News Updates
ENTERTAINMENT

ચેન્નાઈની હાર બાદ રોમાંચક બન્યું પ્લેઓફનું સમીકરણ, ટોપ-4 માંથી ત્રણ ટીમો થઈ શકે છે બહાર

Spread the love

IPL 2023માં પ્લેઓફનું સમીકરણ એટલું જટિલ બની ગયું છે કે હાલમાં ટોપ-4 માં રહેલી ટીમોમાંથી બે કે ત્રણ ટીમો બહાર થઈ જાય તો નવાઈ નહીં. પ્લેઓફનું ગણિત જોતા હવે દરેક ટીમો માટે કરો યા મરો જેવી સ્થિતિ ઊભી થઈ છે.

IPL 2023 પ્લેઓફનો કોયડો હવે વણઉકેલાયેલી વાર્તામાં ફેરવાઈ રહ્યો હોય તેવું લાગે છે. થ્રિલર ફિલ્મોમાં આ જ જોવા મળે છે, જ્યાં અંત સુધી સસ્પેન્સ રહે છે. રવિવારે સાંજે રમાયેલ મુકાબલા સુધી ટોપ-4 ટીમો માટે પ્લેઓફ માટે ક્વોલિફાય કરવું આસાન લાગી રહ્યું હતું, પરંતુ મેચના પરિણામ બાદ પોઈન્ટ ટેબલના સમીકરણો એવા બદલાયા છે કે હવે બધી જ ટીમો પર બહાર ફેંકાઈ જવાની તલવાર લટકી ગઈ છે.

આ સિઝનમાં 61 મેચ રમાઈ ચૂકી છે અને પ્લેઓફ રાઉન્ડ પહેલા માત્ર 9 મેચો જ બાકી રહી છે, છતાં હજી સ્થિતિ એવી છે કે પ્લેઓફને લઈને અત્યારે પણ કોઈ એક ટીમનું નામ ફાઈનલ થયું નથી. જો તમે પોઈન્ટ ટેબલ જોશો તો તમે વિચારીને મૂંઝવણમાં પડી જશો કે આ સંખ્યાઓનો કેવો ભ્રમ છે.

ટોચની 4 ટીમોમાં માત્ર 1-1 પોઈન્ટનો તફાવત

ચેન્નાઈ સુપર કિંગ્સની કોલકાતા સામેની હાર બાદ પોઈન્ટ ટેબલનું સમીકરણ વધુ જટિલ બની ગયું છે. આ મેચ બાદ ગુજરાત પોઈન્ટ ટેબલમાં પહેલાની જેમ 16 પોઈન્ટ સાથે ટોપ પર જ છે. તો બીજી તરફ, કોલકાતા સામે હાર્યા બાદ CSK ભલે પોઈન્ટ ટેબલમાં બીજા જ સ્થાન પર છે, પરંતુ તેમણે પોતાના માટે મોટી સમસ્યા ઊભી કરી દીધી છે.

મુંબઈ ઈન્ડિયન્સના 14 પોઈન્ટ છે અને તે હાલમાં ત્રીજા નંબર પર છે. જ્યારે હૈદરાબાદને હરાવી લખનૌએ 13 પોઈન્ટ સાથે ચોથા સ્થાને પહોંચી ગયું છે. હાલમાં પોઈન્ટ ટેબલમાં સામેલ આ ટોપ 4 ટીમો વચ્ચે માત્ર 1-1 પોઈન્ટનો તફાવત છે. હવે ચેન્નાઈએ માત્ર એક જ મેચ રમવાની છે જ્યારે બાકીની ટીમો પાસે હજુ 2-2 મેચ બાકી છે.

4 ટીમોના 12-12 પોઈન્ટ

પોઈન્ટ ટેબલમાં ટોપ ચારમાંથી નીચે જોવામાં આવે તો બેંગ્લોર, રાજસ્થાન, કોલકાતા અને પંજાબના 12-12 પોઈન્ટ છે. આ ચાર ટીમો પૈકી બેંગલોરને પ્લેઓફમાં પહોંચવાનો સૌથી મોટો ફાયદો છે. આના બે કારણો છે. પ્રથમ, તેનો રનરેટ બાકીની ટીમો કરતા સારો છે અને બીજું, તેણે વધુ 2 મેચ રમવાની છે. બાકી પંજાબ પાસે પણ 2 મેચ છે પરંતુ તેનો રનરેટ માઈનસમાં છે.

રાજસ્થાનની ટીમનો રન રેટ પણ સારો છે પરંતુ સમસ્યા એ છે કે તેમની માત્ર એક જ મેચ બાકી છે. એટલે કે તેઓ જીત્યા બાદ પણ 14 પોઈન્ટ સુધી જ પહોંચી શકશે. તે જ રીતે કોલકાતા પણ મહત્તમ 14 પોઈન્ટ સુધી પહોંચવામાં સફળ રહેશે, પરંતુ માઈનસમાં રનરેટ તેમના પ્લેઓફના માર્ગમાં અવરોધ બની શકે છે.

ગુજરાત પ્લેઓફથી માત્ર એક જીત દૂર

પોઈન્ટ ટેબલમાં 5 ટીમનો રન રેટ પ્લસમાં છે અને તે પાંચમાંથી 4 ટીમોની હજુ 2-2 મેચ બાકી છે. આનો અર્થ એ છે કે પ્લેઓફના માર્ગમાં વધુ હલચલ થવાની છે. સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવતાં જ ટોચ પર રહેલ ગુજરાત ટાઇટન્સનું કામ થઈ જશે. પરંતુ જો આવું નહીં થાય તો તેમને બેંગ્લોર સામેના અંતિમ મુકાબલા પર આધાર રાખવો પડશે. મતલબ કે ગુજરાત મહત્તમ 20 પોઈન્ટ્સ ઉપર રહેશે અથવા તો 18 અને 16 પોઈન્ટ્સ પર જ ગ્રુપ સ્ટેજ સમાપ્ત કરશે.

CSKન માટે જીત જરૂરી

ચેન્નાઈ સુપર કિંગ્સ માટે તેની છેલ્લી મેચ જીતવી જરૂરી છે, જે તેમણે દિલ્હી કેપિટલ્સ સામે રમવાની છે. જો CSK આ મેચ જીતે છે તો તેમના 17 પોઈન્ટ થઈ જશે અને તે પ્લેઓફમાં ક્વોલિફાય કરી શકશે. પરંતુ, જો હારી જશે તો CSKના 15 પોઈન્ટ જ રહેશે અને પછી તેમના પ્લેઓફમાં પ્રવેશવા પર લટકતી તલવાર રહેશે.

મુંબઈ-લખનૌની ટક્કરમાં

મુંબઈ ઈન્ડિયન્સે લખનૌ સુપર જાયન્ટ્સ અને સનરાઈઝર્સ સામે બે મેચ રમવાની છે. સમસ્યા એ છે કે મુંબઈની જેમ લખનૌને પણ પ્લેઓફ માટે ક્વોલિફાય થવા માટે જીતની જરૂર છે. આવી સ્થિતિમાં ટોપ-4માં રહેલી આ બે ટીમોની ટક્કરમાં જીતનારી ટીમને ચોક્કસથી ફાયદો થશે જ્યારે હારનારી ટીમ પ્લેઓફમાંથી બહાર થઈ શકે છે.

મુંબઈ ઈન્ડિયન્સ ઉપરાંત લખનૌને કોલકાતા સાથે વધુ એક મેચ રમવાની છે, CSKને હરાવ્યા બાદ લખનૌની ટીમ ફોર્મમાં આવી ગઈ છે. KKRની પ્લેઓફની આશા પણ હજુ પૂરી થઈ નથી. આવી સ્થિતિમાં તે પોતાની છેલ્લી મેચ કોઈપણ ભોગે જીતવા માંગશે.

RCB માટે જીત એકમાત્ર વિકલ્પ

બેંગ્લોરની એક મેચ સનરાઈઝર્સ અને બીજી મેચ ગુજરાત ટાયટન્સ સામે છે. RCBએ પ્લેઓફમાં પ્રવેશવા બંને મેચમાં જીત મેળવવી પડશે. એ જ રીતે રાજસ્થાન રોયલ્સ માટે પણ પંજાબને હરાવવું જરૂરી છે.


Spread the love

Related posts

ભારતની વર્લ્ડ કપની જર્સી લોન્ચ:ખભા પર તિરંગાનો રંગ; રોહિત-કોહલી ‘તીન કા ડ્રીમ’ થીમ સોંગમાં પણ જોવા મળ્યા

Team News Updates

નીરજ તેના ટાઇટલનો બચાવ કરવા ઉતરશે; જેકબ અને એન્ડરસન પાસેથી સારી ટક્કર મળવાની અપેક્ષા

Team News Updates

‘ફાઈટર’ના બિકીની સીન પર દીપિકા ટ્રોલર્સના નિશાને:યુઝર્સે કહ્યું,’મહિલા ફાઈટર પાઈલટ્સને બદનામ ન કરો’, મેકર્સે રિલીઝ કર્યું નવું પોસ્ટર

Team News Updates