જેથી મૃતક દીકરી પોતાના ફોઈના ઘરે આવતાં આ આરોપી સાથે સંપર્ક આવી હતી. અગાઉ આ બંન્ને વચ્ચે પ્રેમસંબંધ હતો. પરંતુ બાદમાં યુવતીએ આ પ્રેમસંબંધ પર પૂર્ણવિરામ મૂકતા જેની રીસ રાખીને આ અબ્દુલા તેણીને અવારનવાર હેરાનપરેશાન કરતો હતો. જેનાથી કંટાળી પોતાના ઘરે ગત 12 મે ના રોજ ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો.
યુવતીને કોલેજમાંથી રસ્ટીગેટ કરાવવાની ધમકી આપતો
યુવતી કોઈ અન્ય યુવક સાથે વાત કરતી હોવાની શંકા રાખી આરોપી અબ્દુલ્લા યુવતીને પરેશાન કરતો હતો અને યુવકનું નામ આપવા કહેતો હતો. યુવતી કોઈ યુવક સાથે વાત કરતી હોવાની વાત કોલેજના સાહેબોને અને તેમના પરિવારજનોને કહી દેવાની ધમકી આપતો હતો અને કોલેજમાં રસ્ટીગેટ કરાવવાની પણ ધમકી આપતો હતો.
આરોપીના ત્રાસથી યુવતી રડી પડી હતી
મૃતક યુવતીનું કોલ રેકોર્ડિંગ મળી આવ્યું છે. તેમાં તે આરોપીને કહી રહી છે કે, હું તારા પગે પડી જાવ માફ કરી દે મને. હું મરી જઈશ, આજે તો હું નહીં બચું મરી જઈશ. બધા પ્રુફ રાખીને જઈશ. મારી નાખી તે મને આમ કહીને જોર જોરથી પોક મૂકીને રડવા લાગે છે. યુવતી આરોપી સમક્ષ કાકલૂદી કરે છે પણ આરોપી ઉશ્કેરણી ઉપર ઉશ્કેરણી કરતો હતો.
આરોપીએ મૃતકના ભાઈના ઈન્સ્ટાગ્રામ પર મેસેજ પણ કર્યો હતો
પોલીસની તપાસમાં વિધર્મી યુવાને મૃતક દીકરીના ભાઈને પણ ઈન્સ્ટાગ્રામ પર મેસજ કરેલ હોવાનો ઘટસ્ફોટ થયો છે. આરોપીએ પોતે આઈટીઆઈ કર્યું છે અને તે છેલ્લા 20 વર્ષથી તેના મામાના ઘરે રહે છે. હાલ પોલીસે આરોપી પાસેથી લેપટોપ કબ્જે કર્યું છે જ્યારે મોબાઈલ ફોન ક્યાંક સંતાડી દીધો હોવાથી તેને શોધવા પોલીસ કામે લાગી છે. પોલીસની તપાસમાં જો ફર્ધર રીમાન્ડની જરૂર પડશે તો તે પણ કોર્ટ સમક્ષ માંગી સમગ્ર કેસની જીણવટ ભરી તપાસ કરાશે.
આરોપીનું લેપટોપ મળ્યું, મોબાઈલની શોધખોળ
સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ જણાવ્યું હતું કે, આરોપીની અટકાયત કરી દેવામાં આવી છે અને રિમાન્ડ પર છે. તેના રીમાન્ડ આવતીકાલે સાંજે 4 વાગ્યા સુધીના છે. ત્યારે તેની પાસેથી લેપટોપ કબજે કરાયું છે. જ્યારે મોબાઈલ ફોન ક્યાંક છુપાવેલો હોવાથી તેને શોધવા પોલીસ કામે લાગી છે. આ તમામ પુરાવાઓ એકત્ર કરી એફએસએલને મોકલવામાં આવશે અને આરોપીએ મૃતક દીકરીના ભાઈને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરેલો જેમાં જણાવ્યું હતું કે ‘તારી બહેન કોઈ છોકરા જોડે વાત કરે છે’ એવા મેસેજ કરેલો જો આરોપીનું ઈન્સ્ટાગ્રામ આઈડી ફેક હશે તો આ કેસમાં આઇટી એક્ટ હેઠળની કલમોનો પણ ઉમેરો થશે આ ઉપરાંત મૃતક દીકરીના મિત્ર વર્તુળમાં પણ પૂછપરછ કરવામાં આવશે.