સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં ધોળે દિવસે હત્યાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. કોર્ટ પરિસરથી માત્ર 100 મીટરના અંતરે એક યુવકની અજાણ્યા બે શખસ હત્યા કરી નાસી છૂટ્યા હતા. સચિનનો યુવક હત્યાના આરોપસર કોર્ટમાં તારીખ માટે આવ્યો હતો અને પરિસરથી 100 મીટરના અંતરે જ જાહેરમાં 15થી 20 જેટલા છરીના ઘા ઝીંકી પતાવી દીધો હતો. બનાવના પગલે ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી છે. જો કે, આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ઘટનાને પગલે આ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. સીસીટીવીમાં જોવા મળ્યું હતું કે, જાહેરમાં બે યુવક છરી વડે હત્યાના આરોપી પર તૂટી પડે છે અને માત્ર 30 સેકન્ડમાં 15થી 20 જેટલા છરીના ઘા ઝીંકી ફરાર થઈ જાય છે.
યુવક લોહીલુહાણ થઈ ઘટનાસ્થળે જ ઢળી પડ્યો
સુરતના સચિન વિસ્તારમાં રહેતો સૂરજ યાદવ આજે કોર્ટમાં તારીખ માટે આવ્યો હતો. ત્યારે સૂરજ યાદવની કોર્ટ પરિસરના 100 મીટરના અંતરમાં જ જાહેરમાં છરીના ઘા મારી હત્યા કરાઈ હતી. અજાણ્યા બે યુવક દ્વારા હુમલો કરાતા કોર્ટની બહાર જ સૂરજ યાદવ લોહીલુહાણ થઈ ગયો હતો. હુમલો કરી બે શખસ ફરાર થઈ ગયા હતા. બાદમાં ગંભીર રીતે ઘાયલ સૂરજને સ્થાનિક લોકો દ્વારા 108 બોલાવી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.
ઉચ્ચ પોલીસ અધિકારી ઘટનાસ્થળે
ઘટના અંગે જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. પીઆઇ એસીપી ડીસીપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.
મૃતક કોર્ટમાં તારીખ હોવાથી આવ્યો હતો
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તપાસ કર્યા બાદ ડીસીપી સાગર બાગમારે જણાવ્યું હતું કે, કોર્ટ પરિસરની બહાર બે અજાણ્યા યુવકો મોપેડ પર આવીને તીક્ષ્ણ હથિયાર વડે સૂરજ યાદવ નામના યુવક પર હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી છે. સૂરજ યાદવની હત્યાના આરોપમાં આજે કોર્ટમાં તારીખ હતી, તે માટે આવ્યો હતો.
આરોપીઓને પકડવા જુદી જુદી પોલીસની ટીમો બનાવી
સાગર બાગમારે વધુમાં જણાવ્યું હતું કે, આ દરમિયાન અજાણ્યા બે યુવક તેની હત્યા કરીને ફરાર થઈ ગયા હતા. આ બંને યુવક કોણ છે અને શા માટે તેની હત્યા કરી તેને લઈ અને બન્ને શખસને પકડવા માટે પોલીસની જુદી જુદી ટીમો બનાવીને કામે લગાવવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ સહિત તપાસ કરવામાં આવી રહી છે. હત્યા કરનાર બંનેને પકડવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.
પરિવારનું હૈયાફાટ રુદન
સૂરજ યાદવ નામના યુવક પર હુમલો કરાયા બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. જેને લઈ તેને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સૂરજ યાદવના પરિવારનું હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું. પિતા, માતા, બહેન અને તેના મિત્રોના પીએમ રૂમ બહાર હૈયાફાટ રુદનથી સમગ્ર સિવિલ પરિસરમાં ગમગીની છવાઇ ગઈ હતી.
અંગત અદાવતમાં હત્યા કરાયાની શંકા
સૂરજ યાદવ પર હત્યાનો કેસ ચાલી રહ્યો છે. તેની ઊઠક-બેઠક પણ સ્થાનિક વિસ્તારોમાં માથાભારે શખસો સાથે હતી. જેને લઈ સૂરજની હત્યા અંગત અદાવતમાં કરાઈ હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે. જો કે, હાલ તો પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી હુમલો કરનાર બંને શખસની શોધખોળ હાથ ધરી છે.
સૂરજ પોતે હત્યાનો આરોપી હતો
ગત ઓગસ્ટ મહિનામાં સચિન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં 22 વર્ષીય દુર્ગેશ ઠાકોર નામના યુવકની સૂરજ યાદવ સહિત ત્રણ યુવકોએ મળી હત્યા કરી હતી. અંગત અદાવતમાં દુર્ગેશની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકેસમાં સૂરજને જામીન મળ્યા હતા. ત્યારે આ હત્યાકેસની આજે તારીખ હોવાથી તે કોર્ટમાં હાજરી આપવા જઈ રહ્યો હતો. દરમિયાન કોર્ટ પરિસર નજીક જ બે યુવકે તેને આંતરી તેની કરપીણ હત્યા કરી નાખી હતી. દુર્ગેશ ઠાકોરના મિત્રો અને તેના ભાઈ દ્વારા સૂરજની હત્યા કરવામાં આવી હોવાની ચર્ચા લોકોમાં ઊઠી છે.
લગ્ન પહેલાં જ યુવકની હત્યા
સૂરજ મૂળ યુપીનો વતની છે. સચિન જીઆઇડીસીમાં પરિવાર સાથે તે છેલ્લાં ઘણાં વર્ષોથી રહેતો હતો. સૂરજ હાલ 28 વર્ષનો હતો અને આગામી 28 મેના રોજ તેનાં લગ્ન નક્કી કરાયાં હતાં. પરિવાર યુવકના લગ્નની તૈયારી માટે સપનાં જોઈ રહ્યું હતું અને લગ્નના 22 દિવસ પહેલાં જ સૂરજની હત્યાથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.