રાજકોટ શહેરના તિરૂપતિનગરમાં રહેતા મનોજભાઈ વાલજીભાઈ પોલાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં મોરબી રહેતા જમાઈ સંદિપ ભીખાભાઈ પીપળિયા, તેના માતા રેખાબેન અને ભાઈ પ્રદીપ સામે પોતાની દીકરીને મરવા મજબૂર કરવા અંગે ફરિયાદ નોંધાવી છે. પોતાની દીકરીએ શંકાશીલ પતિને વીડિયો કોલ કરી આપઘાત કર્યો હતો. જેને લઈને પિતાએ સાસરિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ત્રણ વર્ષ પહેલા કોર્ટ મેરેજ થયા હતા
મનોજભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે, મારી દીકરી કવિતાએ સંદિપ સાથે ત્રણ વર્ષ પૂર્વે કોર્ટ મેરેજ કર્યા હતા. સંદિપના પરિવારને આ સંબંધ પસંદ ન હોય જેથી પાંચેક માસ અમારે ત્યાં રહ્યા હતા. બાદમાં સમાધાન થતા એસી, ફ્રીઝ, ટીવી, સોના-ચાંદીના દાગીના સાથે દીકરીને મોકલી હતી.
વારંવાર પૈસાની માગણી કરતા હતા
આ પછી પતિ દારૂ પી મારી દીકરીને મારકૂટ કરતો હતો જ્યારે સાસુ અને દિયર નાની નાની વાતોમાં મેણા મારતા અને વારંવાર પૈસાની માગણી કરતા હતા. જમાઈ પાસે વાહન ન હતું. જેથી અમે એક્ટિવા લઈને મોકલ્યું હતું. એટલું જ નહીં અવારનવાર ગુગલ પેથી પૈસા મોકલતા હતા. દીકરીના નામની 50 હજારની લોન લઈ દીધી હતી, કપડા લેવા 10 હજાર મોકલ્યા હતા.
પતિ તેના ફ્રેન્ડ સાથે ફ્રેન્ડશીપ રાખવા દબાણ કરતો
જમાઈ દારૂ પીને મારકૂટ કરતો હતો અને દિયર દારૂ પી ગાળો દેતો. તેના ફ્રેન્ડ સાથે ફ્રેન્ડશીપ રાખવા દબાણ કરતો અને મારકૂટ કરતો હતો. દિવાળીના તહેવાર સમયે આઈફોન 14 લેવા માટે લોન કરાવી તે મોબાઈલ પણ લઈ દીધો હતો, આમ છતાં સાસરિયાઓને સંતોષ ન થતા વારંવાર શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી મારી દીકરીએ ગત 6 તારીખે મારા ઘરે આવી શંકાશીલ પતિને વીડિયો કોલ કરી ઝેર પી આપઘાત કરી લીધો હતો. મારી દીકરીને મરવા મજબૂર કરવા અંગે ત્રણેય સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.