ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા આસિફ અબ્દુલ્લા ભાયા નામના એક વહાણવટીનું “સુલતાને ઓલિયા” નામનું અને બીડીઆઈ 1482 રજીસ્ટ્રેશન નંબર ધરાવતું વહાણ આજરોજ યમન ખાતે કોઈ કારણોસર આગની ઝપેટમાં આવી ગયું હતું.
આશરે 1100 ટન જેટલી કેપેસિટીનું આ જનરલ કાર્ગો વહાણ આજરોજ સવારે યમનના મકલા પોર્ટ ખાતે હતું. ત્યારે કોઈ કારણોસર તેમાં અકસ્માતે આગ લાગી હતી અને થોડીવારમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના કારણે આ વહાણ મહદઅંશે બળીને ખાખ થઈ ગયું હતું. આ આગના ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા.
જોકે આ વહાણમાં રહેલા તમામ ખલાસીઓ સહી સલામત હોવાનું અને કોઈ મોટી જાનહાની ન થયાનું માહિતગાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પરંતુ વહાણમાં નોંધપાત્ર નુકસાની થવા પામી હતી. આગનું કોઈ ચોક્કસ કારણ હાલ બહાર આવ્યું નથી. ખંભાળિયા પંથકના વહાણમાં આગ લાગવાના આ બનાવથી સલાયા તથા ખંભાળિયા પંથકના વહાણવટીઓમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી છે.