દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા હાલ આબકારી પોલિસીમાં ગેરરીતિઓને કારણે જેલમાં છે. બુધવારે એક કાર્યક્રમમાં તેમને યાદ કરીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભાવુક થઈ ગયા હતા. તેણે કહ્યું, ” આજે મનિષજીની ખૂબ જ યાદ આવી રહી છે. દરેક બાળક શ્રેષ્ઠ શિક્ષણ મેળવે તે તેમનું સપનું હતું. મનીષજી પર ખોટા આરોપો લગાવીને તેમને જેલમાં ધકેલી દીધા.”
સીએમ કેજરીવાલે કહ્યું, “આ બધુ જ તેમનું સપનું હતું. વિરોધી પક્ષ ક્રાંતિનો અંત લાવવા માગે છે, પરંતુ અમે તેવું થવા દઈશું નહીં. મનીષજીએ તેની શરૂઆત કરી. તેમનું સપનું હતું કે તમામ બાળકોને સારું શિક્ષણ મળે. આટલા સારા માણસને જેલમાં ધકેલી દીધા છે. જો તે સારી શાળાઓ ન બનાવી રહ્યા હોત, યોગ્ય શિક્ષણ ન આપતા હોત તો તે આજે જેલમાં ન હોત. આપણે મનીષ સિસોદિયાના સપના પૂરા કરવાના છે. તે બહુ જલ્દી બહાર આવશે. સત્ય ક્યારેય હાર માનશે નહીં.”
હકીકતમાં સીએમ કેજરીવાલ ઉત્તર પશ્ચિમ દિલ્હીના બવાનાના દરિયાપુર ગામમાં દિલ્હી સરકારની નવી શાળાના ઉદઘાટન દરમિયાન ત્યાં હાજર લોકોને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ મનીષ સિસોદિયાને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા.
દિલ્હી સરકારે 17 નવેમ્બર 2021ના રોજ નવી દારૂ નીતિ લાગુ કરી હતી. પરંતુ ભ્રષ્ટાચારના આરોપોને પગલે સપ્ટેમ્બર 2022ના અંતમાં તેને પાછી ખેંચી લેવામાં આવી હતી.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેની તપાસમાં ખુલાસો કર્યો હતો કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કથિત રીતે અલગ-અલગ માધ્યમથી 622.67 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ED સૂત્રોએ જણાવ્યું હતું કે આ POC ક્રેડિટ નોટ્સ, હવાલા ચેનલો અને ડાયરેક્ટ કિકબેક દ્વારા જનરેટ કરવામાં આવ્યા હતા. ચાર્જશીટમાં પણ આ આરોપનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
EDએ સિસોદિયા પર શું આરોપ લગાવ્યા?
EDનો આરોપ છે કે બે કંપનીઓ શિવ એસોસિએટ્સ અને દીવાન સ્પિરિટ્સે મહાદેવ લિકરમાંથી 8.02 કરોડ રૂપિયાનો નફો કર્યો અને પંજાબ સરકારની મશીનરીનો દુરુપયોગ કર્યો, આરોપી અમિત અરોરાએ દિનેશ અરોરા મારફતે મનીષ સિસોદિયાને 2 કરોડ રૂપિયાની લાંચ આપી. અમન ઢલ દ્વારા વધારાની ક્રેડિટ નોટ દ્વારા રૂ. 4.9 કરોડ આપવામાં આવ્યા. EDએ આ કેસની સંપૂર્ણ તપાસ બાદ ચાર્જશીટ દાખલ કરી છે.
આ કેસ 17 જુલાઈ 2022ના રોજ નોંધવામાં આવ્યો હતો
17 ઓગસ્ટ, 2022ના રોજ, સીબીઆઈએ નવી આબકારી નીતિ (2021-22)માં છેતરપિંડી, લાંચ લેવાના આરોપસર મનીષ સિસોદિયા સહિત 15 લોકો સામે કેસ નોંધ્યો હતો. સિસોદિયા ઉપરાંત, અરવા ગોપી કૃષ્ણા (તત્કાલીન કમિશનર (એક્સાઇઝ), આનંદ તિવારી (તત્કાલીન ડેપ્યુટી કમિશનર (એક્સાઇઝ), પંકજ ભટનાગર (આસિસ્ટન્ટ કમિશનર (એક્સાઇઝ), વિજય નાયર (પૂર્વ સીઇઓ, ઓન્લી મચ લાઉડર), એક મનોરંજન અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની પર્નોડ રેકોર્ડના ભૂતપૂર્વ કર્મચારી મનોજ રાય, બ્રિન્ડકો સેલ્સ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર અમનદીપ ઢલ, ઈન્ડોસ્પિરિટ ગ્રુપના ડિરેક્ટર સમીર મહેન્દ્રુ, બડી રિટેલ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર અમિત અરોરા, દિનેશ અરોરા, મહાદેવ લીકર, સની મારવાહ, અરુણ રામચંદ્ર પિલા અને અર્જુન પાંડે વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો.
લગભગ 6 મહિનાની તપાસ બાદ CBIએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. તેની સામે 17 ઓગસ્ટે કેસ નોંધવામાં આવ્યો હતો. 9 ઓગસ્ટે CBIએ મનીષ સિસોદિયા અને AAPના અન્ય ત્રણ સભ્યોના ઘરે દરોડા પાડ્યા હતા. 30 ઓગસ્ટના રોજ સીબીઆઈના પાંચ અધિકારીઓની એક ટીમ ગાઝિયાબાદના સેક્ટર 4 વસુંધરા સ્થિત પીએનબી શાખામાં પહોંચી અને મનીષ સિસોદિયાના બેંક લોકરની તલાશી લીધી. 17 ઓક્ટોબરે સીબીઆઈએ દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં મનીષ સિસોદિયાની નવ કલાક સુધી પૂછપરછ કરી હતી. જો કે, 25 નવેમ્બરના રોજ, સીબીઆઈએ દિલ્હી એક્સાઈઝ કેસમાં તેની પ્રથમ ચાર્જશીટ દાખલ કરી જેમાં મનીષ સિસોદિયાનું નામ આરોપી તરીકે નહોતું.