મુંબઈમાં દિલ્હી જેવો શ્રદ્ધા મર્ડર કેસ જેવો કિસ્સો સામે આવ્યો છે. અહીંના મીરા રોડ વિસ્તારમાં એક 32 વર્ષીય મહિલાની તેના 56 વર્ષીય લિવ-ઈન પાર્ટનર દ્વારા હત્યા કરવામાં આવી હતી. બાદમાં તેના મૃતદેહના કટરથી ટુકડા કરી નાંખ્યા હતા. હત્યારો આટલેથી જ અટક્યો નહોતો, તેણે કૂકરમાં મૃતદેહના કેટલાક ટુકડા બાફી નાંખ્યા હતા અને કૂતરાઓને ખવડાવી દીધા હતા. પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે.
આરોપીનું નામ મનોજ સાહની છે. તે છેલ્લાં 3 વર્ષથી મીરા રોડ વિસ્તારમાં આકાશગંગા બિલ્ડિંગના સાતમા માળે ભાડાના ફ્લેટમાં સરસ્વતી વૈદ્ય નામની મહિલા સાથે રહેતો હતો. ફ્લેટમાંથી દુર્ગંધ આવતાં બિલ્ડિંગના લોકોએ બુધવારે પોલીસને જાણ કરી, ત્યાર પછી અહીં પોલીસ તપાસ માટે પહોંચી હતી.
પોલીસને શંકા છે કે શરીરના કેટલાક ભાગો રખડતાં કૂતરાઓને ખવડાવવામાં આવ્યા હતા. સોસાયટીના રહેવાસીઓએ પોલીસને જણાવ્યું કે, આરોપી છેલ્લા બે-ત્રણ દિવસથી કૂતરાઓને ખવડાવતો જોવા મળ્યો હતો. આ લોકોએ જણાવ્યું કે આરોપીને આ પહેલાં ક્યારેય આવું કરતા જોયો નથી.
હત્યા ત્રણ-ચાર દિવસ પહેલાં થઈ હતી
ડીસીપી જયંત બજબલેએ જણાવ્યું કે જ્યારે અમે સ્થળ પર પહોંચ્યા તો ફ્લેટમાંથી એક મહિલાના મૃતદેહના ટુકડા મળી આવ્યા હતા. આ ટુકડાઓ સડેલા હતા જેને જોઈને ત્રણ-ચાર દિવસ પહેલાં હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન લગાવ્યું છે. હત્યાની તારીખ હજુ જાણવા મળી નથી. મહિલાની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
કોઈ મુદ્દે થયેલા ઝઘડાના કારણે હત્યા કરી
જયંત બજબલેએ જણાવ્યું કે મનોજ સાહની અને સરસ્વતી વૈદ્ય વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો, ત્યારબાદ મનોજે તેની હત્યા કરી નાખી હતી. મનોજે કટર વડે મૃતદેહના ટુકડા કરી નાખ્યા હતા. જ્યારે અમે ત્યાં પહોંચ્યા અને ગેટ ખોલ્યો ત્યારે અમને ખબર પડી કે આ હત્યાનો કેસ છે અને આરોપીઓએ પુરાવા છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ હત્યા પાછળનું કારણ શોધી રહી છે.