અમદાવાદમાં આજે ભર બપોરે ભીષણ આગ લાગ્યાની ઘટના સામે આવી હતી. જ્યાં બાપુનગર ખાતે આવેલી ફટાકડા બજારમાં એક ફટાકડાની ફેક્ટરીમાં અગનજ્વાળા ભભૂકી હતી. જેને પગલે અફરા-તફરી મચી ગઈ હતી. ભીષણ આગને પગલે એક સાથે 25 દુકાનો સળગી હતી અને સમગ્ર આકાશ આગના ધુમાડાથી ઢંકાઈ ગયું હતું. અને દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઉડી રહ્યા હતા. આગ એટલી ગંભીર હતી કે તેને બુઝાવવા માટે જેને પગલે ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો અને અમદાવાદની ફાયર બ્રિગેડની તમામ ગાડીઓ ત્યાં પહોંચી ગઈ હતી અને મહામહેનતે આગ પર કાબુ મેળવવ્યો હતો.
ધડાકાભેર ફટાકડા ફૂટ્યા
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના બાપુનગર ખાતે અનિલ સ્ટાર્ચ મીલ રોડ ઉપર સંજયનગરના છાપરાની સામે આવેલા વિકાસ એસ્ટેટના ફટાકડા બજારમાં આગ લાગી હતી.જેથી અમદાવાદની ફાયર બ્રિગેડની તમામ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. આ દરમિયાન ફટાકડાની ફેક્ટરીમાં ધડાકાભેર ફટાકડા ફૂટતા આસપાસના રહીશોમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો.
ફેક્ટરીમાં આગ લાગી હતી
મળતી માહિતી મુજબ અનિલ સ્ટાર્ચ મિલ રોડ ઉપર સંજયનગરના છાપરા સામે આવેલા વિકાસ એસ્ટેટમાં ફટાકડા બજાર આવ્યું છે. જેમાં બપોરે 4 વાગ્યાની આસપાસ એક ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ આસપાસના રહીશોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. આગ લાગવાના ધુમાડાના ગોટે ગોટા એક કિલોમીટર દૂર સુધી જોવા મળ્યા હતા હાલ ફાયરની ટીમ દ્વારા આગ બુઝાવવામાં આવી હતી.
25 જેટલી દુકાનો આગની ચપેટમાં આવી ગઈ
આ અંગે અમદાવાદ ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ બાપુનગર વિસ્તારમાં અનિલ સ્ટાર્ચ મિલ રોડ ઉપરના વિકાસ એસ્ટેટમાં ફટાકડાની દુકાનો અને ગોડાઉન આવેલા છે. જેમાં દુકાન નંબર 94 થી 114 નંબર સુધીની દુકાનવાળી લાઈનમાં આવેલા જય અંબે ટ્રેડર્સ નામના ફટાકડાની ગોડાઉનમાં આગ લાગી હતી. જેને પગલે એક સાથે ફટાકડાની 25 જેટલી દુકાનો આગની ચપેટમાં આવી ગઈ છે.
સાત લોકોને ઈજા થઈ
વધુમાં જણાવ્યા અનુસાર આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા એક બાદ એક દુકાનોમાં આગ ફેલાઈ હતી. આગ લાગતા ફટાકડાની દુકાનો અને ગોડાઉનમાં કામ કરતા કારીગરો અને માલિકોમાં દોડધામ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં કુલ સાત લોકોને ઈજા થઈ છે. જેમાં બે લોકોને ગંભીર ઇજા થતા શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે પાંચ લોકોને સામાન્ય ઈજા થઈ છે.
ચારેય તરફથી પાણીનો મારો ચલાવ્યો હતો
વધુમાં ફાયર બ્રિગેડની ટીમે જણાવ્યું હતું કે, જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ચારેય તરફથી પાણીનો મારો ચલાવી અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જો કે સતત એક કલાક સુધી ફટાકડા ફૂટવાના અવાજો ચાલુ રહ્યા હતા. હાલ આગ કાબુમાં આવી ગઈ છે. જોકે કૂલિંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.