આંદામાન સમુદ્રમાંથી ઉદભવેલું ચક્રવાત ‘દાના’ ઝડપથી બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યું છે. ચક્રવાત 24મી ઓક્ટોબરની મોડીરાત્રે અથવા 25મી ઓક્ટોબરની સવારે પુરીના દરિયાકાંઠે ટકરાશે. આ દરમિયાન 120 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે.
પુરીમાં 3 હજારથી વધુ પ્રવાસીઓને સુરક્ષિત ઘરે મોકલવામાં આવ્યા છે. ચાર દિવસથી હોટલ બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. ઓડિશામાં 14 જિલ્લાની તમામ સ્કૂલો- કોલેજો 25મી તારીખ સુધી બંધ કરી દેવામાં આવી છે. જ્યારે કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. ઓડિશામાં લગભગ 10 લાખ લોકોને ખસેડવામાં આવી રહ્યા છે.
પુરીના જગન્નાથ મંદિરના પૂજારી રામકૃષ્ણ પ્રતિહારીના જણાવ્યા અનુસાર, આ દરમિયાન મંદિરમાં થનારી તમામ પૂજા વિધિ સમયસર થશે. પરંતુ, ભક્તોને 25 ઓક્ટોબર સુધી ન આવવા વિનંતી કરવામાં આવી છે.
ચક્રવાતની અસર બંગાળમાં પણ જોવા મળશે. ઓડિશામાં 150 અને બંગાળમાં 198 ટ્રેનો રદ કરવામાં આવી છે. સરકારે દિઘા, પૂર્વ મેદિનીપુર અને દક્ષિણ 24 પરગના જિલ્લામાંથી લગભગ 1.5 લાખ લોકોને સ્થળાંતર કરીને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે.
પશ્ચિમ બંગાળ: પૂર્વ મેદિનીપુર, પશ્ચિમ મેદિનીપુર, દક્ષિણ 24 પરગના અને ઉત્તર 24 પરગનામાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે કોલકાતા, હાવડા, હુગલી અને ઝારગ્રામમાં 23 થી 24 ઓક્ટોબરની વચ્ચે ભારે વરસાદ પડી શકે છે.
ઓડિશા: 24 ઓક્ટોબરે પુરી, ખુર્દા, ગંજમ અને જગતસિંહપુર જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ (7 થી 20 સે.મી.) માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વીજળીના કડાકા ને ધોધમાર વરસાદ (20 સે.મી.થી વધુ) સાથે વાવાઝોડું ત્રાટકી શકે છે.
આંધ્રપ્રદેશ: આંધ્રપ્રદેશના રાયલસીમા ક્ષેત્રમાં ભારે વરસાદ સાથે 30 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.
કર્ણાટક: વાવાઝોડું આવતા પહેલા જ ભારે વરસાદને કારણે કર્ણાટકમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
તમિલનાડુ- પુડુચેરી: IMD એ દક્ષિણ ભારતના તમિલનાડુ અને પૂર્વ ભારતના કેટલાક રાજ્યોમાં પાંચ દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
- 29 માંથી 14 દરિયાકાંઠાના જિલ્લાઓમાં વાવાઝાડાની વ્યાપક અસર થવાની સંભાવના છે, તેથી ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ (ODRF)ની 51 ટીમો, ફાયર બ્રિગેડની 178 અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની 20 ટીમો અહીં તહેનાત કરવામાં આવી છે. .
- 25 ઓક્ટોબરે 11 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. તેથી, લોકોએ મંગળવારે જ લગભગ આ વિસ્તાર ખાલી કરી દીધો હતો. સરકારી બસોએ પ્રવાસીઓને સ્ટેશન પર ઉતાર્યા હતા, જેથી પ્લેટફોર્મ રાત સુધી ખીચોખીચ ભરાયેલું રહ્યું હતું.