અદાણી- હિન્ડનબર્ગ વિવાદમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ હતી. આ દરમિયાન સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા એટલે કે SEBIએ પોતાની તપાસ પૂરી કરવા માટે 6 મહિના જેટલો સમય માગ્યો છે. ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું હતું કે 6 મહિના સુધીનો સમય યોગ્ય નથી. હવે 15 મેએ આ મામલે સુનાવણી થશે.
આ મામલે કોર્ટે છ સભ્યોની કમિટી પણ બનાવી હતી અને બે મહિનાની અંદર જ રિપોર્ટ આપવાનું કહ્યું હતું. 8 મેએ કમિટીને સીલબંધ કવરમાં પોતાની રિપોર્ટ સોંપી દેવાઈ છે. CJIએ કહ્યું હતું કે જસ્ટિસ સપ્રેની કમિટીની રિપોર્ટ આવી ગઈ છે. અમે વિકેન્ડ દરમિયાન આ રિપોર્ટને વાંચીશુ.
અદાણી-હિંડનબર્ગ વિવાદ કેસમાં 4 પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. આ અરજીઓ એડવોકેટ એમએલ શર્મા, વિશાલ તિવારી, કોંગ્રેસ નેતા જયા ઠાકુર અને સામાજિક કાર્યકર મુકેશ કુમાર દ્વારા દાખલ કરવામાં આવી હતી. આ મામલે પહેલી સુનાવણી 10 ફેબ્રુઆરીએ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જેબી પારડીવાલાએ કરી હતી.
કોર્ટે 2 માર્ચે 6 સભ્યોની કમિટીની રચના કરી હતી
સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી સમિતિનું નેતૃત્વ નિવૃત્ત ન્યાયાધીશ એએમ સપ્રે કરે છે. તેમની સાથે જસ્ટિસ જેપી દેવધર, ઓપી ભટ, એમવી કામથ, નંદન નીલેકણી અને સોમશેખર સુંદરેસનનો સમાવેશ થાય છે. 2 માર્ચના રોજ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જેબી પારડીવાલાની બેન્ચે આ કમિટીની રચના કરવાનો આદેશ આપ્યો હતો.
સમિતિ ઉપરાંત, સેબી આ 2 પાસાઓની તપાસ કરી રહી છે…
- શું સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન નિયમોના નિયમ 19(A) નું ઉલ્લંઘન થયું હતું?
- શું વર્તમાન કાયદાઓનું ઉલ્લંઘન કરીને શેરના ભાવમાં કોઈ હેરાફેરી કરવામાં આવી હતી?
નિયમ 19 (A) લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગ સાથે સંબંધિત છે
કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન નિયમોના નિયમ 19 (A) શેરબજારમાં સૂચિબદ્ધ કંપનીઓના લઘુત્તમ જાહેર શેરહોલ્ડિંગ સાથે સંબંધિત છે. ભારતીય કાયદા મુજબ, કોઈપણ લિસ્ટેડ કંપનીમાં ઓછામાં ઓછા 25% શેરહોલ્ડિંગ જાહેર જનતા એટલે કે બિન-આંતરિક વ્યક્તિઓ પાસે હોવું જોઈએ.
યુએસ સ્થિત શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચ દ્વારા એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આરોપ હતો કે ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણી વિદેશમાં શેલ કંપનીઓનું સંચાલન કરે છે. તેમના દ્વારા ભારતમાં અદાણી ગ્રુપની લિસ્ટેડ અને ખાનગી કંપનીઓને અબજો ડોલર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આનાથી અદાણી જૂથને કાયદાઓથી બચવામાં મદદ મળી.
સુપ્રીમ કોર્ટે આ નિર્દેશો આપ્યા છે
- સેબીના અધ્યક્ષે નિષ્ણાત સમિતિને તમામ જરૂરી માહિતી આપવાની રહેશે
- કેન્દ્ર સરકાર સાથે સંકળાયેલી એજન્સીઓએ સમિતિને સહકાર આપવો પડશે
- સમિતિ તેના કામ માટે બહારના નિષ્ણાતોની સલાહ લઈ શકે છે.
- સમિતિના સભ્યોની ચૂકવણી અધ્યક્ષ દ્વારા નક્કી કરવામાં આવશે અને તે કેન્દ્ર સરકાર ભોગવશે.
- કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ વરિષ્ઠ અધિકારીને નોમિનેટ કરશે
- તે સમિતિને લોજિસ્ટિક સહાય પૂરી પાડવા માટે નોડલ ઓફિસર તરીકે કામ કરશે.
- સમિતિનો તમામ ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે.
અરજીઓમાં એફઆઈઆર નોંધવાની અને તપાસની માગ કરવામાં આવી હતી
- અરજીમાં મનોહર લાલ શર્માએ ભારતમાં હિંડનબર્ગ રિસર્ચના સ્થાપક નાથન એન્ડરસન અને તેમના સહયોગીઓ વિરુદ્ધ તપાસ અને એફઆઈઆરની માગ કરી હતી. આ સાથે આ મામલે મીડિયા કવરેજ પર પ્રતિબંધ મૂકવાની પણ માગ કરવામાં આવી હતી.
- વિશાલ તિવારીએ નિવૃત્ત SC ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરીને હિંડનબર્ગ રિપોર્ટની તપાસની માગ કરી હતી. તિવારીએ પોતાની અરજીમાં શેરના ભાવ ઘટવા પર લોકોની હાલત વિશે જણાવ્યું હતું.
- જયા ઠાકુરે આ મામલે ભારતીય જીવન વીમા નિગમ (LIC) અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની ભૂમિકા પર શંકા વ્યક્ત કરી હતી. તેમણે અદાણી એન્ટરપ્રાઈઝમાં જાહેર નાણાંના જંગી રોકાણમાં એલઆઈસી અને એસબીઆઈની ભૂમિકાની તપાસની માગ કરી હતી.
- મુકેશ કુમારે તેમની અરજીમાં સેબી, ઈડી, ઈન્કમ ટેક્સ વિભાગ, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ પાસેથી તપાસ કરવા માટે નિર્દેશો માગ્યા હતા. મુકેશ કુમારે આ અરજી પોતાના વકીલો રૂપેશ સિંહ ભદૌરિયા અને મહેશ પ્રવીર સહાય દ્વારા દાખલ કરી હતી.
SCએ કેસના મીડિયા કવરેજ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો
આ પહેલા સુપ્રીમ કોર્ટે આ મામલે મીડિયા કવરેજ પર પ્રતિબંધની માગ કરતી અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે તે મીડિયાને રિપોર્ટિંગ કરતા રોકી શકે નહીં. તે જ સમયે, કોર્ટે કહ્યું હતું કે તેણે આ મામલાની તપાસ માટે સમિતિની રચના અંગે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે અને તેની સુનાવણી ટૂંક સમયમાં કરવામાં આવશે.
હિન્ડેનબર્ગના અહેવાલે રોકાણકારોને નુકસાન પહોંચાડ્યું હતું
અરજીઓમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે હિન્ડેનબર્ગે શેર શોર્ટ-વેચ કર્યા હતા, જેના કારણે “રોકાણકારોને ભારે નુકસાન” થયું હતું. એવું પણ કહેવામાં આવ્યું છે કે રિપોર્ટથી દેશની છબી ખરાબ થઈ છે. તેની અસર અર્થવ્યવસ્થા પર પડી રહી છે. તેની સાથે જ, અહેવાલ અંગેના મીડિયા પ્રસિદ્ધિએ બજારોને અસર કરી હતી અને હિન્ડેનબર્ગના સ્થાપક નાથન એન્ડરસન પણ ભારતીય નિયમનકાર સેબીને તેમના દાવાઓની સાબિતી આપવામાં નિષ્ફળ ગયા હતા.
હિંડનબર્ગે સ્ટોક મેનીપ્યુલેશન જેવા આક્ષેપો કર્યા હતા
24 જાન્યુઆરીના રોજ, હિંડનબર્ગ રિસર્ચએ અદાણી જૂથને લગતો એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. રિપોર્ટમાં ગ્રુપ પર મની લોન્ડરિંગથી લઈને શેરની હેરાફેરી સુધીના આરોપો લગાવવામાં આવ્યા હતા. રિપોર્ટ બાદ ગ્રુપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, પાછળથી તે સ્વસ્થ થઈ ગયો.